સમુદ્રની દુનિયામાં

સમુદ્રની દુનિયામાં

મોનુ નામનો એક છોકરો સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં રહે છે. એની પાસે જુલ્લુ નામનું એક કૂતરું છે. મોનુ જુલ્લુ સાથે એ એક માણસ હોય એવી રીતે જ વાતચીત કરતો હોય છે. મોનુને વાંચનનો બહુ જ શોખ છે. એ શાળાના અને ગામના પુસ્તકાલયમાંથી ઘણાં બધાં પુસ્તકો લાવીને વાંચતો રહે છે. ઘણું બધું વાંચ્યા પછી એ જે કાંઈ વાંચ્યું હોય એનાં સપનાં જોવા લાગે છે.

એક દિવસ દુનિયાની વિગતો વાંચતાં વાંચતાં એ ઊંઘી ગયો અને એને સપનું આવ્યું કે એનું જુલ્લુ એક જીન બની ગયું છે! જુલ્લુ મોનુને સમુદ્રની દુનિયા જોવા લઇ ગયું. એણે જાત જાતની માછલીઓ સાથે વાતો કરી. માછલીઓએ મોનુને સમુદ્રની દુનિયાની ઘણી માહિતીઓ આપી.

પૃથ્વી ઉપર જીવ સૃષ્ટિની શરૂઆત સમુદ્રમાં થઇ હતી - આશરે ૩.- .૪ કરોડ વર્ષ પહેલાં! જેલી ફીશ એ ડાઇનોસોર અને શાર્ક કરતાં પણ પહેલેથી અસ્તિત્વ ધરાવે છે. જેલી ફીશ એ માછલી નથી પણ એક દરિયાઈ જીવ છે.

પૃથ્વી પર પેસિફિક (પ્રશાંત), એટલાન્ટીક, હિન્દ, એન્ટારક્ટીક (દક્ષિણીય), આર્કટીક મહાસાગર આવેલા છે. આ મહાસાગરો પૃથ્વી પરનો લગભગ ૭૦% ભાગ ધરાવે છે. પૃથ્વી પરના કુલ પાણીનું આશરે ૯૭% પાણી આ મહાસાગરોમાં આવેલું છે! તમામ મહાસાગરોમાં એટલાન્ટીક મહાસાગર સૌથી ખારો સમુદ્ર છે. પેસિફિક મહાસાગર એ સૌથી મોટો મહાસાગર છે જે પૃથ્વીના લગભગ ૩૦% ભાગમાં ફેલાયેલો છે. પેસિફિક મહાસાગર શાંત સમુદ્ર હોવાથી એ "પ્રશાંત" મહાસાગર તરીકે ઓળખાય છે. પૃથ્વી ઉપરની કુલ સજીવ સૃષ્ટિના આશરે ૫૦-૮૦% સજીવો સમુદ્રની સપાટી નીચે રહે છે! અરે, આપણે હજી સુધી અનેક દરિયાઈ જીવોથી અજાણ છીએ.

જુલ્લુએ મોનુને બીજી પણ કેટલીક રસપ્રદ વૈજ્ઞાનિક માહિતી આપી. પાણીની અંદર અવાજની ઝડપ ૧,૪૩૫ મી/સેકંડ છે જે હવામાંની અવાજની ઝડપ કરતાં લગભગ પાંચ ગણી ઝડપી છે. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણની અસરને લીધે સમુદ્રમાં ભરતી અને ઓટ આવે છે. સૂર્યપ્રકાશ સમુદ્રના પાણીની સપાટી ઉપરથી પરાવર્તિત થાય છે ત્યારે આકાશના ભૂરા રંગનું પરાવર્તન કરે છે. સમુદ્રના ઊંડા પાણીમાં મોટા ભાગનો સૂર્યપ્રકાશ પાણીમાંના ઓક્સીજનને લીધે ફેલાઈ જાય છે અને આમ ભૂરા રંગને પણ ફેલાવે છે. આથી સમુદ્રનું પાણી ભૂરા રંગનું દેખાય છે.

સમુદ્રમાં કેટલીક માછલીઓ સાથે વાતો કરતાં મોનુને અચરજભરી વાતો જાણવા મળી. સમુદ્રની જીવસૃષ્ટિમાં કેટલાક રહસ્યમય જીવો છે. સમુદ્રી વાદળી (સ્પોંજ - શરીરમાં છિદ્રો વાળું દરિયાઈ જીવ. વાદળી આપણે સફાઈ માટે વાપરતા હોઈએ છીએ), કોરલ, સ્ટાર ફીશ, જેલી ફીશ જેવા કેટલાક જીવો  પ્રાણી છે કે વનસ્પતિ છે એ કહેવું ઘણું મુશ્કેલ છે! મોનુ કહે કે હું નામ પરથી કહી શકું કે સમુદ્રી ઘોડો (જળ ઘોડો) એ પ્રાણી છે. તો મોનુની મિત્ર બનેલી માછલી હસવા લાગી. એ કહે કે સમુદ્રી ઘોડો એ પ્રાણી નથી પણ મારા જેવી જ એક માછલી છે. વાદળીને માથું, મગજ, હૃદય, ફેફસાં, મોઢું, હાડકાં નથી હોતા અને તેમ છતાંય એ જીવે છે! વાદળીના કટકા કરો તો દરેક કટકો વિકસિત જીવ બનશે! આ વાદળી સાવ નાના જંતુ જેવડી પણ હોય અને ગાય જેવા મોટા પ્રાણી જેવડી પણ હોય.

મોનુને એક માછલીને અડતાં વીજળીનો ઝટકો લાગ્યો હોય એવું લાગ્યું. એની મિત્ર માછલી એને કહે કે એ "ઈલ" નામે ઓળખાતી માછલીની એક જાત છે. આ ઈલ વીજળીના ૧૦ બલ્બ પ્રકાશિત કરી શકે એટલી વીજળી ઉત્પન્ન કરી શકે છે! મોનુએ એક ભયંકર મોટા અવાજ વાળી ચીસ સાંભળી અને એ એકદમ જ ગભરાઈ ગયો. એની મિત્ર કહે કે એ બ્લુ વ્હેલનો અવાજ છે. બ્લુ વ્હેલનો અવાજ ૧૮૮ ડેસીબલ્સ જેટલો હોય છે જે પૃથ્વી ઉપરના કોઈ પણ પ્રાણીના અવાજ કરતાં સૌથી મોટો અવાજ છે. બ્લુ વ્હેલ હોય છે પણ મહાકાય. એ પૃથ્વી ઉપરના કોઈ પણ પ્રાણી કરતાં વિશાળ કદ ધરાવે છે - પ્રાચીન સમયના વિશાળકાય ડાઈનોસોર કરતાં પણ મોટું! એનું હૃદય આપણી પાસેના કાર જેવા વાહનના કદ કરતાં પણ મોટા કદનું હોય છે!

મોનુની મિત્ર માછલી એને કહે કે, "ચાલ, તને સફેદ શાર્ક માછલી બતાવું". મોનુ કહે, "ના ના શાર્ક તો મને ખાઈ જાય". એની મિત્ર માછલી કહે, "અરે ભાઈ, તને કોણે એવું કીધું? સફેદ શાર્ક કોઈ દિવસ માણસને ન ખાય". આ શાર્ક એન્ટાર્કટીકા સિવાઈના દરેક ખંડમાં દરિયાના ઊંડા પાણીમાં થાય છે. એની એક વિશેષતા એ છે કે એમાં માદા કદમાં નર કરતાં મોટી હોય છે. સફેદ શાર્ક અવાજ ઉત્પન્ન નથી કરતી. તેઓ શરીરની સંજ્ઞા અને ગંધથી એક બીજા સાથે સંદેશા વ્યવહાર કરે છે. મોનુએ પૂછ્યું કે, "આ શાર્ક એનો શિકાર કેવી રીતે કરે છે?". એની મિત્રએ કહ્યું કે, "શાર્કની ઘ્રાણેન્દ્રિય - ગંધ પારખવાની શક્તિ ગજબ ની હોય છે. તેઓ પાણીના લાખો ટીપાંમાંથી એકાદ ટીપામાં પડેલા લોહીની ગંધ પારખી લે છે. તેઓ સમુદ્રમાં રહેતા પ્રાણીઓના શરીરમાંથી નીકળતો વીજ પ્રવાહ પકડી પાડે છે અને એના મારફતે એ પ્રાણીનો શિકાર કરવા પહોંચી જાય છે".

મોનુની મિત્ર માછલીએ એની મુલાકાત એક શાર્ક સાથે કરાવી! એ શાર્ક મોનુને કહે, "ભાઈ, અમે તમને ક્યાં નડીએ છીએ તે અમારો શિકાર કરો છો? તમે માણસો દર વર્ષે લાખોની સંખ્યામાં અમારો શિકાર કરો છો એમાં અમારી વસ્તી એકદમ જ ઘટી ગઈ છે. જીવ શાસ્ત્રીઓનું માનવું છે કે હવે માંડ ૧૦,૦૦૦ જેટલી જ શાર્ક બચી છે. તો ભાઈ, તમે માણસો સમજ કેળવો અને શાર્કનો શિકાર બંધ કરો".

પછી મોનુની મિત્ર માછલી એને દરિયાઈ કાચબાને મળવા લઇ ગઈ. દરિયાઈ કાચબા ધ્રુવીય પ્રદેશના સમુદ્ર સિવાયના બધા જ સમુદ્રમાં થાય છે. દરિયાઈ કાચબા પૃથ્વી ઉપરના ખુબ જ જુના રહેવાસીઓ છે. વિશાળકાય ડાઈનોસોર વાતાવરણના ફેરફાર સામે ટકી ન શક્યા પરંતુ દરિયાઈ કાચબાઓ વાતાવરણના ફેરફારો સામે ટકી શક્યા. દરિયાઈ કાચબા ખુબ જ કુશળ તરવૈયા છે. તેઓ લાંબા અંતર સુધી તરી શકે છે. મહાસાગરના એક છેડે થી બીજા છેડા સુધી તરીને જઈ શકે છે. આ કાચબાઓને દાંત નથી હોતા પણ તેઓ મુખ મારફતે એમનો ખોરાક લઇ શકે છે. કેટલાક દરિયાઈ કાચબા શાકાહારી પણ હોય છે!

દરિયાઈ કાચબાએ મોનુને કહ્યું, "અમે પ્લાસ્ટીકની કોથળીને જેલી ફીશ સમજીને મોઢામાં મુકીએ છીએ અને પછી એના લીધે મોત થાય છે તો તમે લોકો દરિયામાં આવો કચરો ન નાંખો. વળી જમીન ઉપરના કાચબાની જેમ અમે અમારું માથું અને પગ અમારા કવચમાં નથી નાંખી શકતા એટલે માણસોનો શિકાર થઇ જઈએ છીએ. હવે અમારી પ્રજાતિ લુપ્ત થઇ જાય છે. કુલ ૭ જાતના દરિયાઈ કાચબાઓ હોય છે એમાંથી ૬ જાતિ તો લગભગ નામશેષ જ થઇ ગઈ છે. પ્લીઝ, પ્લીઝ, તમે માણસો અમને પણ જીવવા દો".

મોનુએ બાફેલા બટાકા જેવું દેખાતું કથ્થાઈ રંગનું એક દરિયાઈ પ્રાણી જોયું. મોનુએ એની મિત્રને પૂછ્યું કે આ કયું પ્રાણી છે? એની મિત્રએ કહ્યું કે એ મેનાટીસ છે જેને તમે લોકો દરિયાઈ ગાય તરીકે ઓળખો છો. "દરિયાઈ ગાય" તમારી જમીન ઉપરની ગાય જેવું જ શાંત પ્રાણી છે અને દરિયાના પાણીમાં ધીમે ધીમે તરતું હોય છે.

મોનુની મિત્ર માછલીએ એને બીજા કેટલાક દરિયાઈ જીવો વિષે પણ માહિતી આપી. ઓક્ટોપસને ૩ હૃદય હોય છે અને એના લોહીનો રંગ લાલ નહિ પણ ભૂરો હોય છે! શેવાળ જેવા દરિયાઈ જીવો તો વ્હેલની ચામડીને વળગીને રહે છે!

પછી મોનુની મિત્ર માછલીએ દરિયાઈ સીલ સાથે એની મુલાકાત કરાવી. દરિયાઈ સીલ શીત અને ગરમ પાણીમાં રહી શકે છે. તેઓ દરિયા કિનારે રહે ત્યારે હજોરોની સંખ્યામાં એક સમૂહમાં રહે છે. સીલના દૂધમાં ૫૦% ચરબી હોય છે. આથી એના બચ્ચાંઓનું વજન રોજ ૮-૧૦ કિલો જેટલું વધે છે!  મોનુએ પૂછ્યું કે આવી સીલ મોટી થાય ત્યારે કેટલું વજન થાય? સીલ કહે કે "એલીફન્ટ સીલ" (હાથી જેવી સીલ) તરીકે ઓળખાતી સીલ ૧૩ ફીટ લંબાઈ ધરાવે છે અને એનું વજન ૨૦૦૦ કિલો જેટલું હોય છે!

સીલ મોનુને કહે કે તે સાંભળ્યું હશે કે યોગીઓ ધ્યાન ધરે ત્યારે શ્વાસ રોકી રાખે છે. મોનુ કહે, "શ્વાસ રોકી રાખવાનું તો અઘરું પડે. બધા ન કરી શકે". સીલ કહે, "અમે ૨ કલાક સુધી શ્વાસ રોકી શકીએ છીએ". મોનુ કહે, "એટલું બધું? કેવી રીતે?". સીલ કહે કે, "અમારા શરીરમાં બીજા પ્રાણીઓ કરતાં વધારે લોહી હોય છે. એટલે અમને ઘણો વધારે પ્રાણવાયુ (ઓકસીજન) મળે. આને લીધે અમે જયારે પાણીમાં ડૂબકી મારીએ ત્યારે ઘણે ઊંડે સુધી જઇ શકીએ. એલીફન્ટ સીલ તો ૧૦૦૦ ફીટ ઊંડે સુધી જઇ શકે છે".

મોનુને એ જાણી દુઃખ થયું કે દરિયાઈ પ્રદુષણ અને સીલની રુંવાટી માટે માનવો દ્વારા સીલની કરાતી હત્યાને લીધે સીલની સંખ્યા ઘટતી જાય છે.

પછી મોનુએ દરિયાઈ વનસ્પતિઓ વિષે માહિતી મેળવી. દરિયાઈ વનસ્પતિને સૂર્ય પ્રકાશ નથી મળતો એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા નથી થઇ શકતી. તેઓ દરિયાની નીચે રહેલી રેતીમાંથી જરૂરી પોષક તત્વો મેળવી લે છે.

કેલ્પ નામની વનસ્પતિ ઠંડા પાણીમાં થાય છે. તે ૨૫૦ ફીટ વધી શકે છે. તે દુનિયાની કોઈ પણ વનસ્પતિ કરતાં વધારે ઝડપથી વધતી વનસ્પતિ છે. તે દરિયાના પાણીની સપાટી ઉપર હોય છે. કેલ્પની જેમ જ દરિયાઈ ઘાસ પણ સપાટી ઉપર તરે છે. દરિયાઈ ઘાસ અસંખ્ય નાની નાની શેવાળનો સમૂહ છે. દરિયાઈ ઘાસને પુષ્કળ સૂર્ય પ્રકાશ જોઈએ એટલે એ સપાટી ઉપર હોય છે જયારે એના મૂળિયાં સમુદ્રના તળિયે હોય છે. લોકો દરિયાઈ ઘાસ ખોરાક તરીકે, મકાનો બાંધવા, દોરડા બનાવવા ઉપયોગમાં લે છે.

પરવાળા (કોરલ) એ વનસ્પતિ નથી પણ દરિયાઈ જીવ છે. પરવાળા રંગીન હોય છે. એમનો રંગ એમના ઉપર થતી શેવાળને લીધે હોય છે.

જુલ્લુએ મોનુને એક ચોંકાવનારી હકીકત કહી કે હાલમાં જે રીતે દરિયાઈ વનસ્પતિ ઘટી રહી છે એ જોતાં એવું સ્પષ્ટ જણાય છે કે આવનારા ૧૦૦ વર્ષમાં કદાચ બધી જ દરિયાઈ વનસ્પતિઓ નાશ પામશે. પ્રદુષણ નહિ અટકે તો એની સાથે માણસ જાત માટે પણ ખતરો છે. સમુદ્રની સપાટી વધતી જાય છે એ જોતાં એવું લાગે છે કે સમુદ્ર કિનારે વસતા મહાનગરો ડૂબી જશે! ન્યુયોર્ક, મુંબઈ જેવા મહાનગરો ઉપર આ ખતરો તોળાઈ રહ્યો છે.

મોનુને ખુબ ચિંતા થઇ ગઈ. પણ એમ માત્ર ચિંતા કર્યે થોડું ચાલે? આપણે સૌએ સાથે મળીને પ્રદુષણ અટકાવવા સક્રિય પ્રયાસ કરવા જ પડશે. તો જ જીવ સૃષ્ટિ બચી શકશે. આપણા પોતાના સ્વાર્થ માટે પણ આપણે આ કરવું જ રહ્યું.

અંગ્રેજી શીખવા માંગતા બાળકો માટે આ પ્રકરણમાં આવતા કેટલાક શબ્દોના અંગ્રેજી અર્થ (ઉચ્ચારો કૌંસમાં આપેલા છે

દરિયો, સમુદ્ર = Sea (સી). દુનિયા, વિશ્વ = World (વર્લ્ડ). માછલી = Fish (ફીશ).પૃથ્વી = Earth (અર્થ).જીવ સૃષ્ટિ = Life (લાઈફ).અસ્તિત્વ = Existence (એક્ઝીસટન્સ). દરિયાઈ જી= Sea Creature (સી ક્રીએચર). મહાસાગર = Ocean (ઓસન). રસપ્રદ =   Interesting (ઇન્ટરેસ્ટીંગ). વૈજ્ઞાનિક = Scientific (સાઈન્ટીફીક). માહિતી = Information (ઇન્ફર્મેશન). પાણી = Water (વોટર). અવાજ = Voice (વોઈસ). ઝડપ = Speed (સ્પીડ). હવા = Air (એર). સૂર્ય = Sun (સન). ચંદ્ર = Moon (મુન). ગુરુત્વાકર્ષણ = Gravitation (ગ્રેવીટેશન). અસર = Effect (ઈફેક્ટ). ભરતી = Tide (ટાઇડ). ઓટ = Ebb Tide (એબ ટાઇડ). સૂર્યપ્રકાશ = Sunlight (સન લાઈટ). પરાવર્તન = Reflection (રીફ્લેક્શન). પરાવર્તિત = Reflect (રીફ્લેક્ટ). આકાશ = Sky (સ્કાય). ભૂરા = Blue (બ્લ્યુ). રંગ = Colour (કલર). અચરજ = Wonder (વન્ડર). વાદળી = Sponge (સ્પોન્જ). શરીર = Body (બોડી). છિદ્ર = Hole (હોલ). છિદ્રો = Holes (હોલ્સ). પ્રાણી = Animal (એનિમલ). વનસ્પતિ = Plant (પ્લાન્ટ). માથું = Head (હેડ). મગજ = Brain (બ્રેઈન). હૃદય = Heart (હાર્ટ). ફેફસાં = Lungs (લંગ્સ). મોઢું = Mouth (માઉથ). હાડકાં = Bones(બોન્સ).વીજળી = Electricity (ઈલેક્ટ્રીસીટી).  વિશાળ =  Large (લાર્જ). કદ = Size (સાઈઝ).માદા = Female (ફીમેલ). નર = Male (મેલ). ઉત્પન્ન કરવું = To Produce (ટુ પ્રોડ્યુસ).સંજ્ઞા = Sign (સાઈન). શરીરની સંજ્ઞા = Body Language (બોડી લેન્ગવેજ). ગંધ = Smell (સ્મેલ).સંદેશા વ્યવહાર = Communication (કોમ્યુનીકેશન). શિકાર = Hunting (હન્ટિંગ). લોહી = Blood (બ્લડ). વીજ પ્રવાહ = Electric Current (ઇલેક્ટ્રિક કરંટ). જીવ શાસ્ત્રી = Biologist (બાયોલોજીસ્ટ). કાચબા = Turtle (ટરટલ). દરિયાઈ કાચબા = Sea Turtle (સી ટરટલ). ધ્રુવીય પ્રદેશ = Polar Region (પોલર રીજીયન). રહેવાસી = Native (નેટીવ). વિશાળકાય = Large (લાર્જ). વાતાવરણ = Atmosphere (એટમોસ્ફીયર). તરવૈયા = Swimmer (સ્વીમર). અંતર = Distance (ડિસ્ટન્સ). દાંત = Teeth (ટીથ). ખોરાક = Food (ફૂડ). શાકાહારી = Vegetarian (વેજીટેરીયન).પ્રજાતિ = Species (સ્પીસાઈસ). લુપ્ત = Extinguished (એક્સટિંગવિસેડ). બાફેલા = Boiled (બોઈલ્ડ). બટાકા = Potato (પોટેટો). કથ્થાઈ = Brown (બ્રાઉન).શેવાળ = Algae (એલ્ગે). શીત = Cold (કોલ્ડ). ગરમ = Hot (હોટ). દરિયા કિનારો = Sea Shore (સી શોર). ચરબી = Fat (ફેટ). વજન = Weight (વેઇટ). શ્વાસ = Breath (બ્રેથ). પ્રાણવાયુ = Oxygen (ઓકસીજન). પ્રદુષણ = Pollution (પોલ્યુશન). પ્રકાશ સંશ્લેષણ = Photosynthesis (ફોટોસિન્થેસિસ). રેતી = Sand (સેન્ડ). પોષક તત્વો = Nutrients (ન્યુટ્રીએન્ટસ).દરિયાઈ ઘાસ = Seaweed (સી વીડ). સપાટી = Surface (સરફેસ). મૂળિયાં = Roots (રુટસ). પરવાળા = Coral (કોરલ).



No comments: