૧૨.મનોરંજનબાયોસ્કોપ"ઔર દુનિયા કી માયા દેખો" એવું ઘોઘરા અને થોડા ફાટેલા અવાજમાં ગાતા એક દાદા આવે એટલે અમે બાળકો રમવાનું પડતું મુકીને દોડી જઈએ. થીગડાંવાળું પહેરણ અને એવી જ પાઘડી. સફેદ ભરાવદાર દાઢી મુંછ. દાદા ખભેથી એક સ્ટેન્ડ ઉતારે અને માથા પરથી એક પેટી ઉતારી સ્ટેન્ડ પર ગોઠવે. આ પેટી તે બાયોસ્કોપ. તેમાં એક કાચની સ્ક્રિન ઉપર ચિત્રો ફરે. સામે ત્રણ ચાર બાકોરા હોય એમાં માથું ખોસીને જોવાનું. બાળકનું તો આખું માથું એમાં ફિટ થઈ જાય. એક હેન્ડલ ફેરવે એટલે સામે સ્ક્રિન ઉપર ચિત્રો ફરતાં જાય.દાદા ચિત્રો ફેરવતા જાય અને સાથે ગાતા જાય,"ઔર દુનિયા કી માયા દેખો. દિલ્હી કા કુતુબ મિનાર દેખો. મુંબઈ કી ચોપાટી દેખો. તાજ મહલ દેખો. એફિલ ટાવર દેખો. લંડન દેખો..."૩-૪ મિનિટની એ ફિલ્મમાં રંગીન ચિત્રો દેખાતા જાય અને અમે દુનિયાની અજાયબીઓ જોઇ લઈએ. ખબર જ હોય તોયે પુછીએ કેટલા પૈસા? દાદા કહે ૨૫ પૈસા. બાને કહો રોટલી આપે તો પૈસા નહિ! બધાનાં ઘરમાં રોટલી તો હોય જ. મમ્મીઓ રોટલી સાથે કાંદો, મરચું એવું બધું પણ આપે. ચાનો સમય હોય તો ચા પણ આપે. ક્ષુધાતૃપ્ત થએલા દાદા અમને બીજીવાર દુનિયા દેખાડે! એકાદ બે રોટલીમાં બે વાર દુનિયાની અજાયબીઓ જોઇને અમે રાજી રાજી થઈ જઈએ.મારી બાળવય સુધી એ દાદા આવતા પછી દેખાતા નહોતા. ઘરડા તો હતા જ એટલે વિદાય લઈ લીધી હશે. બાયોસ્કોપમાં રંગીન દુનિયા જોવાની મજા ઘણાએ માણી હશે. મોટા થયા પછી દેશ વિદેશની સફર કરી આમાંની ઘણી અજાયબીઓ જોઇ પણ બાળવયમાં બાયોસ્કિપ સ્ક્રિન ઉપર જોયેલી એ દુનિયા સ્મૃતિપટ પર કાયમ રહેશે.દૂરદર્શન પર 'બાવાજી કા બાયોસ્કોપ' નામની એક સિરિયલ આવતી એમાં જાણીતી અભિનેત્રી ઉર્મિલા માતોંડકર બાળ કલાકાર હતી. કાળક્રમે મનોરંજનની દુનિયામાંથી બાયોસ્કોપની વિદાય થઈ ગઈ. ટીવી આવ્યું અને હવે તો મોબાઇલનો અને 3ડીનો જમાનો આવી ગયો છે એમાં બાયોસ્કોપના ડબલાંની શું જરુર? અત્યારની પેઢીને કદાચ બાયોસ્કોપ વિષે ખબર જ નહિ હોય.કઠપૂતળીના ખેલજેને આધુનિક ભાષામાં પપેટ શો કહીએ છીએ તે બતાવવા તેના કલાકાર સોસાયટી, મહોલ્લાઓમાં જતા. બાળકો સાથે મોટાંને પણ મનોરંજન મળતું. હવે તો સરકાર પ્રેરિત પ્રદર્શન કે કાર્યક્રમમાં જ કઠપૂતળી જોવા મળે છે.મનોરંજન માટે મોટા શહેરમાં પણ અગાઉ ભવાઈ અને રામલીલા ભજવાતી. અત્યારની પેઢીને આનો ખાસ ખ્યાલ નથી.ક્રમશ:તુષાર અંજારિયાવિસરાતી જીવનશૈલીનો બાયોસ્કોપતુષાર અંજારિયાEmail: advait_sys@hotmail.com૧૩.મનોરંજનઓપન એર થિએટરમાં પિક્ચરખુલ્લા આકાશ નીચે જમીન પર પાથરણું પાથરીને પિક્ચર જોયાં છે? 35 એમએમના નાના પડદા ઉપર ફિલ્મ જોવાનો રોમાંચ અનેરો જ હતો. સરકારી વસાહતમાં રહ્યા હશે એમણે આ લહાવો અવાર નવાર લીધો હશે.સરકારી વસાહતમાં માહિતી ખાતાના કર્મચારીઓ પણ રહેતા હોય એટલે સાવ મફતમાં પિક્ચર પડે! પરંતુ એમની પાસે અમુક ફિલ્મો જ હોય એટલે ક્યારેક રિપીટ પણ થાય. વધારે સારી અને જાણીતી ફિલ્મ જોવી હોય તો પૈસા ખર્ચીને સાઉંડ સર્વિસ કંપનીમાંથી લાવીને જોવી પડે.અમારી સરકારી કોલોનીમાં દર વર્ષે ૮-૧૦ ફિલ્મ તો બતાવાય. આખું કુટુંબ આડોશ પડોશ મિત્રો સાથે બેસીને સાવ સસ્તામાં ફિલ્મની મજા માણી શકે. દુર દુરથી લોકો પિક્ચર જોવા આવતા. તે વખતે વીસીઆર તો હતા નહિ એટલે પૈસાદાર લોકો પણ ગમતી ફિલ્મ હોય ત્યારે આવા ઓપન એર થિએટરમાં જોવા આવી જાય. બાળકો વહેલાં વહેલાં જઈને પાથરણા પાથરી આવે અને મોકાની જગ્યા રોકી લે. ઘરનાં પાથરણા પર બેઠાં હોય પણ બાળકો તો ધૂળમાં જ બેસી પડે. ઉંઘ આવે તો મમ્મીના ખોળામાં માથું રાખી પગ લંબાવીને સુઇ જવાનું.વ્રત વખતે બે જાગરણ આવે ત્યારે બે પિક્ચર પડે. એક માહિતી ખાતાનું મફત અને એક પૈસા ઉઘરાવીને. આ જાગરણ તો અષાઢમાં ભર ચોમાસામાં હોય એટલે વરસાદનું જોખમ ઉભું જ હોય. છાંટા પડવાની શરુઆત થાય ત્યારે પ્રોજેક્ટર ઉપર છત્રી મુકી દેવામાં આવે. લોકો પણ છત્રી કે પ્લાસ્ટિક ઓઢી લે. થોડું પલળી પણ લે. નસીબ સારું હોય તો વારે વારે ઝરમર વરસાદ આવીને રહી જાય અને આવી રીતે પિક્ચર જોવાઈ જાય. વરસાદ પડે તો ભાગ દોડ મચી જાય અને પિક્ચર પડતું મુકાય. સરકારી મફત પિક્ચર હોય તો પછી કોરું હોય ત્યારે ફરી બતાવે પણ પ્રાઇવેટમાંથી લાવ્યા હોય તો માથાકુટ થાય. થોડા વધુ પૈસા ખર્ચીને બીજી વાર લાવવું પડે. શિયાળામાં લોકો ગરમ કપડાં પહેરીને કે ધાબળા ગોદડાં ઓઢીને જુએ. ઉનાળામાં તો લક્ઝરી અનુભવાય!અમેરિકાના મિનિપ્લેક્સમાં પોપકોર્ન ખાતાં ખાતાં હોલિવુડ મુવીઝ જોયાં છે પણ આવી રીતે ઓપન એર થિએટરમાં જોએલા પિક્ચર જેવી મજા તો નથી જ આવી! કાળક્રમે ટીવી આવ્યાં પછી વીસીઆર આવ્યા એટલે આ 35 ઍમએમના પડદા વાળા પિક્ચર ગયાં. સોસાયટીના મિત્રો એક રાત માટે વીસીઆર ભાડે લઈ આવીને ૩-૪ ફિલ્મ જોઇ નાંખતા. ચેનલ આવ્યા પછી એ પણ બંધ થયું. અત્યારના ઓટીટીના જમાનામાં આવાં પિક્ચર માત્ર સંભારણા બની રહ્યાં છે!સરકસશહેરમાં સરકસ આવે ત્યારે બાળકોનો ઉત્સાહ વધી જતો. અંગ કસરતની તરકીબો ઉપરાંત વાઘ, સિંહ જેવા પ્રાણીઓના ખેલનું ખાસ આકર્ષણ રહેતું. પછી પ્રાણીઓ ઉપર અત્યાચાર થાય છે એવા વિરોધ થતાં સરકસમાં પ્રાણીઓના ખેલ બંધ થયા અને સરકસનો ચાર્મ ગયો.ક્રમશ:તુષાર અંજારિયાવિસરાતી જીવનશૈલીનો બાયોસ્કોપતુષાર અંજારિયાEmail: advait_sys@hotmail.com૧૪.મનોરંજનરેડિયોમનોરંજનની દુનિયામાં રેડિયોનું આગવું સ્થાન હતું. ભક્તિસંગીતથી દિવસની શુભ શરુઆત થાય. સૌને શોખ મુજબ ગીત સંગીત, સમાચાર, નાટકો, વાર્તાલાપ જેવા વિવિધ કાર્યક્રમો માણવા મળતા. રમતના શોખીનો માટે તો દુર દેશમાં રમાતી રમતનો આંખે દેખ્યો અહેવાલ - લાઇવ કોમેન્ટ્રી વરદાનરૂપ હતી. વાલ્વવાળા મોટા રેડિયો માટે ઘરમાં એન્ટેનાની જાળી હોય. પોસ્ટ ઑફિસમાં દર વર્ષે રેડિયોનું લાયસન્સ રીન્યુ કરાવવું પડતું.સમય જતાં નાના ટ્રાન્ઝિસટર રેડિયો આવ્યા. ખિસ્સામાં રાખી શકાય એવા પોકેટ રેડિયો આવ્યા. ક્રિકેટની મેચ ચાલતી હોય ત્યારે લોકો આવા ટ્રાન્ઝિસટર લઈને ફરતા દેખાય. એક સમયગાળા દરમ્યાન ટીવીના આગમન સાથે રેડિયોનું સ્થાન ઝુંટવાયું પણ એફએમ રેડિયો આવતાં ટ્રેન્ડ બદલાયો છે. કારમાં ડ્રાઇવ કરતાં કરતાં એફએમ રેડિયો ચેનલના પ્રોગ્રામ ચાલુ હોય છે.ટીવીટીવીના આગમન સાથે મનોરંજનની દુનિયામાં મોટું પરિવર્તન આવ્યું. બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી પણ બહુ જ વહાલા લાગતા. સરકારી કાર્યક્રમોની ભરમાર વચ્ચે ફિલ્મી ગીતો કે ફિલ્મ જોવા મળી જાય એટલે લોકો ખુશખુશાલ થઈ જાય. ક્યારેક ક્રિકેટ મેચ પણ જોવા મળી જાય. ટીવી સાધન સમ્પન્ન લોકોને ઘરે જ હતાં. સોસાયટીના થોડા ઘરમાં ટીવી હોય ત્યાં પડોશીઓની ભીડ જામતી. મકાનની અગાશીમાં ટીવીનું મોટું એન્ટેના ગોઠવવું પડતું. મોટી પાઇપ ઉપર આડા સળિયાવાળું એન્ટેના હવે એન્ટિક પીસ બની ગયું છે અને કોઈ જુના મકાન ઉપર જોવા મળી જાય છે. ટીવીમાં ધુંધળું દ્રશ્ય દેખાય ત્યારે અગાશીમાં જઈને એન્ટેના આમતેમ ફેરવવું પડે. અત્યારે ડીટીએચની ડીશને વાંદરા હલાવી નાખે તો પ્રોબ્લેમ થાય છે એવા પ્રોબ્લેમ ત્યારે આવા એન્ટેના હલી જાય તો થતા.ભારતમાં ૧૯૮૨માં રંગીન ટીવી આવ્યાં. પછી બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી સસ્તાં થયાં એટલે મધ્યમ વર્ગીય ઘરોમાં પણ ટીવી આવી ગયાં. ૮૦ના ઉત્તરાધમાં અને ૯૦ના દાયકામાં ટીવીનું અનેરું આકર્ષણ હતું પરંતુ માત્ર સરકારી દૂરદર્શનના કાર્યક્રમો જ આવતા. તેમ છતાં લોકોને સાચે જ ભરપુર મનોરંજન સાથે જ્ઞાન વિષયક માહિતી પણ મળી રહેતી. ૨૧મી સદી આવતાં સાથે ખાનગી ચેનલ આવી અને દૂરદર્શનનું સ્થાન જોખમાયું. સાવ સાધરણ સ્થિતિ હોય તેવા પરિવારો માટે હજી પણ દૂરદર્શનનું મનોરંજન આશીર્વાદરૂપ છે. દૂરદર્શનના લોકપ્રિય કાર્યક્રમોને લોકો આજે પણ હોંશે હોંશે યાદ કરે છે. ચેનલોમાં અર્થહીન નિમ્ન સ્તરની કહી શકાય એવી સિરીયલો આવે છે તેની તુલનામાં એ જુના કાર્યક્રમો અનેક રીતે ચડિયાતા હતા. સમયાંતરે ટીવીની ટેકનોલોજીમાં ઘણા ફેરફાર આવ્યા અને આર્થિક સ્થિતિ મુજબ લોકોના ઘરમાં ટીવી બદલાતા ગયા. હવે નવી પેઢી ખાસ ટીવી નથી જોતી. એમને ઓટીટીમાં વધારે રસ છે.ઓડિયો કેસેટ પ્લેયરરેડિયો પર ધરાઈ ધરાઈને ગાયનો સંભાળતા હોય છતાં ઇચ્છા મુજબ મનપસંદ ગાયનો, ભજન, શ્લોક વિ. સાંભળી શકાય એટલે કેસેટ પ્લેયરની એન્ટ્રી થઈ. જુના જમાનામાં ગ્રામોફોન હતા અને એલપી રેકર્ડ હતી પરંતુ તે સમ્પન્ન લોકોને જ પરવડે. આમ જનતા માટે જાપાનીઝ કંપનીઓએ કેસેટની ભેટ આપી અને સંગીતની દુનિયા જ બદલાઇ ગઈ. એકલું કેસેટ પ્લેયર મળે તેમજ રેડિયો સાથેનું ટુ ઇન વન મળે. મનપસંદ ગીતો કેસેટમાં રેકોર્ડ કરાવી લઈ મરજી પડે ત્યારે સાંભળવાના. તૈયાર ગીતો, ભજન, શ્લોકની કેસેટનું પણ ધુમ વેચાણ થવા લાગ્યું. ઍક આખી ઇન્ડસ્ટ્રી જ ઉભી થઈ ગઈ.હથેળીમાં રાખી શકાય એવાં વોકમેન આવ્યાં. એ નાનકડા સાધનમાં કેસેટ મુકીને એમાં નાનો વાયર ભરાવી કાનમાં ઇયરફોન ખોસીને હાલતાં ચાલતાં સંગીત સાંભળી શકાય. શોખીનો વોક માટે નીકળે ત્યારે સાથે સાથે સંગીત પણ માણે. વોકમેન પરદેશ ગયેલા લોકો લઈ આવતા અને ખાસ મિત્રો અને સગાંઓને ભેટ પણ આપતા.ખાસ્સા લાંબા અરસા સુધી ઓડિયો કેસેટનો દબદબો રહ્યો પણ ૨૧મી સદીની શરુઆત સાથે ડીવીડી આવી જેમાં વધારે ગીતો રેકર્ડ કરી રાખી શકાય. પર્સનલ કોમ્પ્યુટર, લેપટોપ અને ડીવીડી પ્લેયરમાં ડીવીડી મુકી સંગીત સાંભળી શકાય. પરંતુ ડીવીડીનું આયુષ્ય ટુંકું રહ્યું. મોબાઇલનો વ્યાપ વધતો ગયો અને યુ ટ્યુબ આવતાં બધું ગીત સંગીત આંગળીના ટેરવે જ આવી ગયું! હવે જુનું નવું જે કાંઈ પણ સાંભળવું હોય તે થોડી સેકંડમાં જ મેળવીને સાંભળી શકાય છે.આમ છતાં સાચા સંગીત શોખીનોના ઘરમાં જુની કેસેટ અકબંધ જળવાઈ રહી છે અને નિયમિત સંભળાય પણ છે. મારા ઘરમાં ૧૯૮૫થી ૩ વખત કેસેટ પ્લેયર બદલાયાં. છેલ્લે ૨૦૧૧માં ફિલિપ્સનું કેસેટ પ્લેયર ખરીદ્યું હતું તે ૩ વર્ષ પહેલાં બગડ્યું એટલે મેં માન્યું કે હવે મારી પાસેની ખાના ભરીને પડેલી કેસેટ્સ નકામી થઈ જશે. પરંતુ સાનંદ આશ્ચર્યનો અનુભવ થયો. ફિલિપ્સના સર્વિસ સેન્ટરમાં રિપેર થઈ ગયું અને મજાનું ચાલે છે. મને જાણવા મળ્યું કે હજી લોકો કેસેટ પ્લેયર રિપેર કરાવે છે એટલે એકદમ જલદી એનો અંત નહિ આવી જાય. ઝડપથી બદલાતા સમયમાં જુની પેઢી છે ત્યાં સુધી એ જુની કેસેટ્સ વાગતી જ રહેશે.વીસીઆરઓડિયો કેસેટમાં સંગીત સંભળાય તો ફિલ્મ વિ. જોવા વીસીઆર આવી ગયાં. વિડિયો કેસેટ અને વીસીઆરએ ધુમ મચાવી. પરંતુ કિંમત વધુ અને ભારતમાં તો મોંઘી પડે ઉપરાંત મળે પણ નહિ. ૧૯૯૦ના દસકામાં ઘણા યુવાનો પરદેશ ખાસ તો અમેરિકા જવા લાગ્યા. તેઓ સ્વદેશ આવે ત્યારે વીસીઆર લાવે અને વટ પડી જાય. ડ્યુટી ભરવી પડે તો ગણતરીમાં રાડ પડી જાય એટલે લોકો જુગાડ કરીને ઍરપોર્ટ પરના કસ્ટમમાંથી છટકીને પણ લાવતા. ઘરમાં વીસીઆર સ્ટેટસ સિમ્બોલ બની ગયું. વિડિયો કેસેટ્સની લાઇબ્રેરી ખુલવા લાગી જ્યાંથી ભાડે વિડિયો કેસેટ લાવીને મનપસંદ ફિલ્મ જોઇ શકાય. લોકો વીસીઆર પણ ભાડે લાવીને એકાદ રાત કે દિવસમાં થોડી ફિલ્મો જોઇ લેતા. ઠેર ઠેર વિડીયો પાર્લર પણ ખુલી ગયાં ત્યાં મીની થિયેટર જેવું હોય અને લોકોને ફિલ્મો બતાવાય. સસ્તામાં આ મનોરંજન મળતું થયું એમાં ફિલ્મ થિયેટરોનો મૃત્યુઘંટ વાગી ગયો. કોમ્પ્યુટર, લેપટોપ, ડીવીડી પ્લેયરમાં વિડીયો જોવાતી થઈ એમાં વીસીઆર પણ ભુલાઇ ગયાં. હવે મોબાઇલના જમાનામાં વીસીઆર ધુળ ખાતાં પડ્યાં હોય કાં તો ફેંકાઈ ગયાં હોય.ફોટોગ્રાફીપહેલાં તો ભાગ્યે જ ફોટા પડાતા. ફોટોગ્રાફીનો શોખ કે આવડત ન હોય તો પણ સૌને ફોટા તો ગમે જ. આપણા દેશમાં તો બ્લેક એન્ડ વ્હાઇટ કેમેરા પણ પરવડે નહિ એટલા મોંઘા. અમુક લોકો પાસે જ હોય. કોઈ ખાસ પ્રસંગે ફોટો સ્ટુડિયોમાં જઈને ફોટા પડાવતા. બોર્ડની કે કોલેજની પરીક્ષામાં ફોટો જોઇએ એટલે સ્ટુડિયોમાં જઈને પડાવી લેવાનો. ૧૯૮૦ના દસકામાં કલર ફોટો આવ્યા તે સાથે કેમેરા પણ મળતા થયા. છતાં તે મોંઘા પડતા હોવાથી પરદેશ વસેલા યાયાવરો લઇ આવતા થયા. પછી તો અહીયાં પણ લોકો કેમેરા લેતા થયા. રંગીન ફોટા પ્રોસેસ કરતી ફોટોલેબ ખુલવા લાગી. એક કલાકમાં જ ફોટો બનાવી આપતી વન અવર ફોટો સર્વિસ આવી. સ્માર્ટ ફોનના આગમન સાથે સૌ કોઈ મન ફાવે તેમ ફોટા પાડતા થઈ ગયા અને ફોટો ફિલ્મ અને કેમેરાનો અંત આવી ગયો. હવે માત્ર અને માત્ર ફોટોગ્રાફીના સાચા શોખીનો અને એમાં આવડત હોય તે લોકો જ જાત જાતના કેમેરા વસાવીને શોખ પુરા કરે છે. બાકી મોટા ભાગના તો મોબાઇલ કેમેરામાં જ દે ઠોકા ઠોક કરી ઢગલાબંધ ફોટા પાડી પાડીને અન્યોના માથે પરાણે મારતા ફરે છે!ક્રમશ:તુષાર અંજારિયાવિસરાતી જીવનશૈલીનો બાયોસ્કોપતુષાર અંજારિયાEmail: advait_sys@hotmail.com૧૫.મનોરંજનશોખદર પેઢીએ બાળકોના શોખ પણ બદલાતા હોય છે. ટપાલ ટીકીટ સંગ્રહ કરવાનો શોખ લગભગ દરેક્ને હોય પરંતુ હવે તો ટપાલથી થતો સંદેશા વ્યવહાર જ નામશેષ થતો જાય છે અને ભાગ્યે જ કોઇના ઘરે ટીકીટ વાળા કવર આવતાં હશે એટલે અત્યારની પેઢીમાં આ શોખ કેટલાને હશે? પહેલાં બાળકોને ક્રિકેટરો અને એક્ટરોના ફોટા ભેગા કરવાનો શોખ હતો. એક બીજા સાથે એક્સચેંજ કરીને મોટું આલ્બમ બનાવતા. હવે તો ઇન્ટરનેટ પર જ ફોટાઓ મળી રહે. હું નાનો હતો ત્યારે અમે મિત્રો બાકસની છાપ ભેગી કરતા. ઘરમાં તો કપાસ છાપ બાક્સ આવે એટલે જુદી જુદી છાપ ભેગી કરવા અમે પાનના ગલ્લે જઈએ. ત્યાં બીડી પીવા આવતા વર્ગ પાસેથી બાક્સની છાપ મેળવતા. આવા તો કેટલાય શોખ બાળકોને હોય જે સમય પ્રમાણે બદલાતા ગયા અને કેટલાક વિસરાઈ ગયા.ઉનાળાના વેકેશનની મજાશાળામાં વાર્ષિક પરીક્ષા પુરી થાય એની આતુરતાથી રાહ જોવાતી હોય. પુરા ૭-૮ અઠવાડિયાંનું વેકેશન મળે. ગરમીને ગણકાર્યા વગર રખડપટ્ટી અને અસંખ્ય રમતોમાં જ સમય પસાર થઈ જતો. બપોરે ઝાડ નીચે રમતો રમાય કે ઘરમાં બેસીને રમાતી રમતો રમાય. રાતે પણ રમવાનું ચાલુ જ હોય. થાક જેવું હોય જ નહિ. વાંચવાના શોખીન હોય તેઓ પુસ્તકાલયમાં સભ્યપદ લઈ લે અને વેકેશનમાં કેટલાંય પુસ્તકો વાંચી નાખે. હવે ઉનાળાની અલગારી રખડપટ્ટી ગઈ અને બાળકોને વિવિધ એક્ટીવીટીના ક્લાસ કરાવાય છે. હવે તો ૮મા ધોરણનું વેકેશન પડે ત્યારથી જ ભવિષ્યમાં આઇઆઇટી જેવી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા મોંઘા ક્લાસીસ શરુ થઈ જાય છે. આગલી પેઢીએ ઉનાળાના વેકેશનને મન ભરી માણ્યું છે એની મજા નવી પેઢીને નહિ સમજાય.રાતે અગાશીમાં સુવાનું. અત્યારે કેટલા લોકો અગાશીમાં સુતા હશે? એસી અને કુલર ઘેર ઘેર આવી ગયાં છે અને લોકોને એની આદત પડી ગઈ છે. મેં છેલ્લા કેટલાય વર્ષોથી ઉનાળાની રાતે અગાશીમાં ટહેલતા કે સુતા લોકો નથી જોયા. નાના શહેરોની ખબર નથી પણ મોટા શહેરોમાં લોકોની આદત બદલાઈ ગઈ છેં. અતિશય પ્રદુષણને કારણે પણ ખુલ્લામાં સુવામાં તકલીફ પડે છે.સાવ જ અન હાઇજિનીક કહી શકાય એવા બરફ ગોળા અને લારીની કુલ્ફી માંદગીના ડર વગર જ ખવાતા. ખાસ કોઈ માંદા પડતા પણ નહિ. શેરડીનો રસ પીવા લાઇનો લાગતી. હવે તો એના સ્પેશિયલ મશીન આવે છે એમાં હાઇજિનીક રસ નીકળે. કેરીઓ ખાવાની મજા તો અત્યારે પણ આવે છે પણ પહેલાં દેશી કેરીઓ ચૂસવાની જે મજા હતી તે તો સાવ જ ગઈ. ઘરમાં નાની નાની દેશી કેરીઓનો ઢગલો હોય અને હાલતાં ચાલતાં કેરીઓ ચૂસવાની ખરી મજા હતી. દેશી કેરીઓ વિદાય લઈ ગઈ અને એ મજા અને સ્વાદની માત્ર યાદ જ રહી ગઈ.ઉનાળામાં બાળકો રમતા હોય અને મમ્મીઓ હળદર સુકવતી હોય. કાતરી, સેવ, પાપડ સુકવતી હોય. અથાણાં બનતાં હોય. લાલ મરચું ખંડાતું હોય. હવે હળદર, મરચાં તૈયાર લેવાય છે. અથાણાં, કાતરી વિ. જાતે બનાવવાના શોખીન હોય તે બનાવે બાકી બધું જ તૈયાર લેવાનું. મધ્યમ વર્ગીય વિસ્તારોમાં હજી આ બધું જળવાઈ રહ્યું છે બાકી નવી પેઢી આવી કડાકુટમાં નથી પડતી.ક્રમશ:તુષાર અંજારિયાવિસરાતી જીવનશૈલીનો બાયોસ્કોપતુષાર અંજારિયાEmail: advait_sys@hotmail.com૧૬.સંદેશા વ્યવહારઅત્યારે દુનિયાના કોઈ પણ ખુણે કોઇનો પણ સંપર્ક કરવો હોય તો ઘડીના છઠ્ઠા ભાગમાં કરી શકાય છે. કહો કે દુનિયા મુઠ્ઠીમાં છે! પહેલાં સમાચારની આપ લે માટે સુખ દુ:ખના સાથી સમાન પત્ર વ્યવહાર હતો.સૌથી સસ્તું અને સરળ માધ્યમ એટલે ટપાલ. એક પોસ્ટકાર્ડ લખી સારા નરસા સમાચાર સ્વજન સુધી પહોંચાડી શકાય. ૧૫ પૈસાનું પોસ્ટકાર્ડ સૌને પરવડતું. તેના ૨૫ પૈસા થયા અને પછી ૫૦ પૈસા થયા. જ્યારે પોસ્ટકાર્ડના ભાવ વધે ત્યારે અખબારોમાં મોટા મથાળા સાથે સમાચાર છપાતા. અત્યારે પેટ્રોલના ભાવ વધતાં છપાય છે તેમ.ટુંકમાં જ સમાચાર આપવાના હોય તો પોસ્ટકાર્ડ સરળ પડે. થોડા વધારે સમાચાર લખવા હોય તો વાદળી રંગના ઇન્લેંડ લેટરમાં લખાય. થોડા કાગળમાં લખીને મોકલવા પરબીડિયાંમાં - કવરમાં મોકલાય. દિવાળીમાં ટપાલખાતું એકદમ વ્યસ્ત થઈ જાય. હવે કેટલા લોકો ટપાલથી પત્ર વ્યવહાર કરતા હશે? રાખડી મોકલવા હજી પોસ્ટનો ઉપયોગ થાય છે પરંતુ કુરિયર સર્વિસ અને ઓનલાઈન સગવડ સામે તે પણ ઘટતો જાય છે. ઇમરજન્સીમાં ઝડપથી સંદેશો આપવાનો હોય તો તાર - ટેલીગ્રામ થાય. એના માટે નજીકની તાર ઓફિસ જવું પડતું. કોઇના ઘરે તાર આપવા આવે ત્યારે માઠા સમાચારની બીકે જીવ અદ્ધર થઈ જાય. ખુશીના સમાચાર હોય તો સૌનું મો મીઠું કરાતું.ટેલીફોન બહુ જ થોડા ઘરે હતા. કોઈ ઉચ્ચ પદવાળાને ઘરે કે સમ્પન્ન ધંધાર્થીને ઘરે જ ફોન હોય. એક જ શહેરમાં ફોન કરવાનો હોય તો લોકલ ફોન કરવા આવા કોઈ પડોશીને ઘરેથી ફોન થતા. કોઇનો ફોન આવે તો એ ઘરનાંએ જેમને માટે ફોન આવ્યો હોય તેમને બોલાવવા પડે. આવા ફોનવાળા પડોશી સાથે સૌ સારા સંબંધ રાખે. બહારગામ ફોન કરવા ટ્રંકકોલ કરવો પડે. તેના માટે અમુક પોસ્ટઓફિસ કે ટેલીફોન ખાતાની ઓફિસ જવું પડે પછી ટ્રંકકોલ નોંધાવવાનો. ઘણી વાર અમુક કલાક પછી ફોનની લાઇન મળે. સામેની વ્યક્તિની આસપાસમાં ફોન હોય તો એને બોલાવાય નહિતર ત્યાંની ફોનઑફિસમાંથી એને બોલાવવા જાય ત્યારે સંપર્ક થાય. જ્યાં ફોનની સગવડ ન હોય ત્યાં તાર જ કામ લાગે. અંતરિયાળ વિસ્તાર માટે તો પોસ્ટકાર્ડ જ હોય.૧૯૮૫ પછી ક્રાંતિ આવી અને ઠેર ઠેર પીસીઓ, એસટીડી શરુ થઈ ગયા. ટ્રંકકોલની ઉપાધિ ગઈ. પરદેશ વાત કરવા આઇએસડી ફોન થવા લાગ્યા. પરદેશ રહેતા સંતાનો, સ્વજન સાથે પૈસા ખર્ચીને વાત થઈ શક્તી. લગભગ ૨૦૦૦ પછી ૨૧મી સદીની શરુઆત સાથે લોકોને ઘરે ફોન ઉપલબ્ધ થવા લાગ્યા અને ગામ ગપાટા સરળ બની ગયા.મોબાઇલ આવતાં કોઈ પણ સ્થળથી વાત થવા લાગી. સ્માર્ટ ફોન આવતાં વિડીયો કોલ થવા લાગ્યા. પીસીઓ, એસટીડીનું ઉઠમણું થઈ ગયું. અત્યારે કેટલાંય કુટુંબોમાં સંતાનો બહારગામ કે પરદેશ હોય છે પરંતુ અંતરની દુરી નથી રહી. ઇચ્છા થાય ત્યારે વિડિયો કોલ કરીને રુબરુ વાત કરતા હોય તેમ સંપર્કમાં રહી શકાય છે. પહેલાં જ્યારે માત્ર પત્ર વ્યવહાર દ્વારા જ સંપર્ક થતો ત્યારે દુર રહેતા કુટુંબ કે સ્વજનનો પત્ર મળતો ત્યારે જે હરખ થતો તે અત્યારની પેઢીને નહિ સમજાય. ચિઠ્ઠી આઇ હે વતન સે ચિઠ્ઠી આઇ હે એ ગાયને ધુમ મચાવી બહાર રહેતા સૌના દિલ્માં અનેરું સ્થાન મેળવ્યું હતું. ગુજરાતી ભાષાનું નજરાણું કહી શકાય એવા 'આંધળી માના પત્ર'ને જુની પેઢી ક્યારેય નહિ ભૂલે અને નવી પેઢીને એ નહિ સમજાય!ઢંઢેરોઅત્યારે સોસાયટી કે એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં કોઈ માહિતી આપવાની હોય તો વોટસઅપથી અપાય છે. આના માટે કેટલીક એપ પણ આવી ગઈ છે. પહેલાં ઢંઢેરાથી માહિતી ઘર ઘર સુધી પહોંચાડાતી. થાળી ઉપર વેલણ ઠોકી ટન ટન ટન વગાડાય પરંતુ થાળી વાપરી ન શકાય એટલા ગોબા પડી જાય અને વેલણ તુટી જાય એટલે લોખંડ કે પતરાંનું એકાદ ઠોબારું વપરાય એની સાથે ડંડો ફટકારી ટન ટન ટન વગાડાય. ઢંઢેરાનું કામ હોંશીલા બાળકો કરે. બાળકોનું ટોળું ટન ટન ટન કરતું નીકળે. "આજે રાતે ૯ વાગે સોસાયટીની મિટિંગ છેએએએ સૌએ હાજર રહેવાનું છેએએએ" આવા સંદેશા અપાય. આમાં કોમેડી થાય. છેએએએ એમ એએએ લંબાવીને બોલવાનું! બોલ્યા પછી જોર જોરથી ટન ટન ટન વગાડાય એટલે માંડ સંભળાય. પાછું દરેક બાળકને બોલવું હોય એટલે વારા ફરતી બોલે. કેટલાકનો અવાજ ધીમો હોય તો કેટલાકનો અવાજ ફાટી જાય. આવી કોમેડી સાથે સૌ સુધી માહિતી પહોચી જતી. આવી મજા અત્યારના બાળકોને ક્યાંથી?સાયરનઅમુક ચોક્કસ સમયની જાણ કરતી સાયરન હવે ભુતકાળ બની ગઈ છે. કોઈ સરકારી મકાન ઉપર મોટી સાયરન ગોઠવેલી હોય તે દુર દુર સુધી સંભળાય. મારે તો સાયરન સાથે ઘણો નજીકનો સંબંધ રહ્યો છે. મારા ઘર પાસે પોલીટેકનિક કોલેજ - જુના સચિવાલયમાં, શાળા સીએન વિધ્યાલયમાં અને કોલેજ એલડી એન્જીનિયરિંગમાં સાયરન હતી. તે સાડા દસ વાગે વાગતી. શનિવારે સવારે સાત કે સાડા સાતે વાગે. બપોરે અને સાંજે વાગે. લોકો ચોક્કસ સમય મેળવી શકે. પુર કે એવી આફત સમયે ચેતવણી આપવા સાયરન વગાડાતી. શહીદ દિનનું અગિયાર વાગે મૌન પાળવાનું હોય ત્યારે ધીમે અવાજે સાયરન વાગે અને મૌન શરુ થાય. બે મિનિટ પછી ફરી સાયરન વાગે એટલે મૌન પુરું. દેશ્પ્રેમી લોકો રસ્તા ઉપર એક બાજુ ઉભા રહી જાય અને મૌન પાળી શહિદોને અંજલી આપે. હવે આવું ક્યારેય જોવા નથી મળતું. મોટા ટાવર ઉપર ડંકા ઘડીયાળ હોય તેના ડંકા દુર દુર સંભળાય અને સમયની જાણ થતી. હવે સાયરન અને આવી ડંકા ઘડિયાળ ધુળ ખાય છે. આવા સફેદ હાથીની જાળવણી સરકારને ન પોષાય અને તેનું સમારકામ કરે એવા નિષ્ણાતો પણ નથી. એની હવે જરુર પણ નથી.ક્રમશ:તુષાર અંજારિયાવિસરાતી જીવનશૈલીનો બાયોસ્કોપતુષાર અંજારિયાEmail: advait_sys@hotmail.com૧૭.વાહન વ્યવહારઅત્યારના પ્રદુષણમાં વાહનોનો ધુમાડો પણ વધારાનું પ્રદાન કરે છે. પેટ્રોલના ભાવ માટે કકળાટ થયા કરે તો પણ ઘર દીઠ ૩-૪ વાહનો હોય અને સાવ નજીકમાં જ કામ હોય તો પણ વાહન જ જોઇએ. એને લીધે શારીરિક શ્રમને નામે સાવ મીંડું! પહેલાં તો લગભગ પગપાળા યાત્રા જ હોય કે સાયકલ હોય જે બંનેમાં પુરતી કસરત થાય. દુર જવું હોય તો મોટા શહેરમાં બસમાં મુસાફરી કરતા. સાયકલ ભાડે પણ મળે. એક કલાકનું ભાડું ઠરાવી જે કામ હોય તે પતાવી શકાય. વધુ સમય જાય તો એ મુજબ ભાડું વધે. સાયકલનું પંકચર રિપેર કરી આપવાવાળાની ભારે ડીમાન્ડ રહેતી.સ્કુટર ગણ્યા ગાંઠ્યા પાસે જ હતા જે લેવા બુકિંગ કરાવવું પડતું. લેમ્રેટા સ્કુટર પછી બુલંદ ભારત કી બુલંદ તસવીર હમારા બજાજ આવ્યું. મોડેથી લ્યુના અને ટીવીએસ સામાન્ય લોકોના વાહન બન્યા. રાજ્દુત કી સવારી શાનદાર અને જાનદાર સવારી હતી. હવે તો ઘણા બધા બાઇક ચલાવે છે. છોકરીઓ પણ બાઇક ફેરવે છે. હવે ઇલેક્ટ્રિક વાહનો આવશે. આ વાહનોને ચાર્જ કરવા પેટ્રોલપંપની જેમ ચાર્જીંગ સ્ટેશન હશે.આપણે બાળક હતા ત્યારે પગેથી હડસેલીને સ્કુટર ચલાવતા એ સ્કુટર જેવાં જ દેખાતાં ઇલેક્ટ્રિક બાઇક હવે જોવા મળે છે. ગીયરવાળી સાયકલ પણ આવે છે. આ વાહનો ફુટપાથ પર પાર્ક કરેલાં હોય. યુવા વર્ગ મોબાઇલથી ઓનલાઇન પેમેન્ટ કરી તેને ઓપરેટ કરીને ભાડે લઈ જાય.મોટર તરીકે ઓળખાતી કારમાં ફિયાટ લકઝરી ગણાતી. એમ્બેસેડર કાર લગભગ સરકારી ગાડી જ ગણાતી. મારુતિ આવ્યા પછી ઘણા લોકો કાર વાપરતા થયા. હવે તો અસંખ્ય બ્રાન્ડની અને અવનવી ટેકનોલોજીવાળી કાર આવે છે. કિંમત સાંભળતાં જ રાડ નિકળી જાય એવી મોંઘી કાર સ્ટેટસ સિમ્બોલ બની ગઈ છે. માલ પરિવહન માટે બાપુજી તરીકે ઓળખાતા માતેલા સાંઢ જેવા ખટારા રસ્તા ઉપર બેફામ આતંક મચાવતા. પછી મીની ટ્રક આવી.પહેલાંનો મધ્યમવર્ગ હવે રીચ બની ગયો છે. લારીના સીંગચણા ફાક્તા હતા તે કાજુ બદામ ખાતા થઈ ગયા છે (તો પણ લારીના સીંગચણા ખાવાની મજા તો લેવી જ જોઇએ). અત્યારે જે લોકો ફ્લાઇટમાં ઉડાઉડ કરે છે તેઓ એસટી બસોમાં અથડાતા, કૂટાતા, ટીચાતા મુસાફરી કરતા. ચિક્કાર ભરેલી બસમાં ઉનાળાની ગરમીમાં શેકાતા કરેલી મુસાફરીઓ કોને યાદ નહિ હોય? બસમાં જગ્યા રોકવા માટે જાત જાતની તરકીબો થતી. ટ્રેનમાં રિઝર્વેશન હોય તો ઠીક નહિતર સાવ સાંકડી જગ્યામાં માંડ માંડ બેસીને શરુઆતમાં ઘાંટા પાડ્યા પછી સહપ્રવાસીઓ સાથે કરેલી એ આનંદદાયક મુસાફરી અત્યારે ઘણા મિસ કરતા હશે. મેટ્રો આવે કે બુલેટ ટ્રેન આવે પણ ભારતવાસીઓને તો ખાણીપીણી સાથે થતી એ મુસાફરી જ યાદ રહેશે.ક્રમશ:તુષાર અંજારિયાવિસરાતી જીવનશૈલીનો બાયોસ્કોપતુષાર અંજારિયાEmail: advait_sys@hotmail.com૧૮.જીવવા માટે લાઇનમાં રહો!વાત તો સાચી જ છે. સારું જીવન જીવવું હોય તો સીધી લાઇનમાં જીવવું જોઇએ. સહેજ પણ લાઇન બહાર થયા તો ગયા કામથી! પરંતુ અહીં જુદા સંદર્ભમાં વાત કરવી છે. અગાઉના વર્ષોમાં નાના મોટાં કામ માટે લાઇનમાં ઉભા રહેવું પડતું અને તો જ ગાડું આગળ વધતું. ખાંડ લેવા રેશનીંગ દુકાનની લાઇન, પોસ્ટ ઑફિસમાં લાઇન, બેંકના કામ માટે લાઇન, લાઇટબીલ, ટેક્ષબીલ, ટેલીફોન બીલ તમામ બીલ ભરવા લાઈન. હવે બધું જ ઓનલાઈન થઈ શકે છે એટલે જેમને ઓનલાઈન નથી ફાવતું કે લાઈનમાં ઉભવાના શોખીન છે તેઓ જ લાઇનમાં ઉભા રહે છે. હા, હજી વિધ્યાર્થીઓએ એડમિસશન કે ફી ભરવાની લાઇનમાં ઉભવું પડે છે.ઇંધણા વીણવા ગઈ'તી મોરી સહિયર એવું શહેરી સ્ત્રીઓ ગરબામાં ગાય પણ કેટલીય વખત સાચે જ ઇંધણ માટે દોડાદોડ કરી લાઇનમાં ઉભવું પડતું હતું. અત્યારે ઘણી જગ્યાએ પાઇપથી ગેસ મળે છે અને જ્યાં સિલિન્ડર છે ત્યાં વ્યવસ્થિત રીતે સિલિન્ડર મળી રહે છે અને ઘર દીઠ બે સિલિન્ડર પણ અપાય છે. વર્ષો પહેલાં ઘર દીઠ એક જ સિલિન્ડર અપાતું અને તેનું બુકિંગ કરાવવા ગેસ એજન્સીની ઓફિસ જવું પડતું. ફોન તો બહુ ઓછા પાસે હોય અને ઘણી વાર એવું બને કે બુકિંગ કરનારે ફોન પરથી બુક કર્યું જ ન હોય. છાસ વારે સિલિન્ડરની તંગી થતી એટલે લોકો રુબરુ જ ગેસનો બાટલો નોંધાવવા જતા. એજન્સીની ઓફિસ બહાર લાંબી લાઈન હોય એમાં કલાકો ઉભા રહો ત્યારે પત્તો ખાય. અમદાવાદમાં ખાનપુરમાં ગેસ એજન્સી હતી તેની બહાર ૨૦૦-૩૦૦ મીટર સુધી લાઈન થતી જે રૂપાલી સિનેમા સુધી જતી. ક્યારેક ફિલ્મની લાઈન અને ગેસની લાઈન બાજુ બાજુમાં જ હોય.ગેસના બાટલાની અછત હોય ત્યારે પ્રાઇમસ - સ્ટવ ઉપર રસોઇ થાય. અત્યારની પેઢીમાંથી ઘણાએ પ્રાઇમસ જોયો પણ નહિ હોય. તેના માટે કેરોસીન જોઇએ. સ્વાભાવિક છે કે અછતના સમયમાં તેની માંગ પણ વધી જાય અને એવા સમયે કાળા બજારિયાઓ પુરતો લાભ ઉઠાવે. કેરોસીનની અછત પણ થાય એટલે મધ્યમવર્ગ બરાબર હેરાન થાય. ઘરમાં ન ગેસ હોય ન કેરોસીન. આસપાસમાં ક્યાંક કેરોસીનની લારી કે ટેન્કર આવે ત્યારે બધાં જ કામ મુકી કેરબો લઈને દોડવાનું. લાંબી લાઈન અને ઝઘડાઓ વચ્ચે નસીબ હોય તો પત્તો ખાય. ઘણી વખત શહેરની ગૃહિણીઓએ પણ ગ્રામ્ય નારીની જેમ કોલસાની સગડી વાપરી હશે. ભારત દેશની મધ્યમ વર્ગીય ગૃહિણીઓએ આવી અસંખ્ય મુસીબતો સાથે ઘર ચલાવ્યું છે તેના માટે કોઈ પણ મોટા એવોર્ડ આપીએ તે નાના પડે! નવી પેઢીને આવી લાઇનમાં ઉભીને જીંદગી બરબાદ નથી કરવી પડતી તે એમના સદનસીબ છે.ફિલ્મ જોવા માટે થિયેટરની લાઇનમાં ઉભા રહેવું પડતું. વન એન્ડ ઓન્લી વન સુપર - મેગા સ્ટાર બિગ બીની ફિલ્મો માટે સવારથી જ લાઈન લાગે અને ઝડપથી હાઉસફુલનું પાટીયું લાગી જાય. અત્યારે આવા અનુભવો ભાગ્યે જ થાય. સાઉથમાં રજનીકાંતની ફિલ્મ માટે પાગલ ચાહકો લાઈન લગાવે છે બાકી ઓનલાઈનના જમાનામાં લાઇનની જરુર ન રહે.ડંડાવાળીપહેલાં કોલેજોમાં વારે વારે આંદોલનો થતા. ત્યારે કોલેજો જ ઓછી હતી એટલે એ શક્ય હતું. હવે તો સેકડો કોલેજો થઈ ગઈ છે એમાં અમુક કોલેજમાં હડતાળ પડે અને અમુકમાં ન પડે. અત્યારે આંદોલનો થતા નથી અને થાય તો સાવ ફિક્કા હોય છે. પહેલાં તો તોફાનો થાય અને પોલિસની ડંડાવાળી થાય. પોલીસને દરેક યુવાનમાં તોફાની તત્વ જ દેખાય એટલે જે યુવાન હોય તેને ફટકારે. આપણે ડંડા ખાધા છે એવો અનુભવ અત્યારે બહુ ઓછાને થતો હશે.થિયેટરમાં બિગ બીની ફિલ્મ હોય ત્યારે થિયેટરના લાલા રોફ જમાવી ડંડાવાળી કરે અને ક્યારેક તો બેકાબુ બનેલી પબ્લિક પર પોલીસ આવીને ડંડાવાળી કરે. બોસની ફિલ્મ શરુઆતના અઠવાડિયામાં જ જોવી હોય એટલે કેટલીય વાર લાલાના અને પોલીસના ડંડા ખાઈને તૂટેલા દુખતા શરીરે ફિલ્મો જોઇ છે ત્યારે એ બોસ મેગાસ્ટાર બની શક્યા છે!! હવે તો આવું બધું ગયું. આપણને આવા રોમાંચક અનુભવો યાદ કરવાનો લહાવો મળ્યો છે તે નવી પેઢીને નહિ મળે!ક્રમશ:તુષાર અંજારિયાવિસરાતી જીવનશૈલીનો બાયોસ્કોપતુષાર અંજારિયાEmail: advait_sys@hotmail.com૧૯.કુર્યાત સદા મંગલમ - પતરાળા પંગત ટુ ડેસ્ટીનેશન વેડીંગઅત્યારની વયસ્ક પેઢીએ પતરાળા પંગતવાળા લગ્નો માણ્યા છે અને હવે ડેસ્ટીનેશન વેડીંગ જોવા મળે છે. લગ્ન પહેલાંની બાબતોમાં પણ બદલાવ આવતા જોયા છે. અત્યારની યુવા પેઢીમાં માત્ર કોઈ ફ્રેન્ડ હોય એટલે પ્રેમ છે એવું નથી હોતું. ફ્રેન્ડ, ક્લોઝ ફ્રેન્ડ, એનાથી આગળનું લેવલ એવી ન સમજાય એવી ડેફીનિશન હોય છે. છોકરા છોકરીઓ છુટથી મિત્રતા રાખી ફરતા હોય પણ તેને પ્રેમસંબંધ ન હોય. આગલી પેઢીમાં આવી રીતે કોઈ મિત્ર ન હોય. કોઈ ગમતું હોય તો એના સુધી વાત પહોચાડવાની હિંમત ન હોય. અત્યારે કોઈ પ્રેમપત્રો લખતા હશે કે કેમ પણ અગાઉના કેટલાક વિરલાઓ પોતની લાગણી અભિવ્યક્ત કરવા પ્રેમપત્ર લખતા. અમુક્નું લખાણ તો એવું હોય કે પેલીને હીરો ગમવા લાગ્યો હોય તો પણ એનો પ્રેમપત્ર વાંચીને વિચાર માંડી વાળે! કેટલાય એવા હોય જે પ્રેમપત્ર લખી તો નાખે પણ આપવાની અવઢવ રહ્યા કરે તો કેટલાક વગર વિચાર્યે મુરખની જેમ પત્ર ફેંકી આવે પછી બરાબર માર ખાય. અત્યારની પેઢીમાં નિખાલસતા છે અને આવાં છનગપતિયાં નથી હોતા.અનેક વર્ષો પહેલાંની પેઢીમાં તો લગ્ન પહેલાં એકબીજાંને જોયા પણ ન હોય. પછીના વર્ષોમાં પરિવાર ચોકઠું ગોઠવી આપે. હવે તો મોટે ભાગે દિકરા કે દિકરીએ જાતે જ પાત્ર પસંદ કરી લીધું હોય અને પરિવારને માત્ર જાણ કરવાની હોય. પહેલાં સગાઈની વિધિ ઘરમાં જ બે પરિવારોની હાજરીમાં થતી. હવે તો રિંગ સેરેમનીના નામે ધામધુમ થાય.અગાઉના લગ્નો અત્યારે થતા લગ્નોથી ઘણા જુદા પડે. સમ્પન્ન પરિવારના લગ્નોની રોનક જુદી હોય પરંતુ મધ્યમ વર્ગીય પરિવારોમાં લગ્ન કોઈ હોલ કે વાડીમાં હોય. જે પરિવારમાં લગ્ન હોય તેના ઘરની આસપાસમાં કોઈ બંધ ઘર હોય તેમાં સગાં સંબધીઓને ઉતારો આપ્યો હોય. નજીકના સગાં બે ત્રણ દિવસ વહેલા આવી ગયા હોય. જાન માટે હોલ કે વાડીમાં જ ઉતારાની સગવડ હોય. એમની બધી જ સગવડ સચવાય એવી વ્યવસ્થા કરી હોય છતાં મર્ફીનો સિધ્ધાંત કામ કરે જ અને કોઇક અગવડ પડે જ. લગભગ તો ઉતારામાં પાણી ખુટી પડે. સવાર સવારમાં આવું થાય તો હાહાકાર મચી જાય. કન્યાપક્ષની હાલત કફોડી થઈ જાય. જેમને વ્યવસ્થા સોંપી હોય તે યુવાનોનો ઉધડો લેવાય. એમાં કોઈ યુવાનથી સહન ન થાય તો ચોકખું સંભળાવી દે કે છુટ્ટા નળે પાણી વાપરો તો ખુટે જ ને? પછી કોઈ જુગાડ કરીને પણ પાણીની વ્યવસ્થા કરાય અને આવા પ્રશ્નો હલ કરતાં લગ્ન લેવાય.અત્યારની વયસ્ક પેઢીએ બાળપણમાં પતરાળા અને પડીયામાં ભોજન કર્યું છે. પછી થાળી વાડકા આવ્યા. ભોજન માટે પંગત હોય. પિરસણીયાઓની ફોજ તૈયાર કરાય. લગ્નવાંછુક યુવાનો હોંશે હોંશે પીરસવા અને નજરમાં આવવા નીકળે. કોણ શું પીરસશે તે એની લાયકાત મુજબ નકકી થાય. આમાં કોઇને અન્યાય થયો એવું લાગે તો એના માબાપને માઠું લાગી જાય. રિસામણા મનામણા થાય. આવા તમાશાઓ સાથે આગ્રહ કરી કરીને પીરસવામાં આવે અને પ્રેમથી જમાડવામાં આવે. દેશી વાનગીઓનું સાદું પણ કાયમ યાદ રહી જાય એવું સ્વાદિષ્ટ ભોજન હોય. ૧૯૭૦ના છેલ્લા વર્ષોમાં પંગતપ્રથા અસ્ત થવા લાગી અને બુફે તરીકે ઓળખાતા ભોજનની શરુઆત થઈ. તે સાથે જમણવારમાંથી આગ્રહ અને પ્રેમની બાદબાકી થઈ. હાથમાં થાળી પકડી ટોળામાં ઉભા ઉભા જમવાની વરવી રીત સૌને કોઠે પડવા લાગી.સમયાંતરે રીતરસમોમાં અને લગ્નોની રીતમાં ફેરફારો થતા રહ્યા. લગ્નો પાર્ટી પ્લોટમાં કે હોટલોમાં હોય. ઉતારા હોટલમાં હોય એટલે અગવડ પડે જ નહિ. ભોજનમાં અનેકવિધ વાનગીઓ આવતી ગઈ. દેશી ભોજન હાંસિયામાં ધકેલાયું અને મલ્ટીનેશનલ વેરાઇટીઝ આવતી ગઈ. આર્થિક સ્થિતિએ પોષાય એમની વાત અલગ છે પણ કેટલાય એવા પણ છે જે લાંબા પાછળ ટુંકો જાય મરે નહિ પણ માંદો થાય. આવા ઘણા દેખાદેખીમાં તણાતા હોય છે. હવે તો ઘણું બધું બદલાઇ રહ્યું છે. પ્રિવેડીંગ શુટિંગ થાય છે. ફિલ્મના શુટિંગની જેમ કોઈ ખાસ લોકેશન પર શુટિંગ થાય અને હીરો હિરોઈનની જેમ જ રોલ ભજવાય. થીમ બેઝડ વેડીંગ થાય અને સમ્પન્ન પરિવારોમાં દેશમાં કે પરદેશના કોઈ ખાસ સ્થળે ડેસ્ટીનેશન વેડીંગ થાય છે.કોઇએ પાતળા દેખાતા પતરાળાને ફાડવાનો પ્રયત્ન કર્યો છે? એ પાન એમ ફાટે નહિ અને એની મજબુત સિલાઈ કરીને બનાવેલું પતરાળું ઍમ ફાડી ન શકાય. બસ એ પતરાળા જેવી જ મજબુતાઇ પતરાળા પંગતના લગ્નોમાં હતી. એ લગ્નજીવન જીવનપર્યંત મજબુત રહે. ડેસ્ટીનેશન વેડીંગનું ડેસ્ટીનેશન કેટલું તે કોઈ કહી શકે?આ બધા વચ્ચે પણ અમુક સારી બાબતો જોવા મળે છે. કેટલાક સમ્પન્ન દાતાઓ જ્ઞાતિ કે ધર્મનો બાધ ન રાખીને નબળી આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારો માટે સમુહ લગ્નોનું આયોજન કરે છે અને પુરેપુરા આત્મસન્માન સાથે, જરુરી ભેટસોગદ આપીને આનંદદાયક વાતાવરણમાં લગ્નો કરાય છે.હવેની શહેરી યુવાપેઢીમાં જ્ઞાતિ કે પ્રાંતનું કોઈ બંધન નથી રહ્યું. 2 સ્ટેટસ જેવા લગ્નો વધતા જાય છે. અલગ અલગ પ્રાંતની અલગ અલગ સંસ્કૃતિ ધરાવતા પાત્રોનો મેળાપ ભવિષ્યમાં દેશને સાચા અર્થમાં વિવિધતામાં એક્તાની ભારતિય સંસ્કૃતિ અપનાવતી પેઢી આપે એવા જ આશીર્વાદ!ક્રમશ:તુષાર અંજારિયાવિસરાતી જીવનશૈલીનો બાયોસ્કોપતુષાર અંજારિયાEmail: advait_sys@hotmail.com૨૦.અંતિમ વિદાયપહેલાંની પેઢી એવું માને કે કોઇના સારા પ્રસંગે ન જઈ શકીએ તો કદાચ ચાલે પણ માઠા પ્રસંગે તો જવું જોઇએ. કોઈ જાણીતાનું મૃત્યુ થાય ત્યારે અંતિમ વિદાય માટે પહોંચી જાય. હવે મોટા શહેરોમાં જોઇ શકાય છે કે આવે સમયે લગભગ વયસ્કો જ હાજર હોય છે. કુટુંબના એકદમ અંગત યુવાનો સિવાય અન્ય યુવાનો નથી હોતા. યુવાનોને અંતિમ વિધિઓ બાબતે ખાસ સમજણ પણ નથી હોતી. અમુક શહેરોમાં તો અંતિમ વિધિ આટોપી આપવા પ્રોફેશનલ સર્વિસ પણ ચાલુ થઈ છે! યુવા વર્ગની અતિ વ્યસ્તતા, નિરસતા અને અણસમજ જોતાં એવું લાગે છે કે ભવિષ્યમાં તેઓ આવી પ્રોફેશનલ સર્વિસનો જ સહારો લેશે.કોરોનાએ એક બહુ જ મોટો બદલાવ લાવી દીધો છે. બેસણા ટેલિફોનિક કે ઓનલાઇન મિટિંગ એપથી થવા લાગ્યા છે. બાકી વયસ્કો તો જાણે કોઇનું બેસણું હોય તો લોકોને મળવા જ જતા હોય. બેસણું પતે પછી રીતસરનો મેળાવડો જ જામ્યો હોય. હસી હસીને ટોળ ટપ્પા થતા હોય. કોઈ વૃદ્ધના મરણ પછી કદાચ શોક ન લાગ્યો હોય પરંતુ યુવા વયનું મરણ થયું હોય તો પણ એના બેસણા બાદ એવું જ વરવું વાતાવરણ જોવા મળે. મોટા શહેરોમાં અત્યંત દુરના અંતરે ટ્રાફિકમાં જવાનું હોય એટલે વયસ્કો તો ખેંચાઇ જ રહે. નોકરી ધંધાવાળાને પણ બધું પડતું મુકીને જવું પડે. વળી કેટલાય તો સંબંધને દાવે બહારગામથી પણ માત્ર ૧ કલાકના બેસણા માટે આવે. ઘરનાં જ અંગત સ્વજનો એમની સગવડતાએ રુબરુ આશ્વાસન આપવા આવે તો સમજી શકાય પરંતુ અત્યારના ફોન, ઓનલાઈનના જમાનામાં પણ દુર દુરથી લોકો આવે તે સમયનો અને અન્ય વ્યય જ ગણાય. નવી પેઢી કદાચ આવા રિવાજોને તિલાંજલી આપી પ્રેક્ટિકલ બનશે એવું લાગી તો રહ્યું છે.મારા સ્મૃતિપટની બાયોસ્કોપિક સ્ક્રિન ઉપર મારા બાળપણથી આધેડ વય સુધીમાં જે કાંઇ વિસરાતું અને બદલાતું લાગ્યું તેને શબ્દ સ્વરુપ આપવાનો પ્રયત્ન કર્યો છે. દુનિયામાં દરેક બાબતમાં નવું નવું આવતું જ રહેશે. યે જીંદગી કે મેલે દુનિયામેં કમ ન હોંગે અફસોસ હમ ન હોંગે! સમયાંતરે જુનું બધું ભુસાતું જાય અને નવું આવતું જાય. હવે તો ખુબ જ ઝડપથી અનેક બદલાવો આવી રહ્યા છે તે જોતા એવું લાગે છે કે દરેક દસકા બાદ જો કોઈ આવી રીતે વિસરાતી જીવનશૈલી વિષે લખવા બેસશે તો પણ ઘણું બધું બદલાયેલું મળશે.હા પણ અમુક દાયકા પછી કદાચ અંગ્રેજીમાં લખવું પડશે! ત્યારે આપણા ભદ્ર કુટુંબોની નવી પેઢીઓમાં માતૃભાષા વાંચી શકનારા કેટલા હશે? અત્યારે નવી પેઢી પરદેશ જઈ રહી છે અને દેશમાં હોય તો પરપ્રાંતમાં કામ કરતા હોય છે. એમની પેઢી અત્યારથી જ માતૃભાષાથી વિમુખ થઈ રહી છે તો આગળની પેઢીઓ તો એમના પૂર્વજોની માતૃભાષા નહિ જ જાણતી હોય. આવું દરેક પ્રાંતિય ભાષાને લાગુ પડે છે. કોઈ પણ ભાષાનો ઍમ અસ્ત ન થાય પરંતુ આજના આપણા ભદ્ર ગણાતા કુટુંબોની નવી પેઢીઓમાં તો માતૃભાષા વિસરાઈ જશે એ કડવી વાસ્તવિક્તા જોઇ શકાય છે. જીવનશૈલીનો આટલો ભયંકર દુ:ખદ બદલાવ ન આવે એવી પ્રાર્થના!સમાપ્તતુષાર અંજારિયા
ચાલો, ગુજરાતી વારસો જીવંત રાખીએ. નવી પેઢીનો ગુજરાતી સાથેનો સેતુ જાળવી રાખવા એમને સ્પર્ધાઓ, ઇનામો દ્વારા પ્રોત્સાહિત કરીએ.
Pages
- હોમ પેજ
- આ બ્લોગ વિષે
- બાળ કાવ્યો/બાળ વાર્તાઓ - Gujarati Bal Varta - Gujarati Children Stories
- ભગવદ ગીતા - સંક્ષિપ્ત પરિચય (શ્લોકો વગર સરળ સમજૂતી)
- વાંચવા જેવું
- જાણવા જેવું
- ગુજરાત પરિચય - KNOW GUJARAT
- બાળ રમતો
- બાળકોના પુસ્તકો
- બાળ કાવ્યો (અંગ્રેજી અનુવાદ સાથે બાળકોની કવિતાઓ)
- આપની પ્રતિભા - ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી શીખો Learn Gujarati
- ગુજરાતી લખવા
- ઉપયોગી ગુજરાતી સાઈટ્સ
- India Children Stories
- બાળ વાર્તાઓ સાંભળો...ગુજરાતી બાળ વાર્તાઓ ઓડિયો એમપી૩
- પ્રાચીન ગુજરાતી કવિતાઓ
- વિસરાતી જીવનશૈલી વિષે
- સંપર્ક
વિસરાતી જીવનશૈલી વિષે
વિસરાતી જીવનશૈલીનો બાયોસ્કોપઅત્યારે જેઓ ૫૦ વર્ષથી વધુ વયના છે તેઓ અનુભવી શકતા હશે કે એમના બાળપણમાં જોએલી જીવનશૈલીમાં અને અત્યારની જીવનશૈલીમાં ઘણો જ બદલાવ આવી ગયો છે. જન્મથી મૃત્યુ પર્યન્તની જીવનશૈલીમાં, રોજબરોજની ઘટનાઓમાં, આપણી આસપાસની દુનિયામાં, રમતોમાં, તહેવારોની ઉજવણીમાં અને લગભગ તમામ બાબતોમાં પરિવર્તન વર્તાઇ રહ્યું છે.જુનું યાદ કરીએ તો સ્મૃતિપટની બાયોસ્કોપિક સ્ક્રિન ઉપર ધીરે ધીરે બદલાતા દ્રશ્યો જોવાનો રોમાંચ કાંઈક અલગ જ હોય છે. આ વિસરાતી જીવનશૈલીને તાદ્રશ કરવાનો એક પ્રયાસ કરુ છું. આશા રાખું કે વાચકોને પણ વિસરાતી જતી અનેક વાતો દ્રશ્યમાન થશે.તુષાર અંજારિયાEmail: advait_sys@hotmail.com૧. જન્મ સાથે પૃથ્વી પર અવતરણઅત્યારે તો લગભગ કોઇ મેટરનિટી હોમમાં જ બાળકનો જન્મ થતો હોય છે. અત્યારના બાળકોને મોટા થઈને એમના જન્મસ્થળ જોવાનો ખાસ કોઇ રોમાંચ નહીં થાય. મહાનુભાવોના જન્મસ્થળ પર સ્મારક બન્યા છે પરંતુ ભવિષ્યના મહાનુભાવો માટે આવા સ્મારકો ક્યાં બનશે?અત્યારે તો બાળક જન્મે કે તરત જ ફટાફટ ફોટા પડવા લાગે અને ક્ષણ વારમાં તો દેશ દેશાવર એના આગમનની જાણ થઈ જાય. અગાઉ તો? બાળકના જન્મના શુભ સમાચાર તાર મારફતે અપાય. જે સ્થળે તાર ન થતો હોય ત્યાં પોસ્ટકાર્ડ લખીને સમાચાર અપાય. બાળકના પિતાને પણ મોડી જાણ થાય. પછી પિતા એની સગવડતાએ બાળકને જોવા પામે.અત્યારના હરખપદુડા પિતાશ્રીઓ તો પેટરનીટી લિવ લઈને બાળકના જન્મસમયે હાજર જ હોય. વિરાટ કોહલીએ ટેસ્ટમેચ પડતી મુકી હતી. જ્યારે અગાઉના ક્રિકેટરો લાંબા પ્રવાસે ગયા હોય તો પરત આવે ત્યારે બાળકને જોવા પામે. સુનિલ ગાવસ્કરને ઘરે પુત્ર રોહનનો જન્મ થયો ત્યારે તેઓ ટેસ્ટમેચના વિદેશપ્રવાસે હતા અને કદાચ ૩-૪ મહિના પછી પુત્રને જોયો હતો.અત્યારે બાળકના જન્મ સમયથી જ પિતા સતત માતાની સાથે રહે છે અને ઉછેરના દરેક કામમાં મદદરુપ થાય છે. જીવનશૈલીનો આ બદલાવ આવકાર્ય જ છે.પ્રારંભિક બાળપણપહેલાંના વર્ષોમાં કોઇ ઘરની બહાર બાળોતીયાં ટીંગાતાં હોય એટલે ખબર પડી જાય કે ઘરમાં નાનું બાળક છે. સંયુક્ત કુટુંબવાળા ઘરમાં તો ક્યારેક બાળોતીયાંઓની હાર હોય! આગલી પેઢી માને યાદ કરી કરીને ગાઇ શકે,"સુકામાં સુવાડી ભીને પોઢી પોતે મહા હેતવાળી દયાળુ જ મા તું!"અત્યારની પેઢીને ડાઇપરની સગવડ હોઇ બેબી ભી ખુશ, મમ્મા ભી ખુશ! આ બાળકો મોટાં થઈ આ સુંદર કાવ્ય નહીં ગાઇ શકે! પરંતુ આ સગવડ મા બાળક બંને માટે આશીર્વાદરુપ છે.અને હા, ઘરમાં નવું જન્મેલું બાળક છે તે જાણી મા બહુચરના ભક્તો આવી જ જતા. ત્યારે યથાશક્તિ બક્ષિસ અપાતી. હવે તો ગુંડાગીરી વધી ગઈ છે અને રીતસરની દાદાગીરી જ થાય છે. આધુનિક વસાહતોમાં એમને કોઇ પેસવા પણ નથી દેતા.હવે તો બાળ પ્રસાધનમાં પણ વૈવિધ્ય આવતું જાય છે. અત્યારના રોબોટ યુગના રમકડાં પાસે તો જુના સમયના રમકડાં સાવ ઠોબારાં જ લાગે પણ કાષ્ઠકલાની અદભુત કારીગરીના રમકડાં ક્યારેય ભુલાશે નહી.પહેલાં બાળકો ત્રણ પૈડાંની સાયકલ અને પછી પગેથી ઢસડીને ચલાવાતું સ્કુટર ફેરવતા. સાયકલના પૈડાને હાથેથી કે લાકડીથી ધકેલવાની રમત હવે ખાસ જોવા નથી મળતી. હવે તો ૩-૪ વર્ષના બાળકો નાની બે પૈડાંની સાયકલ ફેરવવા માંડે છે. જીવનની રસાકસીભરી રેસમાં બેલેન્સ જાળવવાનું ઝડપથી શીખી લેવું પડે!હવે તો બાળપણની લહેરી મસ્તી બહુ જલદી પુરી થઈ જાય છે અને વહેલાં વહેલાં જ ભણાવવાની હોડ લાગે છે.ક્રમશ:તુષાર અંજારિયાવિસરાતી જીવનશૈલીનો બાયોસ્કોપતુષાર અંજારિયાEmail: advait_sys@hotmail.com૨. સા વિધ્યા યા વિમુક્તયેબાળકના જન્મ પહેલાં જ માતાપિતા એને કઈ શાળામાં અભ્યાસ કરાવવો તેનું આયોજન કરવા લાગે છે! બાળક માંડ થોડું સમજણુ થાય ત્યાં તો પ્લે ગ્રુપમાં દાખલ કરી દે. પછી નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી એવા પગથિયા ચઢીને અભ્યાસ આગળ વધે. સારી શાળામાં પ્રવેશ મેળવવા ઈન્ટરવ્યુ લેવાય અને એની ટ્રેનિંગ પણ અપાય! જીવનમાં અનેક પરીક્ષાઓ આપવા માટે પહેલેથી જ તૈયાર કરવા માંડે!પહેલાં બાળકોને આવો કોઇ જ બોજો નહોતો. ખાસ્સા ઢગરા થાય પછી બાળમંદિરમાં બેસે. અગાઉ તો ઘણાને ટીંગાટોળી કરીને લઈ જવા પડતા!શાળા લગભગ તો ઘર પાસે જ હોય. થોડી દુર હોય તો સોસાયટીમાં કામ કરતા કોઇ રામાની સાયકલ પર સોસાયટીના બાળકો જાય. સાયકલના આગળના ડંડા પર બે ચાર ટાબરિયાં બેસે અને પાછળ કેરિયર પર બે ત્રણ બેઠાં હોય. હવે અંગ્રેજી શાળાઓની તો સ્કુલબસ હોય છે. નહિતર રીક્ષા કે વેનમાં જાય.દફ્તર તો થેલી હોય. એમાં પાટી પેન હોય. પછી બગલથેલો આવે કે નાની પેટી આવે. ચોપડાનું વજન વહન થઈ શકે એટલું જ હોય. અત્યારે તો નાની બેક્પેક અને પછી વાંકા વળી જવાય એવી ભારે બેક્પેક લઈને જવાનું. પહેલાં કોઇક વિદ્યાર્થી જ વોટરબેગ લઈ જતા. શાળાની પાણીની ટાંકીની સ્વચ્છતા ઉપર ભરોસો રહેતો. નળ નીચે ખોબો ધરીને ધરાઈને પાણી પીતા. હવે લગભગ બધા પાસે વોટરબેગ હોય છે.પહેલાં સ્લેટ પેન અને પછી પેન્સિલથી લખવાનું. નટરાજ પેન્સિલનો જમાનો હતો. પછી ઇંકપેન - ઇન્ડિપેનથી લખવાનું. ઉંટના ચિત્રવાળો કેમલ બ્રાન્ડ શાહીનો ખડિયો વપરાતો. એક ટોટી ખડિયામાં બોળીને એમાં શાહી ભરવાની અને એમાંથી ઇંક્પેનમાં ભરવાની. લખતી વખતે પેનની નીબ તૂટે નહિ અને લીક ન થાય તેનું ધ્યાન રાખવું પડે. પરીક્ષા વખતે એક્સટ્રા પેન રાખવી પડે. એસ.એસ.સી. અને બારમાની બોર્ડની પરીક્ષા વખતે શુભેચ્છા સાથે સારી ઇન્ડિપેન ભેટમાં અપાતી. કોઇને રંગવા માટે પણ ઇંક્પેન વપરાતી. શાળામાં ચુંટણી હોય ત્યારે વિજેતા પર શાહી છાંટવામાં આવે.પાર્કર પેન અને અન્ય મોઘી બ્રાન્ડની પેન પણ આવતી અને સૌને પોષાય એવી પેન પણ આવતી. અત્યારે બ્રાન્ડેડ ઘડિયાળોનો શોખ હોય છે એમ જાત જાતની ઇન્ડિપેન રાખવાના શોખીનો હતા. ધીરે ધીરે ઇન્ડિપેનનો જમાનો ગયો અને બોલપેન આવી ગઈ. હજી થોડા લોકો ઇન્ડિપેન વાપરતા હોય છે બાકી આપણા શાળા કોલેજના જીવનમાં અદકેરું સ્થાન ધરાવતી ઇંક્પેન તો વિસરાઈ જ ગઈ!સોટી વાગે ચમ ચમ વિદ્યા આવે ધમ ધમ!અગાઉના શિક્ષકો એવું માનતા કે લાતો કે ભુત બાતો સે નહી માનતે. ઉપદ્રવિઓને ફુટપટ્ટી કે સોટી છુટથી ફટકારી શકાતી. હાથથી પણ મેથીપાક અપાતો. અંગુઠા પકડી ઉભા રાખે અને બરડા ઉપર ફુટપટ્ટી મુકે એનું બેલેન્સ ન જળવાય તો બે ચાર ધોલ પડે. હવે જો કોઇ શિક્ષક સહેજ પણ આકરી સજા કરે તો વાલીઓ શાળા પર હલ્લો મચાવી દે. ટીવી ચેનલવાળાઓ ધસી આવે. સોશિયલ મિડિયામાં શાળા અને શિક્ષકને બેઆબરૂ કરી મુકે. દરેક કિસ્સાને વધારે પડતા ચગાવી દેવાની જરુર નહિ. પહેલાંના શિક્ષકો વિધ્યાર્થીના હિત માટે જ સજા કરતા. અસંખ્ય વાર સજા પામી ચુકેલા મારા જવા કેટલાય બારકસો શાળાના એ કડક શિક્ષકોને ખુબ જ આદર અને પ્રેમથી જ યાદ કરતા હોય છે.પહેલાં તો બાળકો મુકતપણે વેકેશનની ભરપુર મજા માણી શક્તા. હવે તો શરુઆતના વેકેશનમાં વિવિધ એક્ટીવીટીઝમાં પારંગત થવાનું અને ૮મા ધોરણ પછી વેકેશન જ ભુલી જવાનું. દેશની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં ભણવા માટેના ખર્ચાળ કોચીંગ ક્લાસ શરુ થઈ જાય.અત્યારે આપણે હોનહાર તજજ્ઞો મેળવતા હોઇશું પણ પહેલાં કોઇ ડોબા તો નહોતા જ રહેતા ને? જુની શિક્ષણ પધ્ધતિ સાવ વખોડી નાખવા જેવી તો નહિ જ ને?ક્રમશ:તુષાર અંજારિયાવિસરાતી જીવનશૈલીનો બાયોસ્કોપતુષાર અંજારિયાEmail: advait_sys@hotmail.com૩.વિસરાઈ જતી રમતોખુંચામણીનિરજ ચોપરાએ જેવલિન થ્રો - બરછી ફેંકંમાં સુવર્ણ ચન્દ્રક મેળવીને દેશનું નામ રોશન કરી દીધું. આ બરછી ફેંકની મીની આવૃત્તિ એટલે ખુંચામણી. ચોમાસામાં આ રમત રમાય. અણીદાર સળિયાને ભીની જમીન પર ફેંકવાનો. સળિયો જમીનમાં ખુંપવો જોઇએ. આના માટે સળિયો ક્યાં ખુંપશે તેની સમજ પડવી જોઇએ. કાદવવાળી , એકદમ પોચી કે કઠણ જમીનમાં સળિયો ન ખુંપે.રમત રમતા બાળકો વારાફરતી દાવ લે. આ સળિયો - ખુંચામણી જમીનમાં ખુંપે તો કાઢીને આગળ જઈ બીજે ફેંકી ખુંપાવાનો. આમ આગળ વધતા જવાનું. જો ખુંચામણી ન ખુંપે અને પડી જાય તો દાવ પુરો. જે ખેલાડી સૌથી વધુ અંતર સુધી ખુંચામણી લઈ ગયો હોય તે જીતે.જમીનમાં સળિયો ખુંપવાની આ રમતને બરછી ફેંક સાથે શું નિસ્બત? વધારે દુરનું અંતર પાર કરવા ખુંચામણીને દુર ફંગોળવામાં આવે. તે જમીનમાં ખુંપશે કે નહિ તેના માટે જમીનનું નિરીક્ષણ કરી આવીને પછી દુરથી તે ભાગ તરફ ફેંકવાની. ધીરજથી સમજીને રમે તેના જીતવાના ચાન્સ રહે.છતાં અમે લગભગ કાયમ નસીબ યારી આપશે જ એવી આશા સાથે ખુંચામણીને હવામાં દુર ફંગોળતા. નસીબજોગે તે દુરની જમીનમાં ખુંપી જાય તો ભયો ભયો નહિતર આઉટ. આ લખતી વખતે આંખ બંધ કરી અમારી એ રમતને યાદ કરી તો એકદમ ધ્રુજી ગયો! અમે ખુંચામણીના સળીયાને દુર ફંગોળતા ત્યારે એવું નહોતા જોતા કે એ તરફ કોઇ છે કે નહિ. જોરથી ફેંકાયેલો તે સળિયો કોઇને વાગે તો? અમારા અને લોકોના નસીબજોગે આવી કોઇ દુર્ઘટના નહોતી બની. બરછી ફેંકની રમતમાં ક્યારેક આવી દુર્ઘટના બનતી પણ હોય છે અને તે જીવલેણ પણ બને છે.આવી જોખમી બેદરકારી રાખ્યા વગર સમજીને રમવામાં આવે તો ચોમાસામાં ખુંચામણીની રમત રમવાની ઘણી મજા આવે પરંતુ હવે બાળકો આ રમત રમતા નથી.ગિલ્લી ડંડાછોકરાઓને રમવી ગમે એવી આ રમત હવે વિસરાઈ ગઈ છે પણ જે રમ્યા છે તેઓ એનો રોમાંચ અનુભવી શકે. એક નાના ખાડા ઉપર લાકડાનો ટૂકડો - ગિલ્લી મુકવાની અને મોટા ડંડાને તેની નીચે રાખી ગિલ્લીને ઉછાળવાની. સામે ઉભેલો કોઇ ખેલાડી ઝીલી લે તો આઉટ નહિતર ડંડાથી ગિલ્લીને પ્રહાર કરી દુર સુધી ફેંકવાની. કોઇ ઝીલી ન લે ત્યાં સુધી રમી શકાય. જોરથી ફેંકાયેલી ગિલ્લી કોઇને વાગે પણ ખરી. કેટલાયના કપાળ ટીચાય કે ઝીલવા જતાં આંગળીએ વાગે. એટલે જ સાહસભરી આ રમત રમવાની છોકરાઓને બહુ જ મજા આવે.ક્રમશ:તુષાર અંજારિયાવિસરાતી જીવનશૈલીનો બાયોસ્કોપતુષાર અંજારિયાEmail: advait_sys@hotmail.com૪.વિસરાઈ જતી રમતોલખોટી, ભમરડોરંગીન ગોળ ગોળ લખોટીઓ રમવાની કેવી મજા આવતી? લખોટીને સૌરાષ્ટ્રમાં ગોટી કે લગી કહે. અમદાવાદમાં ઘણા બાળકો લક્ટી પણ કહે. લખોટીની પણ વિવિધ રમતો હોય. જમીન પર વેંતથી અંતર કાપીને લખોટી આંટવાની, ગોળ કુંડાળામા મુકેલી લખોટીઓ આંટવાની, અંગ્રેજી T આકારમાં ગોઠવેલી લખોટી આંટવાની એવી અનેક પ્રકારની રમતોમાં આખી બપોર કે સાંજ પસાર થઈ જતી.લખોટીની રમતને જુગાર કહેવાય? લખોટી દાવમાં મુકી રમવાનું. હારજીત થયા કરે. હાર્યો જુગારી બમણું રમે એ રીતે લખોટી હારી ગયા હોઇએ તો ઘરે જતાં પહેલાં શક્ય એટલી પાછી મેળવી લેવાની લ્હાયમાં વધુ ને વધુ લખોટીઓ દાવમાં મુકાય. રમત માત્ર નસીબ આધારિત ન ગણી શકાય. નિશાન તાંકવાની આવડત અને કુશળતા હોય તે વધારે જીત મેળવે.લખોટીની રમત જીવનની ફિલોસોફી પણ શીખવી દેતી. એક દિવસ અમે મિત્રો સૌથી પહેલાં T રમ્યા. આ રમતમાં જે લખોટી તંકાઈ જાય તે અને એની પછીની બધી જ લખોટી જીતી જવાય. ૨૫-૩૦ મિત્રોની ૧૦૦ થી વધુ લખોટીઓ ગોઠવી હતી. પહેલો દાવ મારો આવ્યો. મેં પહેલી લખોટીનું નિશાન તાંકયું અને તે લખોટી આંટી દીધી! એકદમ સોપો પડી ગયો. ધીમે ધીમે ગણગણાટ શરુ થયો અઠે ગઠે. હું મારી સ્કીલ જાણતો હતો એટલે મેં પણ કબુલી લીધું કે અઠે ગઠે. મારી ચડ્ડીના ખિસ્સાં ફાટી જાય અને લખોટીની થેલી ઉંચકી ન શકાય એટલી બધી લખોટી જીતી ગયો. પણ મિત્રો તરત જ મારી મદદે આવ્યા. બીજી બાજીઓ રમ્યા એમાં મારી જીતેલી અઢળક લખોટીઓનો ભાર હળવો થઈ ગયો.હું એક સાથે કેટલા બધા પાઠ શીખ્યો? લક્ષ્મી ચંચળ છે, પહેલાં બીજાનું હતું તે આપણું થયું અને કાલે તે બીજા કોઇનું થશે, ચડતી પડતી તો થયા કરે, સફળતા કાયમ ન પણ મળે, નસીબ કાયમ સાથ ન આપે આવી કેટલીયે ફિલોસોફી લખોટીની રમત શીખવી દેતી.હું તો છેક નવમા ધોરણમાં આવ્યો ત્યાં સુધી લખોટી રમ્યો હતો. પછી આસપાસના બાળકોને મારી લખોટીઓની લહાણી કરીને આ સુંદર રમતને વિદાય આપી.લગભગ પતંગ પર્વની વિદાય પછી લખોટીની સિઝન આવે તે ઉનાળાના વેકેશનમાં પણ ખુબ રમાય.ભમરડોલખોટીની સાથે સાથે ફેબ્રુઆરીમાં ભમરડાની સિઝન આવી જાય. સૌરાષ્ટ્રમાં ભમરડાને ગરિયો કહે. માત્ર મનોરંજન માટે ભમરડા ફેરવી શકાય કે રમત પણ રમી શકાય. સોફ્ટ લાકડાંના નાજુક રંગીન ભમરડા હોય જેની અણી - આર પાતળી હોય. તે વળી જાય તો સીધી કરવી પડે. મોટા લઠ્ઠ ભમરડાની મજબુત આર હોય.ભમરડાને દોરીની જાળમાં વીંટીને જમીન પર ફેંકવાનો. જમીન પર ફરતા ભમરડાને હથેળીમાં લઈ લેવાનો. જાળમાંથી ફેંકાયેલા ભમરડાને હવામાંથી જ હથેળીમાં ઝીલી લેવાય. કેટલાક તો એક પગ ઉંચો કરી તેની નીચેથી હાથ નાંખીને ઝીલી લે કે જાત જાતની તરકિબથી ઝીલે. ગણીતનો અઘરો દાખલો ગણી આપું ત્યારે અહોભાવથી જોતા મિત્રને અજીબ તરકિબથી ભમરડો ઝીલતા જોઉ ત્યારે હુ અહોભાવથી જોઇ રહેતો.એક કુંડાળામાં ભમરડા ફેરવવાના અને એક જણ એના ભમરડાથી પ્રહાર કરે. જેના ભમરડાને પાડી દે તે આઉટ. આ રમતમાં નાજુક રૂપકડા ભમરડા ન ચાલે. લઠ્ઠ ભમરડાનો પ્રહાર થાય તો એના ફાડચાં થઈ જાય.ભણવામાં ભમરડા હોય અને પરીક્ષામાં લખોટી આકારના માર્ક્સ લાવતા હોય તે લખોટી અને ભમરડાની રમતમાં એક્સપર્ટ હોય!હવે બહુ ઓછા બાળકો લખોટી, ભમરડા રમતા દેખાય છે. હાઇ ક્લાસમાં આ રમત નથી રમાતી. કોઇ વાર ઝુંપડા વસાહત તરફ જઈએ ત્યાં બાળકો લખોટી અને ભમરડા રમતા હોય છે.ક્રમશ:તુષાર અંજારિયાવિસરાતી જીવનશૈલીનો બાયોસ્કોપતુષાર અંજારિયાEmail: advait_sys@hotmail.com૫.વિસરાઈ જતી રમતોઆંબલી પીપળીસાહસ અને ચપળતાનો સમન્વય ધરાવતી રમત આંબલી પીપળી. આંબલી - આમલીના ઝાડ ઉપર કાતરા પાડવા કે ચટણીમાં વપરાતા સ્વાદિષ્ટ કોઠા લેવા ચડ્યા હોય તે જાણતા હોય કે આમલીના ઝાડ ઉપર આ રમત ન રમાય નહિતર કાંટા વાગે અને લોહીલુહાણ થઈ જવાય. આંબાના ઝાડ ઉપર રમી શકાય. વળી પીપળીનુ નામ ભલે આવતું હોય પણ અમને છોકરાઓને તો ઘણા વડિલો એ પવિત્ર પીપળા ઉપર કુદાકુદ કરવાની ના પાડતા. લીમડાના ઝાડ ઉપર રમાય. વડ દાદા તો સૌને અતિ પ્રિય. વડવાઈઓની સહાય લઈ આ રમત રમવાની ઓર મજા આવે.પડવા વાગવાની બીક હોય એમનું આ રમતમાં કામ નહિ. ઝાડ ઉપર ઉંચે ચડવાની અને ડાળીઓ ઉપર દુર સુધી જવાનું સાહસ તો જોઇએ જ પણ ઝડપથી ડાળ બદલવાની કે ઉપરથી ભૂસકો મારવાની ચપળતા પણ જોઇએ. કેટલાયના પગ મચકોડાઈ જતા હોયદાવ આપનાર ખેલાડી પકડવા આવે ત્યારે કઇ ડાળી પર જવું તેની સમજ હોવી જોઇએ. આપણું વજન ઝીલી શકે એવી ડાળી જ પસંદ કરવાની. કેટલે ઊંચે જવું તે પણ સમજી લેવું પડે. બહુ વધારે ઉપર જતા રહીએ તો ભૂસકો મારવાનું શક્ય ન બને. પકડનાર નજીક આવે ત્યારે ડાળ બદલી નાખવાની કે નીચે ભૂસકો મારી દેવાનો. દાવ આપનારમાં પણ ચતુરાઈ હોવી જોઇએ. જેની પાછળ પડ્યા એને છોડવાનો નહિ. તેને વધારે ઊંચાઈએ જવાની ફરજ પાડવાની એટલે તે ઉંચેથી કુદી ન શકે અને આઉટ થઈ જાય. હું મારા પાતળા શરીરનો ફાયદો ઉઠાવી શક્તો. કોઇ તંદુરસ્ત છોકરાનો દાવ હોય ત્યારે હું પાતળી ડાળી પર જતો રહું. પેલો ત્યાં આવે જ નહિ. આદુ ખાઈને પડ્યો હોય અને પકડવા આવે તો બધા બુમાબુમ કરી મુકે. ડાળી સહિત પડવાનું જોખમ ન લેવું હોય તો આઉટ થઈ જવું પડે.ઉનાળાની બપોરે તો આ રમત રમવાની બહુ મજા આવતી. જીવનમાં સમજદારીભર્યુ જોખમ ઉઠાવવાની તાલિમ આપતી આ સાહસિક રમતથી ઘણી કસરત થઈ જતી. અત્યારના બાળકો આવી અદ્દભુત રમત નથી રમતા તે ખરેખર ખેદજનક છે.કબડ્ડીકબડ્ડીની રમતમાં ભારત ભલે વિશ્વ વિજેતા હોય પણ આ રમત બહુ ઓછી રમાય છે. શાળાઓમાં રમાય પણ ઘર પાસે બાળકો આવી સરસ રમત રમતા નથી. કદાચ હવે કબડ્ડીની બે ટીમ પાડી રમી શકાય એટલી સંખ્યામાં બાળકો પણ ન હોય એટલે સોસાયટીઓમાં રમાતી રમતમાંથી કબડ્ડીની બાદબાકી થઈ ગઈ હોય.આટાપાટાજીવનમાં અનેક આટાપાટાનો સામનો કરવાનો હોય. આટાપાટાની રમત એની તાલિમ આપી દે. જમીન પર સીધા અને આડા પાટા દોરી એની વચ્ચે ખાના હોય. પાટાઓમાં એક ટીમના ખેલાડીઓ ફરતા હોય એમને ચકમો આપીને એક પછી એક ખાનાઓ પસાર કરતાં જઈ સામેના છેડે પહોંચવાનું. ચપળતા, સમય સુચકતા અને બુદ્ધિ ચાતુર્યના સમન્વયની આ રમત હવે ખાસ રમાતી નથી.ક્રમશ:તુષાર અંજારિયાવિસરાતી જીવનશૈલીનો બાયોસ્કોપતુષાર અંજારિયાEmail: advait_sys@hotmail.com૬.વિસરાઈ જતી રમતોહાઈડ એન્ડ સિકની રમતોઅત્યારે ઘણા બાળકો સાત તાળી કે પકડદાવ રમતા હોય છે. બાકી અંગ્રેજી વધુ બોલતા બાળકો હાઈડ એન્ડ સિક રમતા હોય. આમાં સૌથી કોમન થપ્પો જે આજે પણ રમાય છે. પરંતુ આ છુપાછુપીની રમતોમાં પહેલાં વેરાઇટીઝ હતી તે અત્યારે ખાસ નથી રમાતી.ચોર પોલીસની રમતમાં બે ટીમ પડે. એક ટીમ ચોર બને અને બીજી પોલીસ. ચોર બન્યા હોય તે જુદી જુદી જગ્યાઓએ છુપાઇ જાય. પોલીસ પાર્ટીએ એમને શોધી લેવાના. મારા જવા ઘણાને પાણીની લોખંડની પાઇપ પકડી ઉપર ચડતાં આવડતું એટલે અમે કોઇ ઉપરના ઘરમાં ઘુસી જઈએ. પોલીસને પાઇપથી ચડતાં આવડતું હોય તો ઠીક નહિતર કોઇ ન શોધી શકે. પણ જેના ઘરમાં ભરાયા હોઇએ તેની નજરમાં આવી જઈએ તો રાડારાડ થઈ જાય.ઢગલીની રમતમાં બે ટીમ હોય. સોસાયટીની એક એક સાઇડ આ ટીમને મળે. પોતાની સાઇડમાં ઠેક ઠેકાણે રેતીની ઢગલીઓ કરવાની. વિરોધી ટીમે આ ઢગલીઓ શોધી કાઢવાની. જે ટીમ સામેની ટીમની વધારે ઢગલીઓ શોધે તે જીતે. વેકેશનમાં કોઇ બહારગામ ગયું હોય એના ઘરની ઓસરીમાં આવી ઢગલીઓના ઢગ ખડકાયા હોય! બહારગામથી પાછા આવે ત્યારે ઘરની ગૃહિણીની હાલત બગડી જાય. તોફાનીઓને આ રમત બહુ જ ગમે. ક્રિકેટ રમતાં બોલ કોઇના ઘરમાં ગયો હોય અને ઝટ પાછો ન આપતા હોય એવા લોકોના ઘરને ટાર્ગેટ બનાવીને ધુળ ધુળ કરી મુકીએ અને બદલો લઈ લઈએ.આઇસ પાઇસઆવું નામ કેમ પડ્યું હશે? કદાચ આસપાસનું આઇસ પાઇસ થયું હશે? આ રમતમાં ટીનનું એક ડબલું મુકીને રમવાનું. ડબલું એક કુંડાળામાં મૂકવાનું. દાવ આપનારે આ ડબલાને સાચવવાનું. બીજા છુપાઈ જાય. દાવ આપનારે છુપાયેલા મિત્રોને શોધી લેવાના. જેને શોધી કાઢે તેનું નામ લઈ ડબલા પાસે આવીને આઇસ પાઇસ બોલવાનું એટલે તે આઉટ. તે શોધવા જાય ત્યારે પાછળથી છુપાયેલો કોઇ આવીને ડબલાને લાત મારી જાય તો દાવ આપનારે ફરી દાવ આપવો પડે.હવે હાઈડ એન્ડ સિકની આવી બધી રમતો ભાગ્યે જ જોવા મળે છે.હજી ક્યાંક બાળકો નાગોલ્ચું કે સાતોળીયું રમતા હોય છે પણ હાઇ ફાઇ વસાહતોમાં આ રમત ખાસ રમાતી નથી. પગથિયાં અને ઈંડું જેવી રમતો પણ આ બાળકો ખાસ રમતા નથી.ક્રિકેટ ગલી ગલીમાં રમાય છે. ફુટબોલ, ટેનિસ, ટેબલ ટેનિસ, બેડમિંટનની ખાસ તાલિમ લેવામાં આવે છે. પરંતુ દેશી કહી શકાય એવી રમતો વિસરાતી જાય છે. મધ્યમવર્ગી વસાહતોમાં ક્યાંક આ રમતો રમાતી જોવા મળે.ક્રમશ:તુષાર અંજારિયાવિસરાતી જીવનશૈલીનો બાયોસ્કોપતુષાર અંજારિયાEmail: advait_sys@hotmail.com૭.તહેવારો ઉજવવાની વિસરાતી શૈલીગૌરી વ્રત - ગોરો - ગોર્યોઅષાઢી બીજે રથયાત્રા નીકળે એના થોડા દિવસ પછી નાના કુંડામાં જુવારના રોપા ઉછેરાય. લારીઓમાં આ રોપા મળવા લાગે અને બાળાઓના પ્રિય તહેવાર ગૌરીવ્રતના આગમનની જાણ થાય. કોઇ એને ગોરો પણ કહે કે ગોર્યો એવું પણ બોલે. ગ્રામ્ય સંસ્કૃતિમાં નાની બાળાઓ મોળાકત વ્રત કરે એની પાછળ એવી ભાવના કે ગોરમાને પૂજવાથી ભવિષ્યમાં સારો વર અને સારું સાસરું મળે.શહેરની નાની બાળાઓ આનંદ સાથે ગૌરીવ્રતની મજા માણે. શાળામાં આ વ્રતના દિવસો દરમ્યાન છોકરીઓને ગણવેશ મુક્તિ મળે. મનગમતા ડ્રેસ પહેરવાની છુટ. ચાલુ વર્ગમાં ખાવા પીવાની પણ છુટ. એમનું રાજ ચાલે! વ્રતના છેલ્લા દિવસે રાતે જાગરણ કર્યું હોય તેના બીજે દિવસે વર્ગમાં ઉંઘ આવી જાય તો પણ શિક્ષક ટોકે નહિ. એમની સાથે ભાઈઓ પણ જાગ્યા હોય અને વર્ગમાં ઉંઘ લે તો આવી બને! કેટલાક ભાઈઓ તો બહેનની સાથે પોતે પણ હથેળીમાં નાનું ફુલ કે એવા ચિત્રની મહેંદી મુકાવે.જાગરણની રાતે સરકારી વસાહતોમાં તો ઓપન ઍર પિક્ચર હોય! આજુબાજુની સોસાયટીઓમાંથી પણ ટોળે ટોળાં આવે. ટીવી આવ્યા પછી તો ટીવી પર પણ રાતે કોઇ પિક્ચર બતાવે. ઘણા રમતો રમીને પણ જાગે.ગ્રામ્ય સંસ્કૃતિનો આ તહેવાર શહેરમાં આવ્યો અને હવે હાઇ ફાઇ વર્ગમાંથી વિદાય લઈ રહ્યો છે. એકદમ મધ્યમવર્ગીય વિસ્તારોમાં બાળાઓ હજી ગોરોની ઉજવણી કરે છે પરંતુ તે સિવાય ખાસ કોઇ આ તહેવાર હવે નથી ઉજવતું. અંગ્રેજી માધ્યમની શાળાઓમાં આવા તહેવારને કોઇ જ સ્થાન નથી. વર્ષો પહેલાં જે ઘરોમાં બાળાઓ આ તહેવાર ઉજવતી એમાં સારો વર મેળવવાની કોઇ જુનવાણી માન્યતા તો નહોતી જ. માત્ર નિર્દોષ આનંદ ખાતર થોડા દિવસ મજા કરે. એ બાળાઓ મોટી થઈને ઘણી જ સફળ કારકિર્દી સાથે જીવનમાં પ્રગતિ કરી ચુકી છે. તે વખતે જેંડર બાયસ જવા અઘરા શબ્દો નહોતા અને કોઇ બાળાઓના મનમાં આવું કશું ઠસાડતું નહોતું. માત્ર અને માત્ર નિર્દોષ આનંદ જ હતો. પરંતુ હવે આધુનિકતા આવી ગઈ હોવાથી આ નિર્દોષ આનંદના તહેવાર સામે ભવાં ચડાવાય છે અને આધુનિક સમાજ માટે ગોરો એક વિસરાઈ જતો તહેવાર બની ચુક્યો છે.ક્રમશ:તુષાર અંજારિયાવિસરાતી જીવનશૈલીનો બાયોસ્કોપતુષાર અંજારિયાEmail: advait_sys@hotmail.com૮.તહેવારો ઉજવવાની વિસરાતી શૈલીદિવાળીની ઉજવણી અને પરંપરાપહેલાંની જેમ જ નવરાત્રીના આગમન સાથે જ દિવાળીની તૈયારીઓ તો શરુ થઈ જાય છે પણ સમય સાથે પરંપરા બદલાઈ ગઈ છે. બજારોમાં ખરીદીની ભીડ તો હોય છે પણ હવે ડિસ્કાઉન્ટ સેલમાં ઓનલાઈન ખરીદીઓ થાય છે. પહેલાં તો મોટા ભાગના કુટુંબોમાં નવાં કપડાંની ખરીદી દિવાળીમાં થતી. ઘરની નાની મોટી વસ્તુઓ દિવાળી ટાણે લેવાતી. હવે મધ્યમવર્ગીય કુટુંબોમાં આવું રહ્યું છે બાકી દિવાળીની સ્પેશ્યલ ખરીદી જવું અલગ આકર્ષણ નથી રહ્યું.દિવાળી આવે એટલે જાત જાતનાં ગ્રીટીંગ્સ કાર્ડસ લેવાય. વડીલો, કુટુંબીજનો અને મિત્રો માટે યોગ્ય અનુરુપ કાર્ડસ લેવાય. જાત જાતના લખાણવાળા કાર્ડસ, સુંદર ચિત્રોવાળા કાર્ડસ કે ભગવાનના ફોટાઓવાળા કાર્ડસ હોય. ટપાલના પોસ્ટકાર્ડમાં લાલ અક્ષરમાં શુભેચ્છાઓ લખાય. રુબરુ ન મળી શક્યા હોઇએ પણ આવી રીતના શુભેચ્છા સંદેશામાં સાચી ઉષ્મા અનુભવાતી જે મોબાઈલ પર મળતા ગાડરીયા મેસેજીસમાં બિલકુલ નથી હોતી.પહેલાં દિવાળીની વાનગીઓની અસંખ્ય વિવિધતાઓ હતી અને દરેક ઘરમાં આર્થિક સ્થિતિ પ્રમાણે વાનગીઓ બનતી. ઘરે આવનારને હોંશે હોંશે પ્રેમથી ખવરાવવામાં આવતી. એક જ શહેરમાં રહેતા લગભગ દરેક ઓળખીતાને ઘરે અચુક જવાનું જ હોય. હવે રુબરુ મુલાકાતો સાવ નહિવત થઈ ગઈ છે. ઘણા કુટુંબોમાં વાનગીઓ બને છે પણ બહારથી ખરીદી વધી ગઈ છે. આ બહાને ગૃહ ઉદ્યોગને ઉત્તેજન મળી રહ્યું છે તે ઘણી સારી બાબત છે.બાળકો તો વેકેશન પડે તે ભેગાં જ નાના ફટાકડાઓ ફોડવા માંડતા. સૌથી સસ્તી ચાંદલિયાની ટીકડીઓની ડબ્બીઓ હોય. ટીકડી પર પથ્થર મારીને કે પિસ્તોલમાં મુકી ફોડવાની. ડબ્બીમાં કાંકરીઓ મુકી ભીંત પર ફેંકીને ભીંત ભડાકા કર્યા કરવાના. નાના મોટા ટેટા ફોડ્યા કરવાના. દિવાળીના દિવસોમાં રોજ રાતે નાના મોટા ફટાકડાઓ ફોડવાના. બજેટ પ્રમાણે ફટાકડા મળી રહેતા. પહેલાં હવાઈ નામનો ફટાકડો મળતો તે હવે નથી દેખાતો. આ હવાઈ કાયમ આડી જ ફંટાય અને કોઇકની પાછળ દોડે જ. જેની પાછળ દોડે એના હોંશકોશ ઉડી જાય અને બીજાંને હસાહસ થાય.અત્યારે ફટાકડાઓની વેરાયટીઝ છે પણ ઘણાને પરવડે નહિ એટલા મોંઘા હોય છે. એમાં વળી અવાજ અને હવાનું પ્રદુષણ રોકવા કેટલાય તો ફટાકડા ફોડતા પણ નથી. ઘણા આધુનિક ફ્લેટ્સમાં ફટાકડા ફોડવાની મનાઈ હોય છે. આતશબાજીના ફટાકડા જોવા અને જાતે ફોડવા એમાં બહુ મોટો ફરક હોય. કોઇને નુક્સાન ન થાય એવા ફટાકડા ફોડી નિર્દોષ આનંદ તો લઈ શકાય.રંગોળી પુરવાની, રોશની કરવાની, આસોપાલવ કે ગલગોટાના તોરણ બાંધવાના એવું બધું ચાલુ રહ્યું છે પરંતુ બેસતા વર્ષની સવારનો ઉત્સાહ સદંતર નાશ પામ્યો છે. નવા વર્ષની પ્રથમ સવારે પરોઢિયે ઉઠી, વહેલાં વહેલાં તૈયાર થઈ જવાનું, વડીલોના આશીર્વાદ લેવાના, દેવદર્શન કરવાના અને પછી પડોશના ઘરોમાં સાલ મુબારક કહેવા જવાનું. બાળકો તો બધા જ ઘરે ફરી વળે. ક્યાંક પાંચ દસ પૈસા પણ મળે. પિપરમિંટ, ચોકલેટ, સુગંધી સોપારી, મુખવાસ, જાત જાતની મીઠાઈઓ અને ફરસાણની વાનગીઓ ખાવાની મજા મજા હતી.હવે નવા વર્ષની સવાર પણ બાકીના દિવસોની સવાર જેવી જ લાગે છે. સ્પેશિયલ વહેલા ઉઠવાની તસ્દી બધા નથી લેતા. આસપાસના ઘરોમાં પહોંચી જવાની ઉતાવળ કે હોંશ નથી દેખાતી. સવારે દસ વાગે પણ શાંતિ જ હોય. હું તો કોના ઘરે કેટલા મહેમાનો આવ્યા તેનો સ્કોર ગણું અને બપોર સુધી ક્યાંય ડબલ ફિગર પણ ન થઈ હોય! અગાઉના વર્ષોના ઉત્સાહને યાદ કર્યા કરવાનો.સૌથી વધુ ઉડીને આંખે વળગે તે સબરસની નષ્ટ થતી જતી પરંપરા છે! પરોઢિયે આપણે ઉઠ્યા પણ ન હોઇએ ત્યારે સબરસ સબરસની બુમો પાડતા છોકરાઓ ઘેર ઘેર જાય. આપણું આખું વરસ મિઠાશભર્યુ જાય એવી ભાવના સાથે સબરસ - મીઠાની ગાંગડીઓ આપતા એ ગરીબ છોકરાઓ પાસેથી સબરસ લઈ એમને પૈસા આપી ખુશ કરી દેવાતા. હવે ઉંઘમાં ખલેલ ન પહોંચે એટલે આ છોકરાઓને સોસાયટી કે ફ્લેટમાં આવવા જ ન દે! આવી ગયા હોય તો ભાગ્યે જ કોઇ દરવાજો ખોલે.નવી રીતે તહેવારની ઉજવણી ભલે થાય પણ જુની પરંપરામાં જે સારું હતું તે જળવાઈ રહે તો આપણી સંસ્કૃતિનું ગૌરવ જળવાઈ રહે!ક્રમશ:તુષાર અંજારિયાવિસરાતી જીવનશૈલીનો બાયોસ્કોપતુષાર અંજારિયાEmail: advait_sys@hotmail.com૯.તહેવારો ઉજવવાની વિસરાતી શૈલીઉત્તરાયણ - મકરસંક્રાંતિની ઉજવણીઉત્તરાયણ ભલે ડિસેમ્બરમાં થાય પરંતુ પતંગપ્રેમી ગુજરાતીઓ તો ૧૪મી જાન્યુઆરીએ સુર્ય મકર રાશીમાં પ્રવેશ કરે તે દિવસને મકરસંક્રાંતિ ઉપરાંત ઉત્તરાયણ અને ઉત્તરાણ પણ કહે! આ પતંગપર્વ તો ગુજરાતીઓ માટે સદકાળ રહેશે જ. પરંતુ પહેલાં જે ઉત્સાહ અને ઉમંગ હતો તે હવે ઓસરી ગયો હોય એવું લાગે છે.દિવાળીની વિદાય સાથે જ પતંગની શરુઆત થઈ જતી. દિવાળી ઓક્ટોબરમાં આવી હોય તો લગભગ અઢી મહિના પતંગ માટે મળતા. જો અધિક્માસને લીધે દિવાળી નવેમ્બરમાં આવી હોય તો બે મહિના મળતા. આગલા વર્ષના સાચવી રાખેલા પતંગ અને દોરી બહાર કઢાતા. બાળકો દિવાળીનું વેકેશન ચાલુ હોય ત્યાં જ પતંગ ચગાવવા માંડતા. શાળાઓ શરુ થઈ જાય પછી ઘરે આવીને પતંગ ચગાવે. બાળકો સાથે મોટાં પણ ફુરસદના સમયે પતંગ ચગાવતા. પતંગ દોરીનું વેચાણ શરુ થઈ જતું. દોરી રંગવાની પણ શરુઆત થઈ જાય.અમે મિત્રો તો ૫-૬ની ટીમ બનાવીને પતંગ પકડવા જતા. એક મોટા ડંડા પર કાંટાળી ડાળી બાંધીને ઝંડુ બનાવીએ એમાં કપાઈને ઉડતા પતંગની દોરી ભરાય અને પતંગ પકડી લેવાય. ઝંડુ લઈને શેરીઓમાં અને ટ્રાફીકવાળા રસ્તાઓ ઉપર પણ દોડતા! અમારા ઘર સામે ઝુપડપટ્ટી છે ત્યાંના છોકરાઓ પણ પતંગ પકડવા દોડતા હોય. કેટલીય વાર એમની સાથે ઝઘડા અને મારામારી પણ થાય. રજાને દિવસે પતંગ પકડવા ઉપરાંત ચગાવતા પણ ખરા.ઉત્તરાણની આગલી રાતે પકડાયેલા પતંગના ભાગ પાડવા બેસીએ. "આ ઢાલ મેં પકડી છે એટલે મારી", "આ ચાંદેદાર મારો" એવી રકઝક સાથે ભાગ પડે પછી બધા વિલાઈ જાય! આટલી બધી દોડાદોડી કર્યા પછી માંડ ૨૦-૨૫ પતંગ ભાગે આવે એમાં બે દિવસ ક્યાંથી નીકળે? રાતે અમે ઝુપડપટ્ટીમાં જઈએ. જેમની સાથે મારામારી કરી હોય તે છોકરાઓ અમારી રાહ જ જોતા હોય. આવો આવો કહી આવકાર આપે અને ખાટલા ઢાળે. એમણે પકડેલા પતંગ બતાવે. અમે ભાવતાલ કરીને શક્ય એટલા સસ્તા ભાવે ખરીદીયે. આવતા વર્ષે ફરી મારામારી કરશું એવા વાયદા સાથે ઘરે જઈએ!અમારી જેમ ઘણાએ આવી રીતે પતંગ પકડીને ભાગ પાડયા હશે. ઝંડુ લઈને રસ્તા ઉપર દોડવું તે અત્યારે તો અસભ્ય ગણાતું હશે પણ અમે તો ભરપુર મજા માણી છે. અને હા, અમે ઝંડુડીયાઓ પોતપોતાના ક્ષેત્રમાં ઘણા સફળ થયા છીએ. જે સભ્ય હતા અને આવી રીતે રસ્તા ઉપર નહોતા દોડતા એમાંના ઘણામાં મોટા થઈને જે બદી કુટેવો આવી છે તેનાથી અમે યોજનો દુર રહ્યા છીએ. હું એમ નથી કહેતો કે અત્યારે માબાપ બાળકોને ઝંડુ લઈ પતંગ પકડવા મોકલે. મુકતપણે આનંદ લેવા દે તો બાળકોને વધારે મજા આવે અને સમયાંતરે સૌ સમજ્દાર થવાના જ છે.આવી રીતે બે અઢી મહિના ભરપુર મજા માણીને ૧૪-૧૫ જાન્યુઆરીએ મનભરીને પતંગ ચગાવવાના. શિયાળાની કડકડતી ટાઢમાં સવારે ૮ વાગે ઉઠવાના ફાંફા હોય પણ ૧૪મી તો ૫ વાગે ઉઠી અગાશી પર પહોંચી જવાનું. આખો દિવસ ખાવાપીવાનું અગાશીમાં જ. જો બહુ પતંગ કપાઈ જાય તો અમારા મારામારીવાળા મિત્રો પાસેથી ખરીદી લેવાના. રાતે તુક્ક્લ ચડાવાની. કોઇએ તુક્કલ ચડાવી હોય તેના પતંગને કાપીને પકડી લાવીએ અને અમારી તુક્ક્લ ચડાવીએ.હવે બે અઢી મહિના ભાગ્યે જ કોઇ પતંગ ચગાવતું હશે. પતંગ પકડવા સારા ઘરના છોકરાઓ નથી દોડતા. ૧૪મી નજીક આવે ત્યારે છેક થોડા પતંગ ઉડતા દેખાય. શહેરની પોળોમાં વહેલી સવારથી પતંગ ચગાવે પણ બાકી મોટા ભાગના લોકો તો નિરાંતે ચગાવે. પહેલાં જેવો ઉત્સાહ બિલકુલ નથી દેખાતો.વધારે કાચ પાયેલી દોરીથી અસંખ્ય પક્ષીઓ ઘાયલ થાય છે કે મરી જાય છે. કોઇના ગળામાં દોરી અટવાય તો માણસ પણ મરી જાય છે. આવી જીવલેણ બેફામ બેજવાબદારી તો ન જ હોવી જોઇએ. મારા ઘર સામે પાંજરાપોળ છે ત્યાં ઘાયલ પક્ષીઓને સારવાર આપવા હોસ્પિટલ છે. યુવાન ડોક્ટરો ઓપરેશન કરીને સેંકડો પક્ષીઓના જીવ બચાવે છે. હવે ઘણા લોકો જીવદયાથી પ્રેરાઈને પતંગ નથી ચગાવતા. એ લોકો બાળકોને લઈને આ હોસ્પિટલ આવે છે. હું પણ યુવાન વોલન્ટિયર્સને પ્રોત્સાહન આપવા જાઉં છું. મને એવું કહે કે બાળકોને જીવદયા વિશે કહી પતંગ ન ચગાવવા સમજાવો તો હું ચુપ થઈ જાઉ છું. હું શું કહું? સો ચુહા માર કે બિલ્લી હજ કો ગઈ જેવો ઘાટ થાય!સવારે અને સાંજે પક્ષીઓના માળામાં જવા આવવાના સમયે પતંગ ન ચગાવીયે, લોકોના ગળા ચીરી નાંખે અને પક્ષીઓની પાંખ કાપી નાંખે એવી ઘાતક દોરી ન વાપરીએ અને માત્ર નિર્દોષ આનંદ માટે આ તહેવાર માણીએ તો સૌનું સારું થાય. આશા રાખીએ કે ગુજરાતીઓ સાથે સદકાળ રહેશે એવો આ પતંગપર્વ અનેરા ઉત્સાહ સાથે અને કોઇને નુક્સાન કર્યા વગર ઉજવાતો રહેશે.ક્રમશ:તુષાર અંજારિયાવિસરાતી જીવનશૈલીનો બાયોસ્કોપતુષાર અંજારિયાEmail: advait_sys@hotmail.com૧૦.વિસરાઈ જતી આપણી આસપાસની દુનિયાફેરિયાઓપ્યાલા બરણી - ભાંડી"એ પાલા બૈણિ ઈઈઈ" એવી બુમ પાડતી સ્ત્રીઓ આખા વિસ્તારમાં પગે ચાલીને ફરી વળે. માથે વાસણોનો મોટો ટોપલો હોય અને કેડમાં કપડાંઓનું પોટલું હોય. એકાદ નાનું બાળક પણ તેડ્યું હોય અને સાથે સાથે એકાદ બે બાળકો ચાલતાં હોય. ઉનાળાની ભીષણ ગરમી હોય કે શિયાળાનો ઠંડો પવન હોય કે ધોધમાર વરસાદ હોય પણ ભાંડીવાળી સ્ત્રીઓ કપરું સંઘર્ષમય જીવન જીવવામાં પાછી પાની ન કરે!"એ પાલા બૈણિ ઈઈઈ" ની બુમ સંભળાય એટલે કોઇ ટીખળી છોકરો બોલે પણ ખરો, "એ કોને પૈણિ?" પેલી બાઇ હસી નાખે નહિતર સામો સણસણતો જવાબ આપી દે.આ કામમાં લગભગ સ્ત્રીઓ જ વધારે હોય. ગૃહિણીઓ સાથે ઘરના ઉંબરે બેસી કચકચ કરવાની હોય એમાં પુરુષ કરતાં સ્ત્રી હોય તો સરળ રહે અને ગૃહિણીઓને સલામતી પણ લાગે. કુટુંબના સભ્યોના ઉતરેલા કપડાંનો ઢગલો થાય અને એની સામે ઘરમાં જરુર હોય એવા વાસણની પસંદગી થાય. ખાસા લાંબા સમય સુધી રકઝક ચાલે. કપડાં સાવ ફાટેલાં ન હોય તો સારું વાસણ મળી શકે. ભાંડીવાળી બાઇને કપડાં મળે અને ગૃહિણીઓને ચક્ચકિત વાસણ મળે. બંને ખુશ!અમદાવાદમાં દિલ્હી દરવાજા પાસે આ કપડાં વેંચાય. દરેક શહેરના કોઇ ચોક્કસ વિસ્તારમાં ભાંડીના કપડાંનું બજાર હોય. ગરીબ વર્ગના જે લોકો મફત લેવામાં નથી માનતા એવા સ્વમાની ગરીબ વર્ગ માટે આ બજાર છે. અહીં તેઓ પોષાય તેવા ભાવે કપડાં ખરીદે. ઇકોનોમીની કેટલી સરસ ગોઠવણી? સારા ઘરનાં કપડાં ગરીબ વર્ગને મળે, ગૃહિણીને ઘર ઉપયોગી વાસણ મળે અને ભાંડીવાળીઓને રોજી મળે! આ સ્ત્રીઓને આ કમાણી દ્વારા ઘરખર્ચમાં સહાય થાય. બાળકોને ભણાવવા માટે પણ ટેકો રહે. આવી રીતે ભાંડીનો વ્યવસાય કરતી સ્ત્રીઓના બાળકોએ સારો અભ્યાસ કર્યો હોય એવા ઘણા ઉદાહરણ મળી રહે.હવે ઉચ્ચ મધ્યમ વર્ગને આવી રીતે વાસણ લેવાની જરુર નથી. કુટુંબના કપડાં ચેરિટીમાં આપવા માટે ઘણી સંસ્થાઓ છે. આથી પોશ વિસ્તારોમાં ભાંડીવાળી સ્ત્રીઓ ખાસ જોવા નથી મળતી. ચાલી ચાલીને ફોગટ ફેરા થાય. મધ્યમ વર્ગીય વિસ્તારોમાં આ સ્ત્રીઓ જોવા મળી જાય. કોઇ એક સમયે ઘેર ઘેર આવી બેસતી, રકઝક કરતી અને કપડાં વાસણની આપલે કરતી ભાંડીવાળી સ્ત્રીઓનો આ વ્યવસાય ભુતકાળ બની ગયો છે!મીઠાંની લારીપહેલાં લારીમાં મીઠું વેંચવાવાળા નીકળતા. વર્ષો સુધી લોકોએ આવું લારીનું મીઠું ખાધું. પછી અચાનક જ મોટી મોટી કંપનીઓ મીઠાના ધંધામાં આવી અને જોરશોરથી જાહેરાતો કરવા લાગી કે આવા લારીના મીઠામાં આયોડીન ન હોય એટલે ખોડ ખાંપણ રહે. લાખો લોકોએ લારીનું મીઠું ખાધું હતું એમાં કેટલા હજાર કે લાખને ખોડ ખાંપણ થઈ તેનો ડેટા તો આ કંપનીઓ પાસે જ હશે કદાચ! બાકી એમને ધીકતી કમાણી થવા લાગી અને મીઠાની લારીઓ ગઈ.દેશી ફળોશાળાઓની બહાર અને શેરિઓના નાકે અમુક લારીમાં ચણી બોર, ફાલસા, ગોરસ આમલી, રાયણ, ગુંદી, ફુલોના ઝુમખા જેવા ઝુમખાવાળી લીલી વરિયાળી મળતી. હવે બાળકોને આવું બધું ભાવતું નથી એટલે આવી દેશી વસ્તુઓ બહુ ઓછી જોવા મળે છે.ક્રમશ:તુષાર અંજારિયાવિસરાતી જીવનશૈલીનો બાયોસ્કોપતુષાર અંજારિયાEmail: advait_sys@hotmail.com૧૧.વિસરાઈ જતી આપણી આસપાસની દુનિયાફેરિયાઓડબાના ઢાંકણા રિપેર કરવાનામારી કોલોનીમાં એક આધેડ કાકા "ડબાના ઢાંકણા બનાવાના" એવું બોલતા નીકળે. લોકોના ઘરે ડબ્બા, લોખંડની ડોલ, તગારા હોય તેમાં ગોબા પડ્યા હોય તે રિપેર કરી આપે. તીરાડ પડી હોય તો પતરાંનું થીગડું મારી આપે. રોજ રોજ તો બધાનાં ઘરે આવાં કામ હોય નહિ તો એમને રોજ શું કામ મળે? મળે, મારા જવા બારકસો એમને કાયમી ઘરાકી કરાવી આપે. શાળાએથી ઘરે આવતાં બીજી સોસાયટીઓના બારકસો સાથે અવાર નવાર જંગ લડાય એમાં પથ્થરનો હથિયાર તરીકે ઉપયોગ થાય. ઢાલ તરીકે એલ્યુમિનિયમ કે લોખંડની સ્કુલબેગ હોય. એમાં ગોબા પડે તે વારે વારે રિપેર કરાવવા પડે.લોકોના ઘરમાંથી આવા ડબ્બા, ડોલ, તપેલા, તગારા ગયાં તે સાથે આવું રિપેરિંગ કામ કરી આપનારા ફેરિયાઓ પણ ગયા. પછી અમુક સમય પ્લાસ્ટિકની ડોલ, બકેટ આવ્યાં તે રિપેર કરવાવાળા ફેરિયા નીકળતા. હવે તો લગભગ યુઝ એન્ડ થ્રો જ હોવાથી કોઇ આવું રિપેર કામ નથી કરાવતું.ચોમાસું આવે એટલે છત્રી રિપેર કરવાવાળા નીકળે. હવે મોટી છત્રીઓ ગઈ અને ફેન્સી છત્રીઓ આવી એટલે આ ફેરિયાઓને પણ ખાસ કામ નથી મળતું.કલાઇપહેલાં લોકો તાંબા પિત્તળના વાસણો વાપરતા. અમુક સમયે આ વાસણોને ચકચકિત કરવા કલાઇ કરવાવાળા હતા. કુંભારના ચાકડા જેવા ચાકડા પર વાસણ મુકી છમ્મ અવાજ સાથે કલાઇ થાય. દિવાળી નજીક હોય ત્યારે કલાઇવાળાની લારી પર ભીડ જામી હોય. ધીરે ધીરે સ્ટેનલેસ સ્ટીલનો જમાનો આવ્યો અને કલાઇવાળા ગયા. હજી કોઇ ગરીબ વસાહત પાસે ક્યારેક કલાઇ થતી જોવા મળી જાય બાકી આ વ્યવસાય વિસરાઈ ગયો છે.છરી ચપ્પાની ધારછરી ચપ્પાની ધાર કરી આપવાવાળા નીકળતા. સાયકલના પૈડાની અંદરનું આરા વાળું વ્હીલ હોય તે એક સ્ટેન્ડમાં ઉભું ગોઠવ્યું હોય તેને ફેરવતા જવાનું. તેની ઉપર છરી ચપ્પુ મુકી તેની ધાર તીક્ષણ કરવાની. હવે ફેન્સી નાઇફના સેટ મળે છે અને તેની ધાર લાંબો સમય ચાલે. બાકી યુઝ એન્ડ થ્રો એટલે આ છરી ચપ્પાની ધાર કરવાવાળાઓ સોસાયટીઓમાં નથી નીકળતા. ખાણીપીણીની, શાકની અને ફળોની લારીઓ હોય ત્યાં એમને ઘરાકી મળે.વર્ષો સુધી જે ફેરિયાઓને જોયા હતા તેમાંના ઘણાને સમય જતાં વ્યવસાય બદલવો પડ્યો છે. નવી પેઢી આ ફેરિયાઓ અને એમના વ્યવસાયને નથી જાણતી.ક્રમશ:તુષાર અંજારિયા
Subscribe to:
Posts (Atom)
No comments:
Post a Comment