પશુ-પંખીઓની એકતાએ જંગલ બચાવ્યું!

પશુ-પંખીઓની એકતાએ જંગલ બચાવ્યું!

બાળ મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે માનવ વસ્તી કૂદકે ને ભૂસકે વધી રહી છે. આપણને રહેવા માટે જગ્યા જ ક્યાં છે? આપણે ગામડાં ભાંગી, ખેતરો વેંચી શહેરોની સરહદ વધારતા જ જઈએ છીએ. આપણી જરૂરિયાતો પૂરી કરવા માટે આપણે જંગલો પણ કાપી નાખીએ છીએ એમાં બિચારાં નિર્દોષ પશુ-પંખીઓનો ભોગ લેવાઈ જાય છે.

એક વખત શહેરના સ્થપતિઓએ (ઘર - મકાન બાંધનારા બિલ્ડરો) મકાન બાંધવા માટે જમીન મેળવવા અને માલ સામાન માટે લાકડાં મેળવવા શહેર નજીકનું એક નાનું જંગલ પસંદ કર્યું. જંગલમાંથી વૃક્ષો કાપી નાખે તો ખુલ્લી જગ્યા મળી જાય જયાં મકાનો બાંધી શકાય. વૃક્ષોનાં લાકડાં પણ મળી જાય. એ લોકો એમની મોંઘી ગાડીઓ લઇ જંગલમાં ગયા.

બધા ભેગા મળીને જંગલ કાપવાની યોજના નક્કી કરતા હતા. ત્યાં નજીકના વૃક્ષ પર દોડા દોડી કરતી ખિસકોલીઓએ એમની વાતો સાંભળી. જંગલ કપાવાનું છે એ જાણતાં જ ખિસકોલી તો ધ્રુજી ઉઠી. "અરે બાપ રે, જંગલ કપાઈ જશે તો આપણે સૌ જશું ક્યાં?"

ખિસકોલીઓએ રોકકળ કરી મૂકી અને બધાં પશુ પંખીઓને ભેગાં કરી દીધાં. ખિસકોલીઓએ જે સાંભળ્યું હતું એ સૌને કીધું. માણસો જંગલ કાપીને ઘર બનાવશે એવું સાંભળીને કાગડાઓ હસા હસ કરવા લાગ્યા અને ખિસકોલીઓની મશ્કરી કરવા લાગ્યા. પરંતુ પોપટભાઈઓ એકદમ ગંભીર બની ગયા.

શાણા પોપટે બધાંને કહ્યું, "મિત્રો, આ હસવાની વાત નથી. જો આ માણસો જંગલ કાપી નાંખશે તો આપણે સૌ ઘરબાર વગરના થઇ જઈશું અને પછી આપણા સંતાનોનું શું થશેઆપણી પેઢીઓ જ નાશ પામશે. માટે આપણે સૌએ ભેગાં થઈને આ દુષ્ટ માણસોને રોકવા જ પડશે."

શક્તિશાળી માણસ પાસે બાપડાં-બિચારાં પશુ પંખીઓનું શું ગજું? પરંતુ આ તો જીવન મરણનો સવાલ હતો એટલે સૌએ એક થઈને માણસોનો મુકાબલો કરવા યોજના ઘડી કાઢી.

રાત દિવસ જંગલની ચોકી કરીને, માણસો જંગલ કાપવા આવે ત્યારે સૌ પશુ પંખીઓને જાણ કરી દેવાનું નક્કી કર્યું. દિવસે અમુક પશુ પંખીઓ પહેરો ભરે અને રાતે નિશાચરો પહેરો ભરે.

દિવસની ચોકી કરવાનું કામ ઘોડાઓ, ઘેટાંઓ, વાંદરાઓ અને સસલાંઓએ ઉપાડી લીધું. ઘોડાની આંખો તમામ પ્રાણીઓની આંખો કરતાં મોટી હોય છે. વળી ઘોડાની આંખો એના માથાની બે બાજુઓએ હોય છે એટલે ઘોડો એક સાથે ૩૬૦ ડીગ્રીએ ગોળ ફેરવીને જોઈ શકે છે. એટલે કે બધી દિશાએ એક સાથે જોઈ શકે છે. સસલાં પણ મોઢું ફેરવ્યા વગર એમની પાછળ શું છે તે જોઈ શકે છે. ઘેટાં ભલે નીચું મોઢું કરી ચાલ્યાં જતાં હોય પણ તેઓ લગભગ ૩૦૦ ડીગ્રીએ જોઈ શકે છે. આથી ઘેટાંઓ મોઢું ફેરવ્યા વગર જ એમની પાછળ શું છે તે જોઈ શકે છે. પ્રાણીઓએ ઘોડા, સસલાં અને ઘેટાંની આ શક્તિઓનો ફાયદો ઉઠાવવાનું નક્કી કર્યું.

જંગલની એક દિશાએ ઘોડાઓ ઉભા રહી ગયા. બીજી દિશાએ ઘેટાં ઊભાં રહી ગયાં. બીજી બે દિશાઓએ વૃક્ષો પર મોટા વાંદરા ચડી ગયા. વાંદરાઓની પીઠ પર નાનાં સસલાં બેસી ગયાં. ઊંચા વૃક્ષો પરથી તેઓ ચારે બાજુ શું થઇ રહ્યું છે તે જોઈ શકતા હતા. આમ જંગલની ચારે બાજુએ સજ્જડ ચોકી પહેરો થવા લાગ્યો. માણસો આવતા દેખાય એટલે વાંદરા, સસલાં, ઘેટાં અને ઘોડા બધાં જ પશુ પંખીઓને સજાગ કરી દેતા.

પછી સમડી, બાજ, કાગડા અને બીજાં પંખીઓ એમના તીક્ષ્ણ નહોર વડે માણસોને મારવા લાગતા. વાંદરાઓ અને જંગલી કુતરાઓ એ દુષ્ટ લોકોને બચકાં ભરવા લાગતા. મોટાં શીંગડા વાળા પશુઓ જોર જોરથી દોડીને લોકોને અડફેટે લેતા. જંગલ કાપવા આવતા દુષ્ટ લોકોમાં તો હાહાકાર વ્યાપી ગયો. દુષ્ટો તોબા પોકારી ગયા. એમણે નક્કી કર્યું કે હવે દિવસે નહીં પણ રાતે જંગલ કાપીશું. આ જાનવરો અંધારામાં આપણને જોઈ નહીં શકે.

પરંતુ એમને ક્યાં ખબર હતી કે રાતે પણ જંગલનાં નિશાચરો ચોકી પહેરો કરવાના છે? ઘુવડ તો રાતના રાજા ગણાય. ઘુવડ અંધારામાં જોઈ શકે અને વળી પાછા માથું ૩૬૦ ડીગ્રીએ ગોળ ફેરવીને પાછળ પણ જોઈ શકે. ચામાચિડિયા પણ રાતે અંધારામાં જોઈ શકે છે. ચામાચિડિયા તો કોઈ પણ વસ્તુ કેટલા અંતરે છે તે પણ પારખી શકે છે. તેઓ અવાજ કરે અને પછી રાહ જુએ. અવાજના તરંગો આગળની વસ્તુઓ પર અથડાઈને કેટલી ઝડપમાં પાછા આવે છે તેના પરથી તેઓ નક્કી કરી શકે છે કે કોઈ પણ વસ્તુ એમનાથી કેટલી દૂર છે. ઘુવડ અને ચામાચિડિયાની આવી શક્તિઓનો ઉપયોગ કરીને પશુ પંખીઓએ રાતનો ચોકી પહેરો પણ એકદમ મજબૂત બનાવી દીધો.

દુષ્ટ માણસો રાતે જંગલ કાપવા આવ્યા ત્યારે ઘુવડો અને ચામાચિડિયા એમને જોઈ ગયા. તેઓ ડરામણા અવાજો કરવા લાગ્યા. કેટલાક ચામાચિડિયાઓને નાનાં પણ અતિ તીક્ષ્ણ દાંત હોય છે. તેનાથી તેઓ માણસના શરીરની ચામડી પણ ઉતરડી નાંખે. આવા ચામાચિડિયાઓએ દુષ્ટો પર હુમલાઓ કરીને એમના ગળા પર જ બચકાં ભરી લીધાવાંદરાઓએ સૂકા ઝાડ હલાવવા માંડ્યા. રાતના આછા અજવાળામાં ડોલતા વૃક્ષોનાં પડછાયાથી બિહામણા આકારો બનતા હતા. પશુ પંખીઓ ચિત્ર-વિચિત્ર અવાજો કરવા લાગ્યા.

પોપટ તો માણસની જેમ જ બોલી શકે! એટલે પોપટોએ માણસ જેવો જ ઘેરો અવાજ કાઢી બોલવા માંડ્યું, "દુષ્ટો, ભાગો અહીથી. નહીંતર પિશાચ આવીને તમારી ગરદન કરડીને તમારું લોહી ચૂસી લેશે". હકીકતમાં તો પિશાચ નહીં પણ ચામાચિડિયાઓ જ એમને ગળે કરડતા હતા!

દુષ્ટ માણસો "ભૂત, ભૂત" કરતા ભાગી ગયા.

આમ માણસ જાતની ભૂત-પ્રેતની ખોટી માન્યતાઓનો પશુ પંખીઓએ પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો! ભૂત-પ્રેત, પિશાચ આ બધું તો માણસના મનની જ ઊપજ છે. માણસના ડરપોક મનમાં આવા આવા વિચારો આવે અને પછી રાતમાં હાલતા આકારો જોઇને, અવાજો સાંભળીને ડરવા લાગે. ચામાચિડિયા કરડે તો માને કે પિશાચ બચકાં ભરે છે!

આ રીતે પશુપંખીઓએ એકતાથી અને એમની પાસેની કુદરતી શક્તિઓનો ઉપયોગ કરીને એમનું જંગલ બચાવી લીધું! ફરી પાછું "જંગલ માં મંગલ" થઇ ગયું!

દોસ્તો, આપણે પણ હંમેશા એકતા રાખીને અને આપણને મળેલ અસંખ્ય શક્તિઓનો ઉપયોગ કરીને રહેવું જોઈએ. તો જ આપણે આપણી પૃથ્વીને સ્વર્ગ સમી સુંદર બનાવી શકીશું અને આપણા જીવન ઊજાળી શકીશું.

અંગ્રેજી શીખવા માંગતા બાળકો માટે આ પ્રકરણમાં આવતા કેટલાક શબ્દોના અંગ્રેજી અર્થ (ઉચ્ચારો કૌંસમાં આપેલા છે)

પશુ, પ્રાણી = Animal (એનિમલ). પંખી = Bird (બર્ડ).  માણસ = Man (મેન). લોકો = People (પીપલ). એકતા = Unity (યુનિટી). જંગલ = Forest (ફોરેસ્ટ). બચાવવું = To Save (ટુ સેવ).ગામ = Village (વિલેજ). ખેતર = Farm (ફાર્મ). શહેર = City (સીટી). સ્થપતિ = Builder (બિલ્ડર). ઘર, મકાન = House (હાઉસ). જમીન = Land(લેન્ડ). વૃક્ષ, ઝાડ = Tree (ટ્રી). ખિસકોલી = Squirrel (સ્ક્વીરલ). કાગડો = Crow (ક્રો). પોપટ = Parrot (પેરટ). રાત = Night (નાઈટ).  દિવસ = (ડે). નિશાચર = Nocturnal (નોકટર્નલ). ઘોડો = Horse (હોર્સ). ઘેટું = Sheep (શીપ). વાંદરો = Monkey (મંકી). સસલું = Rabbit (રેબીટ). આંખ = Eye (આઈ). સમડી = Eagle (ઈગલ). બાજ = Hawk (હોક). તીક્ષ્ણ = Sharp (શાર્પ). નહોર = Nail (નેઈલ). જંગલી = Wild (વાઈલ્ડ). કુતરું = Dog (ડોગ). અવાજ = Voice (વોઈસ). તરંગ = Wave (વેવ). ઝડપ = Speed (સ્પીડ). ઘુવડ = Owl (આઉલ). ચામાચિડિયા = Bat (બેટ). દાંત = Tooth (ટુથ), Teeth (ટીથ)શરીર = Body (બોડી). ચામડી = Skin (સ્કીન). ગળું = Neck (નેક). લોહી = Blood (બ્લડ). મન = Mind (માઈન્ડ). વિચાર = Thought (થોટ).શક્તિ = Energy (એનરજી). પૃથ્વી = Earth (અર્થ). જીવન = Life (લાઈફ).

No comments: