માનવ શરીરમાં પરિભ્રમણ!

માનવ શરીરમાં પરિભ્રમણ!

મોનુ નામનો એક છોકરો સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં રહે છે. એની પાસે જુલ્લુ નામનું એક કૂતરું છે. મોનુ જુલ્લુ સાથે એ એક માણસ હોય એવી રીતે જ વાતચીત કરતો હોય છે. મોનુને વાંચનનો બહુ જ શોખ છે. એ શાળાના અને ગામના પુસ્તકાલયમાંથી ઘણાં બધાં પુસ્તકો લાવીને વાંચતો રહે છે. ઘણું બધું વાંચ્યા પછી એ જે કાંઈ વાંચ્યું હોય એનાં સપનાં જોવા લાગે છે.

એક દિવસ દુનિયાની વિગતો વાંચતાં વાંચતાં એ ઊંઘી ગયો અને એને સપનું આવ્યું કે એનું જુલ્લુ ખુબ જ સૂક્ષ્મ બની ગયું છે અને આપણા શરીરમાં પણ ફરી શકે છે! મોનુ જુલ્લુને કહે કે, "દોસ્ત, મને પણ સૂક્ષ્મ બનાવી દે ને. મારે પણ માનવ શરીરની અંદર ઉતરીને જોવું છે".

પછી જુલ્લુએ મોનુને સૂક્ષ્મ બનાવી દીધો અને એ માનવ શરીરમાં પરિભ્રમણ કરવા લાગ્યો!

મોનુ મગજ જોવા ગયો. આપણું મગજ અત્યંત શક્તિશાળી કોમ્પ્યુટર જેવું છે. એ આપણી અસંખ્ય યાદોને સંગ્રહી રાખે છે અને જરૂર પડે ત્યારે તરત જ કોઈ બાબત યાદ અપાવી દે છે. આપણે જે રીતે વિચારીએ છીએ કે પ્રતિક્રિયા આપીએ છીએ તેનું સંચાલન આપણા મગજ મારફતે થાય છે.

મગજ એ આપણા સમગ્ર જ્ઞાનતંતુ ચક્ર (મજજા તંત્ર)નું સંચાલક છે. તે આપણા વિચારો, યાદો, આપણી હલનચલન, આપણા નિર્ણયોનું નિયંત્રણ કરે છે. માનવ જાતની ઉત્પત્તિ થઇ ત્યારથી મગજ વધારે ને વધારે જટિલ બનતું જાય છે. હજી સુધી વૈજ્ઞાનિકો આપણા મગજની અસંખ્ય બાબતો નથી જાણી શક્યા.
મગજ અબજો જ્ઞાનતંતુઓ ધરાવે છે જે આપણા શરીરમાં માહિતીઓનું સતત આદાન પ્રદાન કરતા રહે છે. મગજને ડાબી અને જમણી બાજુઓ હોય છે. મગજની ડાબી બાજુ આપણા શરીરના જમણા ભાગનું નિયંત્રણ કરે છે જયારે મગજની જમણી બાજુ આપણા શરીરના ડાબા ભાગનું નિયંત્રણ કરે છે.

આપણું મગજ ખોપરી દ્વારા રક્ષિત થયેલું છે. ખોપરી એક બીજા સાથે મજબુત રીતે જોડાયેલા ૨૨ હાડકાંઓનું બનેલું કવચ છે.

મોનુને એમ હતું કે મગજમાં આટલી બધી યાદો સંગ્રહાતી હોય એટલે એનું કદ પણ મોટું જ હોય ને? પણ એવું નથી. પુખ્ત વયના માણસનું મગજ માંડ દોઢ કિલોગ્રામ જેટલું જ વજન ધરાવે છે! આટલું નાનું મગજ આપણા શરીરની ૨૦% જેટલી ઉર્જા વાપરે છે!

મોનુએ જુલ્લુને પૂછ્યું કે, "આપણી જેમ બીજા પ્રાણીઓના મગજ પણ આવડા જ હશે ને?" જુલ્લુ કહે કે, "આપણા જેટલા જ કદના બીજા પ્રાણીઓના મગજ કરતાં આપણું મગજ ૩ ગણું મોટું હોય છે".

મગજ મેરુદંડ (મગજ અને કરોડરજજુનો દંડ-પટ્ટો) ના પ્રવાહીમાં રીતસર તરતું હોય છે! આને લીધે કુદરતી રીતે જ કોઈ જોરદાર અથડામણ સામે એને રક્ષણ મળી જાય છે. ઉપરાંત ચેપી જીવાણુંઓ સામે પણ રક્ષણ મળે છે.

માનવ શરીરમાં પરિભ્રમણ કરતો મોનુ હૃદય સુધી પહોંચી ગયો. હૃદય છાતીમાં ડાબી બાજુએ આવેલું છે અને પાંસળીઓ વડે સુરક્ષિત છે.

હૃદય માનવ શરીરનું સૌથી અગત્યનું અંગ છે જે સતત લોહીને શિરા (રક્ત વાહિની) દ્વારા શરીરના દરેક ભાગ સુધી પહોંચાડતું રહે છે. મોનુએ જોયું કે હૃદયમાં ૪ ખાનાં હોય છે. હૃદયમાં ૪ વાલ્વ હોય છે જેના લીધે લોહી કાં તો હૃદયમાંથી બહાર જાય છે કાં તો બહારથી હૃદયમાં આવે છે. હૃદયમાંથી બહાર જતું લોહી ધમની નામે ઓળખાતી રક્ત વાહિની દ્વારા બહાર જાય છે. હૃદયમાં આવતું લોહી શિરા નામે ઓળખાતી રક્ત વાહિની દ્વારા હૃદયમાં આવે છે.

મોનુએ જોયું કે હૃદયના ધબકારા કેવી રીતે થાય છે. હૃદય જયારે સંકોચાય છે ત્યારે એના ખાનાં નાના બને છે અને લોહીને રક્ત વાહિનીઓમાં ધકેલે છે. હૃદય પાછું મૂળ કદમાં આવે છે ત્યારે એના ખાનાં મોટા બને છે હૃદયમાં આવતા લોહીથી ભરાય છે. હૃદય સંકોચાય છે કેવી રીતે? હૃદયમાંથી પસાર થતો સુક્ષ્મ વીજ પ્રવાહ એના સ્નાયુઓને સંકોચે છે.

હૃદય અને એને લગતા રોગ, હૃદયમાં થતી મુશ્કેલીઓનો અભ્યાસ કાર્ડીઓલોજી નામે ઓળખાય છે. તમે કોઈ વખત હોસ્પીટલમાં ગયા હો અથવા ટી.વી.માં કે કોઈ ચલચિત્રમાં જોયું હોય કે દર્દીની સાથે એક મશીન જોડ્યું હોય છે જેમાં સ્ક્રીન પર એક લાઈન (રેખા) ફરતી દેખાય છે. આને ઇલેક્ટ્રો કાર્ડીઓ ગ્રામ (ઈ.સી.જી.) કહે છે. આ મશીન દ્વારા દર્દીના હૃદયમાંથી પસાર થતો વીજ પ્રવાહ માપી શકાય છે. એમાં લાઈન ઉપર નીચે જતી દેખાય છે. ડોક્ટર આ જોઇને નક્કી કરી શકે છે કે હૃદયના ધબકારા બરાબર ચાલે છે કે અનિયમિત છે. અત્યંત અનિયમિત ધબકારા હોય તો ડોક્ટરને ખબર પડી જાય છે કે દર્દીને હૃદયરોગનો હુમલો આવી રહ્યો છે. જો સ્ક્રીન પર દેખાતી લાઈન સીધી-સપાટ થઇ જાય તો દર્દી મૃત્યુ પામી રહ્યો છે એવો ખ્યાલ આવી જાય છે.

મોનુએ જુલ્લુને પૂછ્યું કે આ મશીનથી તો ખબર પડી જાય કે હૃદયરોગનો હુમલો આવી રહ્યો છે પણ એ સિવાય કેવી રીતે ખબર પડે? જુલ્લુ કહે કે જો તમારી આસપાસ કોઈ છાતીમાં દુખાવાની ફરિયાદ કરે તો તાત્કાલિક ૧૦૮ નંબર પર ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી લેવાની. દરમ્યાનમાં છાતી પર ખુબ જ જોર જોરથી હાથ ઘસવાના જેથી દર્દીના હૃદયના ધબકારા બંધ ન પડી જાય.

હૃદય મજબુત રહે અને નિયમિત ધબકતું રહે એ જીવવા માટે અત્યંત જરૂરી હોવાથી આપણે એની ખુબ જ કાળજી લેવી જોઈએ. શુદ્ધ સાત્વિક ખોરાક જ લેવો જોઈએ. લારી-હોટેલમાં મળતા ખાદ્ય પદાર્થોના બહુ ચટાકા નહીં કરવાના. આળસ કર્યા વગર નિયમિત કસરત કરવાની જ. હૃદય તંદુરસ્ત તો જીવન તંદુરસ્ત!

મોનુને લોહી વિષે જાણવાની ઈચ્છા થઇ એટલે જુલ્લુએ એને સમજ આપી. લોહી માનવ શરીરના વજન ના ૭% જેટલું હોય છે. લોહીમાં લાલ, સફેદ રક્તકણો અને પ્લેટેલેટ હોય છે. આ રક્તકણો પ્લાઝમા નામે ઓળખાતા પીળા રંગના પ્રવાહીમાં તરતા હોય છે. પ્લાઝમામાં ૯૦% પાણી હોય છે. ઉપરાંત પોષક તત્વો, ગ્લુકોઝ, પ્રોટીન, હોર્મોન્સ હોય છે.

આપણને જીવવા માટે સૌથી વધુ જરૂર ઓક્સીજનની છે. લાલ રક્તકણો ઓક્સીજનને આખા શરીરમાં ફરતો રાખે છે.

લોહીનો રંગ લાલ કેવી રીતે બને છે? લાલ રક્તકણોમાં હિમોગ્લોબીન નામે ઓળખાતું પ્રોટીન પણ હોય છે. આ હિમોગ્લોબીનમાં આયર્ન હોય છે જે ઓક્સીજન સાથે ભળીને લોહીને લાલ રંગ આપે છે.

આ રક્તકણો કેટલાક હાડકાની અંદરની ચરબીમાં (જે બોન મેરો તરીકે ઓળખાય છે) બને છે અને શરીરમાં લગભગ ૧૨૦ દિવસ સુધી ફરતા રહે છે.

સફેદ રક્તકણો આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ માટે ખુબ જ ઉપયોગી છે. તે આપણા શરીરનું કેટલાક બેક્ટેરિયા, વાઇરસ, કેન્સર, ચેપી રોગો અને એવા બિન ઉપયોગી પદાર્થો સામે રક્ષણ કરે છે.

આપણને કશુંક વાગે ત્યારે લોહી નીકળે છે. આ લોહી નીકળતું બંધ જ ના થાય તો? પ્લેટેલેટ લોહી નીકળતું હોય ત્યારે એને જામી જવામાં મદદ કરે છે.

લોહી આપણા શરીરમાંથી નકામા પદાર્થો બહાર કાઢી નાખવામાં પણ ઉપયોગી બને છે.

તમે લોહીના દબાણ વિષે સાંભળ્યું છે? જે બ્લડ પ્રેશર તરીકે ઓળખાય છે. લોહી રક્તવાહિનીઓમાં ફરતું હોય ત્યારે એની દીવાલ પર જે દબાણ થાય એને બ્લડ પ્રેશર કહે છે. સામાન્ય રીતે લોહીનું દબાણ ૧૨૦/૮૦ હોવું જોઈએ (મહત્તમ એટલે કે ઉપરનું દબાણ ૧૨૦ અને લઘુત્તમ એટલે કે નીચેનું દબાણ ૮૦). જો બ્લડ પ્રેશર વધી જાય તો હૃદય રોગનો હુમલો આવી શકે કે લકવો પણ થઇ શકે.

તમને તમારા લોહીનો પ્રકાર કયો છે તે ખબર છે? લોહીના પ્રકાર એટલે કે બ્લડ ગ્રુપ વિષે તમે કદાચ સાંભળ્યું હશે. આપણને કોઈ કારણસર બહારથી લોહી આપવાની જરૂર પડે તો બ્લડ ગ્રુપને આધારે જ નક્કી કરાય કે કયા ગ્રુપનું લોહી આપણા શરીરમાં આપી શકાય. બ્લડ ગ્રુપ ઓ, એ, બી, અને એબી નામે ઓળખાય છે. એમાં એ+, એ- એવી રીતે પ્રકારો નક્કી થાય છે. આવા લગભગ ૩૦ ગ્રુપ બને છે.

જુલ્લુ મોનુને કહે કે જયારે કોઈને અકસ્માત થાય ત્યારે શરીરમાંથી ઘણું બધું લોહી વહી જાય છે. આવા માણસને તાત્કાલિક નવું લોહી બહારથી આપવું જ પડે. અનેક બાળકો થેલેસેમિયા નામના રોગથી પીડાય છે. આવા બાળકોને દર ૩ અઠવાડિયે લોહી આપવું પડે છે! આમ લોહીની કેટલી બધી જરૂર પડે છે? આટલું બધું લોહી કેવી રીતે મળે? તંદુરસ્ત માણસો દર ૩ મહીને લોહી આપી શકે. જો દરેક તંદુરસ્ત માણસ આવી રીતે દર ૩ મહીને પોતાનું લોહી આપે (જેને રક્તદાન - બ્લડ ડોનેશન કહે છે) તો કેટલીયે જીન્દગી બચાવી શકાય. મોનુએ તો નક્કી કરી લીધું છે કે એ મોટો થઈને નિયમિત રીતે રક્તદાન કરશે જ. તમે પણ કરશો ને?

બ્લડ કેન્સરના દર્દીઓને એમના લોહીને અનુકુળ બોન મેરો મળી જાય તો એમને જીવતદાન મળવાની શક્યતાઓ ઘણી વધી જાય છે. આથી બોન મેરો ડોનેટ (દાન) કરવા માટે જાગૃતિ લાવવાની જરૂર છે. મોનુએ તો નક્કી કરી લીધું છે કે એનું બોન મેરો કેન્સરના દર્દીને કામમાં આવશે તો એ જરૂર ડોનેટ કરશે. તમે પણ આવું નક્કી કરી લો.

પછી મોનુએ ત્વચા-ચામડી વિષે જાણકારી મેળવી. ત્વચા આપણા શરીરનું સૌથી મોટું અંગ કહી શકાય. 

જુલ્લુએ મોનુને પૂછ્યું, "ત્વચા શું કામમાં આવે?" મોનુ કહે કે, "ત્વચા એની નીચે શરીરમાં આવેલા હાડકાં, સ્નાયુઓ અને અંદરના અંગોનું રક્ષણ કરે છે". જુલ્લુ કહે, "એ ઉપરાંત ત્વચા બહારના રોગ સામે પણ રક્ષણ આપે છે. ઠંડી અને ગરમીની સંવેદના કરાવે છે. લોહીની મદદ વડે શરીરનું તાપમાન જાળવી રાખે છે".

મોનુએ જુલ્લુને પૂછ્યું, "લોકોની ત્વચાનો રંગ જુદો જુદો કેમ હોય છે?" જુલ્લુ કહે કે, "ત્વચાના રંગનો આધાર મેલાનીન રંગદ્રવ્ય પર છે. મેલાનીન ઓછી માત્રામાં હોય તેની ત્વચાનો રંગ ઉજળો હોય. મેલાનીન વધારે માત્રામાં હોય એની ત્વચા કાળી હોય".

એક અચરજભરી બાબત એ છે કે આપણા ઘરમાં આપણે ધૂળની રજકણો જોઈએ છીએ તેમાં ઘણી માત્રામાં મૃત ત્વચા (જે ખરી પડી હોય છે) હોય છે!

મોનુ સુક્ષ્મ સ્વરૂપે આંખ જોવા પહોંચી ગયો.

આંખની અંદરના ભાગમાં પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ સ્નાયુ છે તે રેટીના કહેવાય છે. અત્યારે તો ડીજીટલ કેમેરા આવી ગયા છે પણ પહેલાં ફિલ્મના રોલ વાળા કેમેરા હતા. આવા કેમેરામાં ફિલ્મનું જે કામ છે તેવું જ કામ રેટીના કરે છે. રેટીનાના શંકુ કોષ રંગ પારખે છે. રેટીનાના દંડ કોષ રંગછટાઓ વચ્ચેની ભેદ માત્રા પારખે છે.

આંખમાં જે લેન્સ હોય છે તે જુદા જુદા અંતરે રહેલા પદાર્થો પર દ્રષ્ટિ કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. લેન્સ એનો આકાર બદલીને આ રીતે મદદરૂપ થાય છે. આંખ પર જે પારદર્શક પડદો છે તે કોર્નિયા કહેવાય છે. કોર્નિયા અને લેન્સ પ્રકાશનું વક્રીભવન કરે છે જેથી પ્રકાશ રેટીના પર કેન્દ્રિત થાય. આંખ પર પ્રકાશ પડે ત્યારે પ્રકાશની તીવ્રતા મુજબ કીકીનું કદ બદલાતું રહે છે. આંખની કીકીની આસપાસ એક રંગીન કુંડાળું હોય છે તે કથ્થાઈ, ભૂરા, લીલા કે બીજા રંગનું હોય છે.

આપણને દ્રષ્ટિ મળી છે અને આપણે જોઈ શકીએ છીએ એ માટે આપણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ. અનેક લોકોને દ્રષ્ટિ નથી મળી. જો માણસ મૃત્યુ બાદ ચક્ષુદાન કરે તો કોઈ અંધ વ્યક્તિને દ્રષ્ટિ મળી શકે. અને એ રીતે મૃત્યુ બાદ પણ એ આંખો દ્વારા દુનિયા જોતા રહેવાનો લાભ પણ મળે! તો તમે ચક્ષુદાન કરવાનો નિર્ણય લઇ લો અને બીજાને પણ એ માટે સમજાવો.

જુલ્લુએ મોનુને પૂછ્યું, "શરીરમાં સૌથી મજબુત શું?" મોનુ કહે કે, "લે, એતો ખબર જ હોય ને! હાડકાં સૌથી મજબુત હોય". જુલ્લુ કહે, "હાડકાં કઠણ લાગે પણ એની અંદરના ભાગે વાદળી જેવાં પોચાં હોય છે. આમ હાડકાં મજબુત પણ હળવાં હોય છે".

શરીરને મજબૂતાઈ આપવા સિવાય હાડકાં શું કામમાં આવે? કેટલાક હાડકામાં અંદર ચરબી હોય છે જે બોન મેરો તરીકે ઓળખાય છે. આ બોન મેરોમાં અસંખ્ય કોષો હોય છે જે લાલ રક્તકણો બનાવે છે. કેટલાં ખબર છે? દર સેકન્ડે લગભગ ૨૦ લાખ જેટલા લાલ રક્તકણો બને છે! આ રક્તકણો આખા શરીરમાં ઓક્સીજનનું વહન કરે છે. આમ જોયું ને કે હાડકામાંનું બોન મેરો કેટલું બધું કામમાં આવે છે?

આપણા હાથ જુદા જુદા હાડકાના બનેલા હોય છે જેની મદદથી હાથનું હલનચલન શક્ય બને છે. હથેળી, આંગળીઓ અને કાંડા વચ્ચે ૫૪ હાડકાં હોય છે.

શરીરનું સૌથી મોટું હાડકું થાપાનું હાડકું છે. શરીરનું સૌથી નાનું હાડકું કાનની મધ્યમાં આવેલું છે જે માંડ ૦.૧ થી ૦.૧૩ ઇંચ જેટલી જ લંબાઈ ધરાવે છે.

જુલ્લુએ મોનુને પૂછ્યું, "ગુનેગારને પકડવા શું કરવામાં આવે છે?" મોનુ કહે, "ગુનાના શકમંદ માણસના આંગળાની છાપ લેવામાં આવે છે?" કેમ એમ? કારણકે દરેક વ્યક્તિના આંગળાની છાપ જુદી જ હોય છે. જુલ્લુ મોનુને કહે કે આંગળાની જેમ જીભની છાપ પણ દરેક વ્યક્તિમાં જુદી જ હોય છે! જીભ નાની હોય છે પણ તે શરીરનું સૌથી મજબુત સ્નાયુ છે! જીભ એક માત્ર એવું સ્નાયુ છે જેની એક બાજુ ક્યાંય બંધાયેલી નથી-છુટ્ટી હોય છે.

જુલ્લુએ મોનુને પૂછ્યું, "એવું કેમ કે જાડા માણસ વધારે ખાઈ શકે અને પાતળા ઓછું ખાય?" મોનુ કહે, "જાડાનું પેટ મોટું એટલે વધારે ખવાય અને પાતળાનું પેટ નાનું એટલે ઓછું ખવાય". જુલ્લુ કહે, "ના એવું નથી. દરેક માણસનું પેટ સરખા કદનું જ હોય છે!" તો પછી કોઈ વધારે ખાઈ શકે ને કોઈ ઓછું ખાઈ શકે એવું કેમ? પેટ દ્વારા મગજને સંદેશો પહોંચાડાય છે કે હવે તે ભરાઈ ગયું છે. કોઈના પેટ દ્વારા આ સંદેશો વહેલો પહોંચે તો કોઈના પેટ દ્વારા આ સંદેશો મોડો પહોંચે! હંમેશા ભૂખ હોય એના કરતાં થોડું ઓછું જ ખાવું જોઈએ.

શરીરમાં પ્રભુનો વાસ છે તો આપણે શરીરને સ્વચ્છ અને તંદુરસ્ત રાખવું જોઈએ, ખરું ને?

અંગ્રેજી શીખવા માંગતા બાળકો માટે આ પ્રકરણમાં આવતા કેટલાક શબ્દોના અંગ્રેજી અર્થ (ઉચ્ચારો કૌંસમાં આપેલા છે

સૂક્ષ્મ = Very Small (વેરી સ્મોલ). માનવ = Man (મેન). શરીર = Body (બોડી). પરિભ્રમણ = Revolving (રીવોલ્વીંગ). મગજ = Brain (બ્રેઈન). શક્તિશાળી = Powerful (પાવરફુલ). કોમ્પ્યુટર = Computer (કોમ્પ્યુટર). સંગ્રહ = Storage (સ્ટોરેજ). યાદ = Memory (મેમરી). વિચારવું = To Think (ટુ થીંક). વિચારો = Thoughts (થોટ્સ).પ્રતિક્રિયા = Reaction (રીએક્શન). સંચાલન = Operation (ઓપરેશન). સંચાલક = Operator (ઓપરેટર). જ્ઞાનતંતુ ચક્ર (મજજા તંત્ર) = Nervous System (નર્વસ સિસ્ટમ). હલનચલન = Movement (મુવમેન્ટ). નિર્ણય = Decision (ડીસીસન).  નિયંત્રણ = Control (કંટ્રોલ). જ્ઞાનતંતુ = Nerve Cell (નર્વ સેલ). માહિતી = Information (ઇન્ફર્મેશન). આદાન પ્રદાન = Exchange (એક્સચેન્જ).ખોપરી = Skul (સ્કલ). રક્ષણ = Protection (પ્રોટેક્શન). રક્ષિત = Protected (પ્રોટેક્ટેડ). હાડકું = Bone (બોન). હાડકાં = Bones (બોન્સ). કવચ = Casing (કેસિંગ). કદ = Size (સાઈઝ). પુખ્ત = Adult (એડલ્ટ). વજન = Weight (વેઇટ). ઉર્જા = Energy (એનર્જી).મેરુદંડ (મગજ અને કરોડરજજુનો દંડ-પટ્ટો) = Cerebrospinal (સેરેબ્રોસ્પીનલ). પ્રવાહી = Liquid (લીક્વીડ). તરવું = To Float (ટુ ફ્લોટ). ચેપ = Infection (ઇન્ફેકશન). જીવાણું = Virus (વાઇરસ). હૃદય = Heart (હાર્ટ).છાતી = Chest (ચેસ્ટ).પાંસળી = Rib (રીબ). અંગ = Organ (ઓર્ગન).લોહી = Blood (બ્લડ).રક્ત વાહિની = Blood Vessel (બ્લડ વેસલ). ખાનાં = Chambers (ચેમ્બર).વાલ્વ = Valve. ધમની = Artery (આર્ટરી). શિરા = Vein (વેઇન).ધબકારા = Heart Beats (હાર્ટ બીટ્સ).સ્નાયુ = Muscle (મસલ). રોગ = Disease (ડીસીઝ). કાર્ડીઓલોજી = Cardiology.  ઇલેક્ટ્રો કાર્ડીઓ ગ્રામ (ઈ.સી.જી.)  = Electrocardiogram (ECG). હૃદયરોગનો હુમલો = Heart Attack (હાર્ટ એટેક). દર્દી = Patient (પેશન્ટ).દુખાવો = Pain (પેઈન). એમ્બ્યુલન્સ = Ambulance. તંદુરસ્ત = Healthy (હેલ્ધી).રક્તકણો = Blood Cell (બ્લડ સેલ). પ્લેટેલેટ = Platelet. પ્લાઝમા = Plasma. પોષક તત્વો = Nutrients (ન્યુટ્રીએન્ટસ). ગ્લુકોઝ = Glucose. પ્રોટીન = Protein. હોર્મોન્સ = Hormones .પ્રાણવાયુ = Oxygen (ઓક્સીજન). હિમોગ્લોબીન = Hemoglobin. આયર્ન = Iron. બોન મેરો = Bone Marrow. ચરબી = Fat (ફેટ). રોગ પ્રતિકારક શક્તિ = Immunity (ઈમ્યુનીટી).બેક્ટેરિયા = Bacteria. વાઇરસ = Virus. કેન્સર = Cancer. બ્લડ ગ્રુપ = Blood Group. લોહીનું દબાણ = Blood Pressure (બ્લડ પ્રેશર). લકવો = Paralysis (પેરેલિસિસ).થેલેસેમિયા = Thalassemia. ત્વચા-ચામડી = Skin (સ્કીન). સંવેદના = Sensation (સેન્સેશન). તાપમાન = Temperature (ટેમ્પરેચર). મેલાનીન = Melanin. રંગદ્રવ્ય = Pigment (પીગમેન્ટ).ધૂળની રજકણો = Dust Particles (ડસ્ટ પાર્ટીકલ્સ).આંખ = Eye (આઈ). પ્રકાશ = Light (લાઈટ).સંવેદનશીલ = Sensitive (સેન્સીટીવ). રેટીના = Retina. ડીજીટલ કેમેરા = Digital Camera. ફિલ્મ = Film. રેટીનાના શંકુ કોષ = Cone Cell (કોન સેલ). રેટીનાના દંડ કોષ = Rod Cell (રોડ સેલ). રંગછટા = Colour (કલર). ભેદ માત્રા = Contrast (કોન્ટ્રાસ્ટ). પારખવું = To Detect (ટુ ડીટેક્ટ).લેન્સ = Lens. અંતર = Distance (ડીસ્ટન્સ).પદાર્થ = Object (ઓબ્જેક્ટ). દ્રષ્ટિ કેન્દ્રિત કરવી = To Focus (ટુ ફોકસ). આકાર = Shape (શેપ). પારદર્શક = Transparent (ટ્રાન્સપેરન્ટ). કોર્નિયા = Cornea. વક્રીભવન = Refraction (રીફરેક્શન). તીવ્રતા = Sharpness (શાર્પનેસ). કીકી = Pupil (પ્યુપીલ).કદ = Size (સાઈઝ).ચક્ષુદાન = Eye Donation (આઈ ડોનેશન).અંધ વ્યક્તિ = Blind (બ્લાઇન્ડ). કઠણ = Hard (હાર્ડ). મજબુત = Strong (સ્ટ્રોંગ). હળવાં = Soft (સોફ્ટ). હાથ = Hand (હેન્ડ).આંગળી = Finger (ફીંગર). કાંડું = Wrist (રીસ્ટ).થાપાનું હાડકું = Femur (ફેમર).કાન = Ear (ઈયર). ગુનેગાર = Criminal (ક્રિમીનલ). શકમંદ = Suspected (સસ્પેકટેડ).આંગળાની છાપ = Finger Print (ફીંગર પ્રિન્ટ). જીભ = Tongue (ટંગ).જાડા = Fat (ફેટ). પાતળા = Thin (થીન). પેટ = Stomach (સ્ટમક).


No comments: