ઈલેક્ટ્રોનિક દુનિયા

ઈલેક્ટ્રોનિક દુનિયા

મોનુ નામનો એક છોકરો સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં રહે છે. એની પાસે જુલ્લુ નામનું એક કૂતરું છે. મોનુ જુલ્લુ સાથે એ એક માણસ હોય એવી રીતે જ વાતચીત કરતો હોય છે. મોનુને વાંચનનો બહુ જ શોખ છે. એ શાળાના અને ગામના પુસ્તકાલયમાંથી ઘણાં બધાં પુસ્તકો લાવીને વાંચતો રહે છે. ઘણું બધું વાંચ્યા પછી એ જે કાંઈ વાંચ્યું હોય એનાં સપનાં જોવા લાગે છે.

એક દિવસ દુનિયાની વિગતો વાંચતાં વાંચતાં એ ઊંઘી ગયો અને એને સપનું આવ્યું કે એનું જુલ્લુ ઇલેક્ટ્રોનીક્સ એન્જીનીયર બની ગયું છે! જુલ્લુએ મોનુને ઇલેક્ટ્રોનીક્સ જગતનો પરિચય કરાવ્યો.

જુલ્લુએ મોનુને પૂછ્યું: "તું ઈલેક્ટ્રોનિકસમાં શું જાણે છે?"

મોનુ કહે કે, "મેં ટેલીવિઝન, મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, વિડીયો ગેમ્સ, રોબોટ વિષે સાંભળ્યું છે. ટેલીવિઝન પર હું રોજ કાર્ટુન જોઉં છું અને વિજ્ઞાનની વાતો પણ જોઉં છું."

પછી જુલ્લુએ મોનુને આ સાધનો વિષે વિશેષ માહિતી આપી.

૨૦મી સદીમાં ટેલીવિઝનની શોધ સાથે મનોરંજનની દુનિયામાં આનંદ વ્યાપી ગયો. આપણે એને ટીવી એ ટૂંકા નામે ઓળખીએ છીએ.એનું સૌપ્રથમ વેચાણ ૧૯૨૦માં થયું હતું. ટેલીવિઝન દ્વારા હલન ચલન કરતાં ચિત્રો પ્રસારિત કરાય છે. રેડિયોની જેમ ટેલીવિઝનમાં પણ ખાસ તરંગ લંબાઈના તરંગો દ્વારા પ્રસારણ થાય છે. પહેલાં એનેલોગ પધ્ધતિથી પ્રસારણ થતું હતું. હવે ડીજીટલ પધ્ધતિથી પ્રસારણ થાય છે. પહેલાં શ્વેત-શ્યામ (બ્લેક એન્ડ વ્હાઈટ) ચિત્રો જ દેખાતાં. ૧૯૭૦થી રંગીન ચિત્રો પ્રસારણ થવા લાગ્યાં. ૧૯૮૦માં રીમોટ કંટ્રોલ આવ્યું. પહેલાંના ટીવી સ્ક્રીન બહુ જ ભારે અને વધારે જગ્યા રોકતા. એમાં કેથોડ રે ટ્યુબ (CRT) વપરાતું. ત્યાર બાદ ટ્રાન્ઝીટર વપરાતાં. હવે તો લીક્વીડ ક્રિસ્ટલ ડિસ્પ્લે (LCD) અને પ્લાઝમા વપરાય છે. સમય સાથે ટીવીની દુનિયામાં પણ નવી નવી ટેકનોલોજી આવતી જાય છે.

અત્યારે સૌથી વધુ વપરાતું ઈલેક્ટ્રોનિક સાધન કયું? બહુ જ સહેલો જવાબ છે - મોબાઈલ ફોન! કોઈ પણ સ્થળે, કોઈ પણ સમયે ફટ કરતાંકને વાતચીત થાય, સંદેશા (એસ.એમ.એસ) મોકલી શકાય. હવે મોબાઈલનો માત્ર આવા સંદેશા વ્યવહાર પુરતો જ ઉપયોગ નથી રહ્યો. કેમેરા, વિડીયો, ઈન્ટરનેટ, ગેમ રમવા, ઈમેલ, ફોટા મોકલવા વિ અનેક સુવિધાઓ આંગળીના એક ટેરવે જ મળી રહે છે. બેંકના કામો, બીલ ભરવાના કામો, ખરીદી કરવા વિ અનેક કામો ઘેર બેઠાં મોબાઈલ થકી કરી શકાય છે. આમ મોબાઈલ એ આધુનિક યુગનું સૌથી વધારે જરૂરીયાત વાળું સાધન બની ગયું છે.

જુલ્લુ મોનુને કહે કે મોબાઈલ ભલે આટલું બધું ઉપયોગી હોય પરંતુ એના ગેરફાયદાઓ પણ જાણી લેવા જોઈએ. મોબાઈલમાંથી નીકળતા વિકિરણો હાનીકારક નીવડી શકે છે. એનાથી મગજના કોષોને નુકસાન થઇ શકે છે, શ્રવણ ક્ષમતા ઘટી શકે છે.

મોબાઈલ ટાવર નજીક રહેતા લોકોની તબિયત પર અસર થઇ શકે છે. વળી આ વિકિરણોને લીધે ચકલી જેવાં નાનાં પક્ષીઓ તો અત્યંત ઝડપથી ઘટી રહ્યાં છે. ઘણા લોકો મોબાઈલનો સમજ્યા વગર ઉપયોગ કરે છે. વાહન ચલાવતાં મોબાઈલ વાપર્યા કરે એમાં અકસ્માતો થાય છે. કોઈ અગત્યના કામ થતા હોય, શાળામાં ભણતા હોવ કે મિત્રો-કુટુંબીઓ સાથે રૂબરૂ વાતો કરતા હો ત્યારે મોબાઈલ ન વાપરવો જોઈએ.

ટેકનોલોજી આપણી પર હાવી ન થઇ જવી જોઈએ.

મોબાઈલની જેમ જ રોજીન્દા જીવનમાં વપરાતું ઈલેક્ટ્રોનિક સાધન કોમ્પ્યુટર છે. ચાર્લ્સ બેબેજ નામના એન્જીનીયરે કોમ્પ્યુટરની શોધ કરી. ૧૯૪૦ના દાયકામાં ખુબ જ મોટા દોરડા જેવા વાયરો વાળા, મોટા ઓરડાઓ રોકે એવા જબરદસ્ત મોટા કોમ્પ્યુટર હતા. પછી ટેબલ પર મૂકી શકાય એવા ડેસ્કટોપ કોમ્પુટર આવ્યા. હવે તો ખોળામાં મુકીને વાપરી શકાય એવા લેપટોપ આવી ગયા. હાથમાં રાખીને વાપરી શકાય એવા ટેબ્લેટ આવી ગયા.

કોમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર વડે સંચાલિત થાય છે. પ્રોસેસિંગ યુનિટ, મેમરી, હાર્ડ ડીસ્ક, ડીસ્પ્લે સ્ક્રીન, કીબોર્ડ, માઉસ હાર્ડવેર ગણાય. રેન્ડમ એક્સેસ મેમરી (RAM)માં સૂચનાઓની આપલે થઇ શકે છે - એટલે કે પ્રોસેસિંગ યુનિટ દ્વારા સૂચનાઓ લખી અને વાંચી શકાય છે. રીડ ઓન્લી મેમરી (ROM)માં સૂચનાઓ લખી શકાતી નથી. પ્રોસેસિંગ યુનિટ માત્ર એમાંની સૂચનાઓ વાંચી જ શકે છે. કોમ્પ્યુટરમાં બાઈનરી પધ્ધતિથી સૂચનાઓની આપલે થાય છે. ૦ અને ૧ એ બે એકમોમાં જ બધી સૂચનાઓ, માહિતીઓ સચવાય છે અને ગણતરી થાય છે. કોમ્યુટર સાથે પ્રિન્ટર જોડીને માહિતી પ્રિન્ટ કરી શકાય છે. સ્કેનર જોડીને માહિતીની ઝેરોક્ષ કાઢી શકાય છે.

સોફ્ટવેર એટલે કોમ્પ્યુટરનું સંચાલન કરવા માટેની પધ્ધતિસર સૂચનાઓ. આ પધ્ધતિસરની સૂચનાઓ પ્રોગ્રામ તરીકે ઓળખાય છે. મુખ્ય સોફ્ટવેરને ઓપરેટીંગ સિસ્ટમ કહે છે જેના થકી જ હાર્ડવેરને સૂચનાઓ મળે છે અને બીજા તમામ સોફ્ટવેરનું સંચાલન કરાય છે. ખુબ જ જાણીતી માઈક્રોસોફ્ટ વિન્ડોઝ એ એક ઓપરેટીંગ સિસ્ટમ છે. યુનિક્સ, લીનક્ષ પણ ઓપરેટીંગ સિસ્ટમ છે. મોબાઈલમાં અને ટેબ્લેટમાં એન્ડ્રોઈડ નામની ઓપરેટીંગ સિસ્ટમ હોય છે. કોમ્પ્યુટર દ્વારા થતા તમામ કામ કરવા માટે જરૂર મુજબના સોફ્ટવેર પ્રોગ્રામ લખવામાં આવે છે. આ પ્રોગ્રામ માણસ દ્વારા જ લખાતા હોવાથી એમાં ભૂલ પણ થઇ શકે. આવી કોઈ ભૂલને લીધે સાચી સૂચનાઓ ન મળતાં કોમ્પ્યુટર ધાર્યા મુજબનું  કામ ન પણ આપે. એ વખતે કોમ્પ્યુટર સાધનને ન વખોડાય!

એક કરતાં વધારે કોમ્પ્યુટર એકબીજા સાથે નેટવર્ક દ્વારા જોડી શકાય છે. જુદા જુદા સ્થળે મુકેલા કોમ્પ્યુટરને નેટવર્ક દ્વારા જોડીને એમાંની માહિતી આપલે કરી શકાય છે. નાના અંતરે રાખેલા કોમ્પ્યુટરને લોકલ એરિયા નેટવર્ક (LAN) દ્વારા અને લાંબા અંતરે રાખેલા કોમ્પ્યુટરને વાઇડ એરિયા નેટવર્ક (WAN) દ્વારા જોડી શકાય છે. ઈન્ટરનેટ મારફતે તો દુનિયાભરમાં અલગ અલગ સ્થળે રાખેલા કોમ્પ્યુટરને એકબીજા સાથે જોડી શકાય છે.

કોમ્પ્યુટરની મદદ વિના હવે જાણે કોઈ મોટા કામ શક્ય જ નથી! ઝડપી ગણતરી ઉપરાંત ખુબ જ ઝડપથી અનેક કામો કરી શકાય છે.

કોમ્પ્યુટર અને મોબાઈલ યુગમાં ઈન્ટરનેટની મદદથી જબરદસ્ત ક્રાંતિ આવી છે. એક કરતાં વધારે કોમ્પ્યુટરને નેટવર્ક દ્વારા જોડી શકાય છે. દુનિયાભરના આવા અસંખ્ય નેટવર્કને સાંકળતું-જોડતું નેટવર્ક એટલે ઈન્ટરનેટ. આ બધા નેટવર્કને વાયરો મારફતે કે વાયરો વિના (વાયરલેસ) જોડ્યા હોય છે. દરિયાની નીચે ઓપ્ટીકલ ફાઈબરના વાયરો નાંખીને ઈન્ટરનેટના નેટવર્ક જોડ્યા હોય છે. પૃથ્વીની પ્રદક્ષિણા કરતા ઉપગ્રહો મારફતે પણ ઈન્ટરનેટના નેટવર્ક માહિતીની આપલે કરે છે.

આ બધા નેટવર્કમાંના કોમ્પ્યુટરમાં રહેલી માહિતીને ખાસ રીતે ગોઠવીને બનાવેલા "લીંકડ પેજીસ" ને બ્રાઉઝર દ્વારા કોઈ પણ સ્થળે રાખેલા બીજા કોમ્પ્યુટરમાં વાંચી શકાય છે. આ રીતે ઈન્ટરનેટ દ્વારા માહિતીની આપલે કરવાનું માળખું એટલે "વર્લ્ડ વાઇડ વેબ". વર્લ્ડ વાઇડ વેબ મારફતે માહિતીની આપલે કરવાની શોધ ૧૯૮૯માં બ્રિટીશ ભૌતિક વિજ્ઞાની સર ટીમ બર્નસ લી એ કરી હતી.

સંદેશા વ્યવહાર માટે ઈન્ટરનેટ સૌથી ઝડપી ફેલાવો ધરાવતું માધ્યમ બન્યું છે. રેડિયોની શરૂઆત થઇ પછી તેને ૫ કરોડ લોકો સુધી પહોંચતાં ૩૮ જેટલા વર્ષ લાગ્યાં. ટેલીવિઝનને ૧૩ વર્ષ લાગ્યાં. જયારે ઈન્ટરનેટ તો એની શરૂઆત પછી ફક્ત ૪ વર્ષમાં જ ૫ કરોડ લોકો સુધી પહોંચી ગયું!
ઈન્ટરનેટના માધ્યમથી વર્લ્ડ વાઈડ વેબનો ઉપયોગ કરી જુદી જુદી માહિતી મેળવવા માટે એ માહિતી જયાં રાખેલી છે એનું સ્થાન યુનિફોર્મ રિસોર્સ લોકેટર (URL) દ્વારા નક્કી થાય છે. આ માહિતી જે તે વેબ સાઈટ પર હોય છે. દાખલા તરીકે ગુજરાત શિક્ષણ બોર્ડની માહિતી એની વેબ સાઈટ "www.gujarat-education. gov.in" પર રાખેલ છે. આ રીતે "www" દ્વારા શરુ થતું નામ એ વેબ સાઈટનું એડ્રેસ કહેવાય છે જે યુનિફોર્મ રિસોર્સ લોકેટર (URL) છે. વેબ સાઈટના નામમાં પાછળ ".com", ".org", ".gov" આવે છે તેને ડોમેઈન કહે છે. આમાં દેશના નામ પ્રમાણેનું ડોમેઈન પણ હોય છે. જેમ કે ભારત (ઇન્ડિયા) માટે ".in" છે.

ઈન્ટરનેટ પર કોઈ પણ માહિતી ક્યાં હશે તે શોધવા માટે "સર્ચ એન્જીન" તરીકે ઓળખાતી વેબ સાઈટનો ઉપયોગ થાય છે. ગુગલ આવું એક સૌથી પ્રચલિત "સર્ચ એન્જીન" છે. રોજ દુનિયાભરમાંથી કરોડો લોકો કેટલીય માહિતીઓ શોધવા માટે એનો ઉપયોગ કરતા હોય છે.

વેબ સાઈટ પરથી માહિતીઓ લેવા ઉપરાંત ઈન્ટરનેટનો ઉપયોગ ઇમેઈલ કરવા, ફોન કરવા, વિડીયો ફોન કરવા જેવી બાબતો માટે પણ થાય છે. ફેસબુક, વ્હોટસએપ, ટવીટર થકી કરોડો લોકો એકબીજા સાથે સતત સંપર્કમાં રહેતા હોય છે અને અનેક માહિતીઓની આપલે કરતા હોય છે. આને સોશિઅલ મીડિયા કહે છે. જે રીતે આનો ઉપયોગ વધી રહ્યો છે તે જોતાં અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ઓનલાઈન ખરીદી, બેંકના નાણાકીય વ્યવહારો વિ કરતી વખતે ગફલત થઇ જાય તો ઘણું નુકસાન થઇ શકે છે. વળી કોઈ પણ અજાણ્યા માણસોને પોતાની ખાનગી માહિતી ન મળી જાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ.

તમે રોબોટ વિષે તો સાંભળ્યું જ હશે. રોબોટ એટલે માણસની જેમ કામ કરી શકતું એક મશીન. ઈ.સ. પૂર્વે ૩૨૦માં ગ્રીક ફિલોસોફર એરિસ્ટોટલે કહ્યું હતું: "જયારે કોઈ પણ સાધન તેના દ્વારા જે કામ કરાવવાનું હોય તે કરી શકશે ત્યારે માણસને સહાયકોની જરૂર નહિ રહે". મતલબ કે માણસ કોઈ સાધનની મદદથી માણસ કરી શકે એવું કામ કરી શકે એ કલ્પના જ રોબોટનો પહેલો વિચાર કહી શકાય!  ઈ.સ.૧૪૯૫માં પ્રખ્યાત વૈજ્ઞાનિક અને ચિત્રકાર લિયોનાર્ડો દ વિન્સીએ રોબોટ જેવા સાધનનું ચિત્ર દોર્યું હતું. ઈ.સ.૧૭૦૦-૧૯૦૦ વચ્ચે ઘણા સ્વયં સંચાલિત સાધનો બન્યા. જેક્સ દે વૌકેન્સન નામના એન્જીનીયરે "હાલતું-ચાલતું" બતક બનાવ્યું હતું જે એની મેળે જ પાંખો ફફડાવી શકતું, ડોક હલાવી શકતું અને કોઈ વસ્તુ મૂકી હોય તો ગળી શકતું.

રીતસર ઉપયોગમાં લઇ શકાય એવું સ્વયં સંચાલિત સાધન ઈ.સ.૧૯૧૩માં હેન્રી ફોર્ડે એની મોટર કાર બનાવતી ફેક્ટરીમાં બનાવ્યું. એમણે કન્વેયર બેલ્ટનો ઉપયોગ કર્યો. કન્વેયર બેલ્ટ એટલે લોખંડનો પટ્ટો જે સતત ફરતો રહે અને એ રીતે એના પર મુકેલી વસ્તુઓ ફરતી રહે જેથી કોઈ માણસે વસ્તુને એક સ્થાનેથી બીજે સ્થાને ન લઇ જવી પડે. આ ઉપયોગથી એમની ફેકટરીમાં કાર બનાવવાની ઝડપ વધી જતાં કારનું ઉત્પાદન વધી ગયું.

અત્યારે આપણે જેવા રોબોટ જોઈએ છીએ તેવો પહેલો રોબોટ ઈ.સ.૧૯૩૨માં જાપાને બનાવ્યો. "લીલીપુટ" નામે ઓળખાતો આ રોબોટ ચાલી શકતો હતો! એ ટીનના પતરામાંથી બનાવ્યો હતો અને ૧૫ સે.મી. ઉંચો હતો.

ઈ.સ.૧૯૯૪માં કાર્નેગી યુનીવર્સીટીએ ડાન્ટે ૧૧ નામનો ૮ પગ વાળો ચાલી શકે એવો રોબોટ બનાવ્યો. એનો હકીકતમાં ઉપયોગ કર્યો. માઉન્ટ સ્પર નામના જવાળામુખી પર્વત પર એને ઉતાર્યો અને ત્યાના વાયુના નમુના એકઠા કર્યા! માણસની જેમ જ "મગજ વાપરી શકે" એવો રોબોટ પણ બન્યો! ઈ.સ.૧૯૯૭માં આઈ.બી.એમ. કંપનીએ "ડીપ બ્લ્યુ" નામનું કોમ્પુટર બનાવ્યું. આ કોમ્પ્યુટરે એ સમયના ચેસ ચેમ્પિયન ગેરી કાસ્પારોવને હરાવી દીધો! હવે તો ફૂટબોલ, બાસ્કેટબોલ જેવી રમતો રમી શકે એવા રોબોટ પણ બને છે!

ઈ.સ.૨૦૦૨માં "રુમ્બા" નામનું રોબોટિક વેક્યુમ ક્લીનર બન્યું જે સ્વયં સંચાલિત કચરો સાફ કરી નાખે! આ રોબોટની માંગ ઘણી જ વધી ગઈ છે કારણકે લોકોને આવી રીતે કામ કરી આપે એવા રોબોટની ઘણી જરૂર છે. હવે તો આવા રોબોટની મદદથી વાહનો ચલાવી શકાશે, ઘરના નાના-મોટા કામ કરાવી શકાશે. માણસ આળસુ ન થઇ જાય તો સારું!

મેડીકલ ક્ષેત્રે રોબોટ ઘણો જ ઉપયોગી સાબિત થશે. માણસ અત્યંત જટિલ સર્જરી (વાઢકાપ - ઓપરેશન) ન કરી શકે પરંતુ રોબોટની મદદ લઇને આવી સર્જરી થઇ શકે.

આ ઉપરાંત આપણે અનેક ઈલેક્ટ્રોનિક સાધનો ઉપયોગમાં લઈને જાણે કે ક્રાંતિ કરી છે. ઈન્ટરનેટ, કોમ્પ્યુટર, મોબાઈલ, વેબ કેમ જેવા સાધનોની મદદથી આપણે અંતરના સીમાડા હટાવી દીધા છે. દુનિયાના કોઈ પણ સ્થળેથી અત્યંત દુર ક્યાંય પણ બેઠેલી બીજી વ્યક્તિ સાથે પ્રત્યક્ષ જોઇને વાતો થઇ શકે છે.

તમે કોમ્પુટરની સાથે પ્રિન્ટર જોયું હશે જે માહિતી પ્રિન્ટ કરે છે. ૩-ડી પ્રિન્ટરની શોધ સાથે જબરદસ્ત ક્રાંતિ થઇ છે. એની મદદથી કોઈ પણ મશીનના ભાગો બનાવી શકાય છે. અરે, માણસના શરીરના અંગો પણ બનાવી શકાય છે!

આપણે ઈલેક્ટ્રોનિક દુનિયાના ગુલામ ન બની જઈએ પણ એનો બુદ્ધિપૂર્વકનો ઉપયોગ કરીએ તો આવનાર પેઢીને ઘણી જ સરળતા મળશે. અનેક કામો વધારે કુશળતાથી થશે જેથી માણસ વધારે સુખથી રહી શકશે.

અંગ્રેજી શીખવા માંગતા બાળકો માટે આ પ્રકરણમાં આવતા કેટલાક શબ્દોના અંગ્રેજી અર્થ (ઉચ્ચારો કૌંસમાં આપેલા છે

વિજાણું = Electronics (ઈલેક્ટ્રોનિકસ). ટેલીવિઝન = Television. મોબાઈલ ફોન = Mobile Phone. કોમ્પ્યુટર = Computer. વિડીયો ગેમ્સ = Video Games. રોબોટ = Robot .તરંગ = Wave (વેવ). તરંગ લંબાઈ = Wave Length (વેવ લેન્થ).એનેલોગ પધ્ધતિ = Analog System (એનેલોગ સિસ્ટમ). પ્રસારણ = Broadcast (બ્રોડકાસ્ટ). ડીજીટલ પધ્ધતિ = Digital System (ડીજીટલ સિસ્ટમ). રીમોટ કંટ્રોલ = Remote Control. સ્ક્રીન = Screen. કેથોડ રે ટ્યુબ (CRT) = Cathode Ray Tube. ટ્રાન્ઝીટર = Transistor. લીક્વીડ ક્રિસ્ટલ ડિસ્પ્લે (LCD) = Liquid Crystal Display. પ્લાઝમા = Plasma.  ટેકનોલોજી = Technology. સંદેશા વ્યવહાર = Communication (કોમ્યુનીકેશન). કેમેરા = Camera. વિડીયો = Video.  ઈન્ટરનેટ = Internet. ઈમેલ = Email. સાધન = Instrument (ઈન્સ્ટ્રુમેન્ટ). ફાયદા = Advantage (એડવાન્ટેજ). ગેરફાયદા = Disadvantage (ડીસ એડવાન્ટેજ). વિકિરણો = Radiation (રેડીયેશન). હાનીકારક = Harmful (હાર્મફુલ).મગજ = Brain (બ્રેઈન).કોષ = Cell (સેલ). મગજના કોષો = Brain Cells (બ્રેઈન સેલ્સ). શ્રવણ ક્ષમતા = Hearing Capacity (હિયરીંગ કેપેસીટી).ડેસ્કટોપ = Desktop. ખોળો = Lap (લેપ). લેપટોપ = Laptop.  ટેબ્લેટ = Tablet. હાર્ડવેર = Hardware.  સોફ્ટવેર = Software. પ્રોસેસિંગ યુનિટ = Processing Unit. મેમરી = Memory. હાર્ડ ડીસ્ક = Hard Disk. ડીસ્પ્લે સ્ક્રીન = Display Screen. કીબોર્ડ = Key Board. માઉસ = Mouse. રેન્ડમ એક્સેસ મેમરી (RAM) = Random Access Memory. સૂચના = Instruction (ઈન્સ્ટ્રકશન). રીડ ઓન્લી મેમરી (ROM) = Read Only Memory. બાઈનરી પધ્ધતિ = Binary System (બાઈનરી સિસ્ટમ). પ્રિન્ટર = Printer. પ્રોગ્રામ = Program. ઓપરેટીંગ સિસ્ટમ = Operating System. માઈક્રોસોફ્ટ વિન્ડોઝ = Microsoft Windows.  યુનિક્સ = Unix. લીનક્ષ = Linux. એન્ડ્રોઈડ = Android. નેટવર્ક = Network. લોકલ એરિયા નેટવર્ક (LAN) = Local Area Network. વાઇડ એરિયા નેટવર્ક (WAN) = Wide Area Network. ઓપ્ટીકલ ફાઈબર = Optical Fiber. લીંકડ પેજીસ = Linked Pages. બ્રાઉઝર = Browser. વર્લ્ડ વાઇડ વેબ = World Wide Web. યુનિફોર્મ રિસોર્સ લોકેટર (URL) = Uniform Resource Locator. વેબ સાઈટ = Web Site. ડોમેઈન = Domain. સર્ચ એન્જીન = Search Engine. ગુગલ = Google. ફેસબુક = Facebook. વ્હોટસએપ = Whatsapp. ટવીટર = Twitter. સોશિઅલ મીડિયા = Social Media. ફેક્ટરી = Factory. કન્વેયર બેલ્ટ = Conveyor Belt. વેક્યુમ ક્લીનર = Vacuum Cleaner. સર્જરી = Surgery.



No comments: