બ્રહ્માંડની સફરે

બ્રહ્માંડની સફરે

મોનુ નામનો એક છોકરો સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં રહે છે. એની પાસે જુલ્લુ નામનું એક કૂતરું છે. મોનુ જુલ્લુ સાથે એ એક માણસ હોય એવી રીતે જ વાતચીત કરતો હોય છે. મોનુને વાંચનનો બહુ જ શોખ છે. એ શાળાના અને ગામના પુસ્તકાલયમાંથી ઘણાં બધાં પુસ્તકો લાવીને વાંચતો રહે છે. ઘણું બધું વાંચ્યા પછી એ જે કાંઈ વાંચ્યું હોય એનાં સપનાં જોવા લાગે છે.

એક દિવસ દુનિયાની વિગતો વાંચતાં વાંચતાં એ ઊંઘી ગયો અને એને સપનું આવ્યું કે એનું જુલ્લુ એક જીન બની ગયું છે! જુલ્લુ મોનુને બ્રહ્માંડની સફરે લઇ ગયું.

મોનુએ વાંચ્યું હતું કે બ્રહ્માંડ એટલે અસંખ્ય ગ્રહો, તારાઓ, નક્ષત્રો, આકાશગંગાઓ અને અવકાશમાં રહેલા અનેક પદાર્થોનો સમૂહ. બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઇ? બીગ બેંગ નામે જાણીતા સિધ્ધાંત મુજબ એક નાના ધગધગતા ગોળામાંથી એની ઉત્પત્તિ થઇ. આ ગોળો વિસ્તાર પામતો ગયો અને ઠંડો પડતો ગયો. ચાલો, માની લીધું કે આ બીગ બેંગ પ્રમાણે બ્રહ્માંડ સર્જાયું. તો પછી એ પ્રશ્ન થાય કે બીગ બેંગ પહેલાં શું? હજી સુધી આ રહસ્ય વણ ઉકલ્યું જ છે. બ્રહ્માંડ અનેક રહસ્યોથી ભરપુર છે.

આ બ્રહ્માંડની ઉંમર ૧૩.૭ અબજ વર્ષની માનવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે બ્રહ્માંડમાં રહેલા ગ્રહો ગોળાકાર છે. પરંતુ બ્રહ્માંડ પોતે સપાટ હોવાનું મનાય છે. બ્રહ્માંડમાં રહેલા અગણિત પદાર્થોમાંથી ફક્ત ૫% જેટલા પદાર્થો જ જોઈ શકાય છે. જે અસંખ્ય પદાર્થો જોઈ શકાતા નથી એ "ડાર્ક પદાર્થો" (ડાર્ક મેટર) અને ડાર્ક એનર્જી તરીકે ઓળખાય છે.

બ્રહ્માંડમાં પ્રત્યેક ક્ષણે કોઈક ને કોઈક પ્રક્રિયા થતી જ રહેતી હોય છે. પ્રત્યેક ક્ષણે બ્રહ્માંડમાં ક્યાંક કોઈ એક તારાનો વિસ્ફોટ થતો હોય છે.

બ્રહ્માંડમાં અબજો આકાશગંગાઓ છે. આકાશગંગા એ ગુરુત્વાકર્ષણને લીધે એકબીજાની સાથે રહેલા વાયુ, ધૂળ અને તારાઓનો સમૂહ છે. દરેક આકાશગંગામાં અબજો તારાઓ રહેલા છે. કેટલીક આકાશ ગંગા લંબગોળાકાર છે તો કેટલીક નળાકાર (ગૂંચળા વાળી) છે અને કેટલીક આડા અવળા આકારની છે.

મોનુએ જુલ્લુને પૂછ્યું, "આટલી બધી આકાશ ગંગામાં આપણે ક્યાં છીએ?"

જુલ્લુ કહે કે, "આપણે મિલ્કી વે નામે ઓળખાતી આકાશ ગંગામાં છીએ. આ આકાશ ગંગા નળાકાર છે. એમાં આપણી સૂર્યમાળા આવેલી છે. આપણી પૃથ્વી આ આકાશ ગંગાને લગભગ છેવાડે જ આવેલી છે."

આપણી સૂર્યમાળામાં આપણો સૂર્ય, ૮ ગ્રહો, કેટલાક લઘુ ગ્રહો, સૂર્યની આસપાસ ફરતા અવકાશી પદાર્થો તેમજ ગ્રહોની આસપાસ ફરતા એમના ચંદ્રો નો સમાવેશ થાય છે. સુર્યમાળાના કુલ દળનું ૯૯% દળ તો સૂર્ય જ ધરાવે છે અને બાકીના ગ્રહો તો ફક્ત સૂર્યમાળાનું ૧% દળ જ ધરાવે છે. મોનુ એ પ્રશ્ન કર્યો કે આમ કેમ? જુલ્લુ એ કહ્યું, "સૂર્યમાળાના ૮ ગ્રહોમાંથી ફક્ત બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ એ ૪ ગ્રહો જ ખડકો અને ધાતુ ધરાવે છે. જયારે બીજા ૪ ગ્રહો ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ટયુન તો હાઇડ્રોજન અને હિલીયમ વાયુના ગોળાઓ જ છે". આપણે આકાશમાં તારાઓ જોઈએ છીએ. આપણો સૂર્ય પણ એક તારો જ છે. સૂર્ય અહીંથી આપણને ગોળ દેખાય છે પણ એની ઉપર-નીચે સપાટ છે. જુલ્લુ એ મોનુને એક રસપ્રદ વાત કહીકે સૂર્યમાળાની પાર જવાનું કોઈ વિચારી શકે? અમેરિકાનું યાન વોયેજર-૧ ૨૦૧૨માં સૂર્યમાળાની હદ પાર કરી ગયું હોવાનું મનાય છે.

જુલ્લુ મોનુને કહે કે ચાલ, તને સૂર્યમાળાની સફરે લઇ જાઉં. મોનુ તો ખુશ ખુશ થઇ ગયો. હવે તો ભારત દેશ પણ મંગળ ઉપર પહોંચી ગયો છે. આપણું મંગળયાન મંગળની ભ્રમણકક્ષામાં ફરી રહ્યું છે અને આપણને મંગળ વિષે માહિતી આપી રહ્યું છે. માનવને મંગળ ગ્રહમાં બહુ જ રસ પડ્યો છે. ભવિષ્યમાં ત્યાં માનવ વસાહત પણ ઉભી કરવા માંગે છે. એ માટેની તૈયારીઓ પણ શરુ કરી દીધી છે. મોનુ તો બધા કરતાં પહેલાં જ મંગળ પર જવા તૈયાર થઇ ગયો.

મંગળ પર મોનુને લાગ્યું કે એનું વજન સાવ હળવું થઇ ગયું છે. આમ કેમ? મંગળ પર ઓછું ગુરુત્વાકર્ષણ હોવાથી, પૃથ્વી પર વજન હોય એના ૩૮% જેટલું જ વજન ત્યાં હોય. જુલ્લુએ મોનુને મંગળ વિષે સરસ માહિતી આપી. મંગળ નામ રોમન લોકોના યુદ્ધના દેવ ઉપરથી પડ્યું છે. મંગળ એ સૂર્યમાળાનો એક માત્ર ગ્રહ છે જેની સપાટી આપણે પૃથ્વી ઉપરથી જોઈ શકીએ છીએ. મંગળની સપાટી ઉપર જવાળામુખીના ખડકો, રણ, ખીણો અને એના ધ્રુવ પ્રદેશ પર બરફના પડ આવેલા છે. મંગળને રાતો ગ્રહ કેમ કહે છે? કારણકે એ કાટ જેવી ધૂળથી છવાયેલો છે. એનું વાતાવરણ પણ સપાટી પરથી સતત ઉડ્યા કરતી ધૂળને લીધે લાલાશ ધરાવે છે. મંગળ ઉપર ધૂળની ડમરીના ઝંઝાવાત સતત ચાલતા રહે છે જેને લીધે એની સપાટી સતત બદલાતી રહે છે. મંગળ ઉપર કેટલાય જવાળામુખીના ખડકો છે. એમનો એક જવાળામુખી "ઓલીમ્પસ મોન્સ" તો સૂર્યમાળામાં આવેલા તમામ જવાળામુખીમાં સૌથી મોટો છે જે ૨૧ કી.મી. ઉંચો અને ૬૦૦ કી.મી.નો ઘેરાવો ધરાવે છે. આપણી પૃથ્વી પર ઓક્સીજન વધારે છે જયારે મંગળ પર કાર્બન ડાયોકસાઈડનું પાતળું આવરણ છે. મંગળ પર પણ આપણી પૃથ્વીની જેમ જ ઋતુઓ બદલાતી રહે છે.

વાતાવરણ ચોક્ખું હોય ત્યારે પશ્ચિમ દિશામાં સુર્યાસ્ત થઇ ગયા બાદ નાના ટમટમતા તારા જેવો બુધ દેખાય છે. મોનુ એને જોતાં જોતાં કહે કે મારે બુધના ગ્રહ પર જઈ એની માહિતી મેળવવી છે. જુલ્લુ તો તૈયાર જ હોય. બુધ એ સૂર્યમાળામાં સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે. એની સપાટી ખડકાળ અને ખાડાવાળી છે. મોનુને પ્રશ્ન થયો કે સૂર્યની સૌથી નજીક હોવાથી ત્યાં ગરમી પણ વધારે જ હોય ને? બુધ ઉપર દિવસે ૪૦૦ ડીગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન હોય છે. તો રાત પણ કેવી ગરમ હોય? પરંતુ એવું નથી. બુધ ઉપર કોઈ બાહ્ય વાતાવરણ જ ન હોવાથી દિવસની ગરમી જાળવી શકાતી નથી અને એટલે રાતે ત્યાં -૧૮૦ ડીગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન થઇ જાય છે. બુધ ઉપર કોઈ વાતાવરણ ન હોય તો ત્યાં કેવી અસર હોય? ત્યાં પવન કે હવામાન ન હોય. બુધની સપાટી ઉપર પાણી નથી. કદાચ નીચે હોઈ શકે. તેમજ એની સપાટી ઉપર હવા પણ નથી હોતી. બુધ ઉપર ગુરુત્વાકર્ષણ અત્યંત ઓછું હોય છે. મોનુને બુધ પરથી કોઈ ચંદ્ર ન દેખાયો. જુલ્લુ કહે કે બુધને કોઈ જ ચંદ્ર નથી.

શિયાળો ઉતરતાં, ઉનાળાની સાંજે પશ્ચિમ દિશામાં સુર્યાસ્ત થઇ ગયા બાદ તેજસ્વી તારો દેખાય છે તે શુક્રનો ગ્રહ છે. આપણને પૃથ્વી ઉપરથી દેખાતા આકાશી ગ્રહોમાં સૌથી વધારે સરળતાથી એ જોઈ શકાય છે. નારી આંખે પણ આપણે શુક્રને જોઇને ઓળખી શકીએ છીએ. શુક્ર કદમાં લગભગ પૃથ્વી જેવડો જ છે, સહેજ નાનો. ત્યાં ગુરુત્વાકર્ષણ પણ લગભગ પૃથ્વી પર હોય એટલું જ છે. આવી સામ્યતાઓ હોવાથી શુક્રને પૃથ્વીનો "જોડીદાર" પણ ગણાય. પરંતુ આપણે ત્યાં જવાનું વિચારી ન શકીએ કારણકે ત્યાંના વાતાવરણમાં કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ વધારે છે. ત્યાં અત્યંત ગરમી છે અને પાણીનું કોઈ નામોનિશાન નથી. જો કે ભારત સહીત અમુક દેશો શુક્રનો વધુ અભ્યાસ કરવા માટે એની આસપાસ ભ્રમણ કરે એવો ઉપગ્રહ મોકલવા માંગે છે. મોનુ જુલ્લુ સાથે શુક્ર પર ગયો ત્યારે એકદમ જ નવાઈ પામીને બોલી ઉઠ્યો, "અરે આ શું? અહીં સૂર્ય પશ્ચિમમાંથી ઉગે છે?" જુલ્લુ કહે કે, "હા, શુક્ર પર સૂર્ય પશ્ચિમમાંથી ઉગીને પૂર્વમાં આથમતો દેખાય છે".

શિયાળામાં રાતે પૂર્વ દિશામાં ભૂરાશ પડતો ગુરુ જોઈ શકાય છે. જુલ્લુએ મોનુને ગુરુ ગ્રહ વિષે વિશેષ માહિતી આપતાં કહ્યું કે ગુરુનો ગ્રહ સૂર્યમાળામાં અનેક વિશેષતાઓ ધરાવતો ગ્રહ છે. તે સૂર્યમાળાનો સૌથી વિશાળ ગ્રહ છે. તેમાં આપણી ૧૩૦૦થી પણ વધુ પૃથ્વી સમાઈ જાય!  તે સૌથી વધુ ઝડપે સૂર્યની આસપાસ ફરે છે. આપણો એક દિવસ ૨૪ કલાકનો હોય છે જયારે તેનો દિવસ ફક્ત ૧૦ કલાકનો જ હોય છે. ત્યાં ચુંબકીય બળ એટલું વધારે છે કે પૃથ્વી ઉપર આપણું વજન હોય એના કરતાં ત્યાં અઢી ગણું (૨.૫ ગણું) વધારે વજન થાય! ગુરુને અનેક ચંદ્રો છે. એમના ૪ ચંદ્ર તો પ્લુટો કરતાં પણ મોટા છે. ગુરુનો એક ચંદ્ર "જેનીમેડ" તો બુધના ગ્રહ કરતાં પણ મોટો છે. તે સૂર્યમાળાના ગ્રહોના તમામ ચંદ્રોમાં સૌથી મોટો ચંદ્ર છે. ગુરુની એક વિશેષતા એ છે કે તેની સપાટી પર સતત વાવાઝોડા આવ્યા જ કરે છે. એક વાવાઝોડું તો ૩૦૦ વર્ષથી છે!

મંગળની જેમ આપણી પૃથ્વીવાસીઓનો પ્રિય ગ્રહ શનિ છે. શનિ એ ગુરુ પછીનો સૌથી ગ્રહ છે. મોટો શનિના ગ્રહ ફરતે આવેલા વલયોથી તે ખુબ જ સુંદર ગણાય છે. આ વલયો હજારો કિલોમીટર સુધી ફેલાયેલા છે. આ વલયો બરફના લાખો કણોના બનેલા છે. આમાંના કેટલાક કણો તો આપણા મકાન જેટલા મોટા હોય છે તો કેટલાક રેતીના કણ જેટલા હોય છે. શનિને પણ ઘણા ચંદ્રો છે. શનિ પર પણ તોફાની પવન હોય છે જે ક્યારેક તો કલાકના ૮૦૦ કી.મી. ની ઝડપ ધરાવે છે.

જુલ્લુ મોનુને કહે કે તું યુરેનસ ગ્રહ પર જાય તો તારી ઉંમર એકદમ જ નાની થઇ જાય. એમ કેમ? કારણકે યુરેનસને સૂર્યનું પરિભ્રમણ કરતાં પૃથ્વીના ૮૪ વર્ષ જેટલો સમય લાગે છે! એટલે ત્યાં ૪૨ વર્ષનો દિવસ અને ૪૨ વર્ષની રાત હોય છે. એની ધરી પર એ ત્રાંસો ફરે છે. યુરેનસના વાતાવરણમાં હાઈડ્રોજનનું પ્રમાણ વધારે છે. એના વાતાવરણમાં મીથેન વાયુ પણ છે. મીથેન વાયુ સૂર્ય કિરણોનો લાલ રંગ શોષી લે છે અને ભૂરો રંગ ફેલાવી દે છે. આથી ભૂરા-લીલા રંગનું આવરણ બની જાય છે. આને લીધે આપણે પૃથ્વી ઉપરથી યુરેનસને જોઈએ તો એની સપાટી પર શું છે તે નથી જોઈ શકાતું. પરંતુ વૈજ્ઞાનિકો એવું માને છે કે યુરેનસની સપાટી નીચે પાણી, એમોનીયા અને મીથેનનો સમુદ્ર હજારો કિલોમીટર સુધી ફેલાયેલો હશે.

નેપ્ટયુન ગ્રહ સૂર્યમાળામાં સૌથી દુર આવેલો ગ્રહ છે. પહેલાં આપણે પ્લુટોને સૌથી દુરનો ગ્રહ માનતા હતા પરંતુ હવે તો પ્લુટોને આપણે ગ્રહ તરીકે જ નથી માનતા એટલે નેપ્ટયુન જ સૌથી દુરનો ગ્રહ ગણાય. નેપ્ટયુન પૃથ્વી કરતાં ૪ ગણો મોટો છે. સૂર્યમાળાના ગ્રહોમાં સૌથી વધારે તોફાની વાતાવરણ ત્યાં છે.

૨૦૦૬ સુધી આપણે પ્લુટોને સૌથી નાનો અને સૌથી દુરનો ગ્રહ કહેતા હતા. પરંતુ ૨૦૦૬માં વૈજ્ઞાનિકોએ પ્લુટોની સૂર્યમાળાના ગ્રહ તરીકેની માન્યતા રદ કરી દીધી. હવે એ લઘુ ગ્રહ ગણાય છે. એ સૂર્યથી એટલો બધો દુર આવેલો છે કે ત્યાં સૂર્યકિરણો ભાગ્યેજ પહોંચે. ત્યાં -૨૩૫ થી -૨૧૦ ડીગ્રી સેલ્સિયસ જેટલું નીચું તાપમાન રહે છે.

આ ઉપરાંત સૂર્યમાળામાં એસ્ટેરોઈડ અને ધૂમકેતુઓ પણ હોય છે. ધૂમકેતુ એ સૂર્યમાળાનો એક નાનો પદાર્થ છે. બ્રહ્માંડના સર્જન વખતે ગ્રહોની ઉત્પત્તિ થયા બાદ ધૂમકેતુ જેવા નાના પદાર્થોનું સર્જન થયું. અવકાશમાં "ઊર્ટ" નામે ઓળખાતા વાદળોમાંથી ધૂમકેતુઓનું સર્જન થાય છે.ઘણા બધા ધૂમકેતુઓ સૂર્યની આસપાસ ફરે છે. જયારે કોઈ ધૂમકેતુ સૂર્યની નજીક હોય છે ત્યારે એને પ્રકાશિત પૂંછ હોય એવું દેખાય છે. આપણે હેલીના ધૂમકેતુથી ઘણા પરિચિત છીએ જે દર ૭૬ વર્ષે આપણને દેખાય છે. આપણું મંગળયાન મંગળ ગ્રહ ફરતે ફરે છે ત્યારે એક વિશિષ્ટ ઘટના બની. એના માર્ગમાં આવો એક ધૂમકેતુ આવી ગયો એટલે આપણે મંગળયાનનો પથ સહેજ બદલવો પડ્યો!  હવે તો ધૂમકેતુનો અભ્યાસ કરવા રોસેટટા નામના પ્રયોગમાં ફીલાએ લેન્ડર નામનું નાનું યાન ૬૭પી નામના ધૂમકેતુ ઉપર ઉતારવામાં આવ્યું છે. આ અભ્યાસ પૃથ્વીની ઉત્પત્તિ સમજવામાં ઘણો ઉપયોગી થશે.  ઘણા એસ્ટેરોઈડ પણ સૂર્યની આસપાસ ફરે છે. એસ્ટેરોઈડ અવકાશી ખડકો છે જે મોટે ભાગે મંગળ અને ગુરુના ગ્રહ વચ્ચે હોય છે.

જુલ્લુ મોનુને કહે કે આપણા જ્યોતિષીઓ માત્ર આપણી સૂર્યમાળાના ગ્રહોના નામ જ જાણે છે એટલે આપણા પર આ ગ્રહોની કેવી કેવી અસર થાય એવી વાતો કર્યા કરે છે. જરા વિચાર કર. આટલી બધી આકાશગંગાની અસંખ્ય સૂર્યમાળાઓ અને એ બધાના અગણિત ગ્રહો-તારાઓ છે. જો આપણને આવા અવકાશી ગ્રહો નડતા જ હોય તો કેટકેટલાથી બચવું પડે? માટે આપણને ગ્રહો નડે એવી અવૈજ્ઞાનિક વાતો કદાપી ન જ માનતો. વિજ્ઞાનનો જ આધાર લઈને આગળ વધજે. આપણા કાર્યો અને મહેનત જ આપણું ભવિષ્ય ઘડે છે.

અંગ્રેજી શીખવા માંગતા બાળકો માટે આ પ્રકરણમાં આવતા કેટલાક શબ્દોના અંગ્રેજી અર્થ (ઉચ્ચારો કૌંસમાં આપેલા છે

બ્રહ્માંડ = Universe (યુનિવર્સ).ગ્રહ = Planet (પ્લેનેટ). ગ્રહો = Planets (પ્લેનેટસ). તારો = Star (સ્ટાર) .નક્ષત્ર = Constellation (કોન્સ્ટેલેશન).આકાશગંગા = Galaxy (ગેલેક્ષી). અવકાશ = Space (સ્પેસ). પદાર્થ = Object (ઓબ્જેક્ટ).બીગ બેંગ સિધ્ધાંત = Big Bang Theory (બીગ બેંગ થીયરી).રહસ્ય = Secret (સિક્રેટ). વણ ઉકલ્યું = Unsolved (અન્સોલ્વડ). ગોળાકાર = Round (રાઉન્ડ). સપાટ = Flat (ફ્લેટ).પ્રક્રિયા = Process (પ્રોસેસ). વિસ્ફોટ = Explosion (એક્સપ્લોઝન). ગુરુત્વાકર્ષણ = Gravitation (ગ્રેવીટેશન). વાયુ = Gas (ગેસ). ધૂળ = Dust (ડસ્ટ). લંબગોળાકાર = Elliptical (ઈલીપ્ટીકલ). નળાકાર = Spiral (સ્પાઈરલ).આડા અવળા = Uneven (અનઇવન). આકાર = Shape (શેપ).લઘુ ગ્રહ = Dwarf Planet (ડવાર્ફ પ્લેનેટ). સૂર્યમાળા = Solar System (સોલર સીસ્ટમ). બુધ = Mercury (મરકયુરી). શુક્ર = Venus (વિનસ). પૃથ્વી = Earth (અર્થ). મંગળ = Mars (માર્સ). ગુરુ = Jupiter (જયુપીટર). શનિ = Saturn (સેટર્ન).  યુરેનસ = Uranus (યુરેનસ). નેપ્ટયુન = Neptune (નેપ્ટયુન). ખડક = Rock (રોક). ધાતુ = Metal (મેટલ). ભ્રમણકક્ષા = Orbit (ઓર્બીટ). જવાળામુખી = Volcano (વોલ્કેનો). રણ = Desert (ડેઝર્ટ).ખીણ = Valley (વેલી). બરફ = Ice (આઈસ). વાતાવરણ = Atmosphere (એટમોસ્ફીયર). ઝંઝાવાત, વાવાઝોડું = Storm (સ્ટોર્મ).ઋતુ = Season (સીઝન).તાપમાન = Temperature (ટેમ્પરેચર). ચુંબકીય બળ = Magnetic Field (મેગ્નેટિક ફિલ્ડ). વલય = Ring (રીંગ). કણ = Particle (પાર્ટીકલ).પરિભ્રમણ = Revolving (રીવોલ્વીંગ), Rotation (રોટેશન). ધરી = (સાઈડ). આવરણ = Layer (લેયર).ધૂમકેતુ = Comet (કોમેટ).



No comments: